બાલભારતીમાં વાર્તાપઠન ૧૯ નવેમ્બર ૨૦૨૨
(૬૯૮ શબ્દો)
શનિવાર તા. ૧૯ નવેમ્બર ૨૦૨૨ ની સાંજે મુંબઈ શહેરના પશ્ચિમના
પરાં કાંદિવલી ખાતે બાલભારતીમાં શિયાળાની શરૂઆતની આહ્લાદક ઠંડી વચ્ચે ખાસો ગરમાટો
આવી ગયો એક-બે નહીં પણ ચાર ચાર એબ્સર્ડ કહી શકાય વાર્તાઓની રજૂઆતના લીધે.
લોકડાઉનના પ્રતિબંધો હળવા થયાં પછીના બાલભારતી વાર્તાવંતના
આ પંદરમા કાર્યક્રમના આરંભમાં સંચાલક કવિ-ચિત્રકાર-વાર્તાકાર સંદીપ ભાટિયાએ ભૂમિકા
બાંધતા કહ્યું કે એક જ પ્રકારની કે એક જ જોનરની તમે અનેક કવિતાઓ એક જ બેઠકમાં કદાચ
સાંભળી કે માણી શકો, પણ ટૂંકી વાર્તાની બાબતમાં એવું સંભવ નથી. ટૂંકી વાર્તાઓ
એકબીજાથી જુદી પડવી અનિવાર્ય છે, વિષય અને રજૂઆતમાં વૈવિધ્ય હોવું આવશ્યક છે. એમણે
કહ્યું કે આજે રજૂ થનારી વાર્તાઓમાં શ્રોતામિત્રોને ખાસું વૈવિધ્ય માણવા મળશે.
સૌ પ્રથમ રજૂઆત કરી સમીરા પત્રાવાલાએ એમની ટૂંકી વાર્તા
“રોજ રાતે.”
મુંબઈ જેવા શહેરમાં સતત દોડતાં રહેવાની જિંદગીમાં નીરજ
કંટાળી ગયો છે. એક સાંજે ફૂલવાળા પાસેથી એ મોગરાનો ગજરો ખરીદીને એની સુગંધ માણે છે
અને એની જિંદગી બદલાઈ જાય છે. એને જિંદગી જીવવા જેવી લાગે છે. પછી તો રોજ મોગરાનો
ગજરો ખરીદવાનો અને એની સુગંધ માણતા રહેવાનું એને વળગણ થઈ જાય છે. આપણા સમાજે સ્ત્રીઓ અને પુરુષો માટે જાહેર જીવનમાં
વર્તવાના બનાવી કાઢેલા જુદાં જુદાં નિયમો
પ્રમાણે નીરજનું આ ગજરા માટેનું વળગણ
ચર્ચાસ્પદ બની જાય છે. ચોતરફથી આવેલા દબાણના કારણે નીરજ ગજરો ખરીદવાનું બંધ કરે છે
પણ પછી નીરજની જિંદગી ફરીથી પહેલાં હતી એવી થઈ જાય છે, નીરજની જ ભાષામાં કહીએ તો
“ગધેડા જેવી.”
બીજી રજૂઆત કરી બાદલ પંચાલે એમની ટૂંકી વાર્તા “હું કંઇક તો
ભૂલું છું.”
આ વાર્તાના નાયકને પોતાના કામની ફરી ફરી ચોકસાઈ કરતાં
રહેવાનું વળગણ છે. જે કામ કર્યું એ બરાબર તો થયું છે ને? કંઇક ભૂલાઈ તો નથી ગયું
ને? આમ ને આમ આ માણસ એક દિવસ જીવન જીવવાનું જ ભૂલી જાય છે! એ પોતે મૃત્યુ પામે છે
એનું પણ એને ભાન રહેતું નથી!
કંઇક ભૂલવાના અસંખ્ય ઉદાહરણો વાર્તામાં એક પછી એક આવતાં રહે
છે. જો કે આ બધાં જ ઉદાહરણો વાસ્તવિક જીવનના સંભાવ્ય ઉદાહરણો છે એટલે
વાર્તામાં “આવું તો કંઈ બનતું હશે?” જેવો
પ્રશ્ન ક્યાંય ઊભો થતો નથી અને એટલે જ વાર્તા રસપ્રદ બને છે.
કોફીબ્રેક પછી યામિની પટેલે રજૂ કરી વાર્તા “વપરાયેલાં.”
આ વાર્તા વિષે ટિપ્પણી કરતાં પહેલાં થોડીક ભૂમિકા સ્પષ્ટ
કરવી જરૂરી છે.
વાર્તાવંતના આયોજક ભાઈશ્રી હેમંત કારિયા હમણાં હમણાં એની સઘળી
સર્જનાત્મક શક્તિ વાર્તાપઠનના આ કાર્યક્રમની જાહેરાત લખવામાં નીચોવી કાઢતા આવ્યા છે.
એમાંય આ કાર્યક્રમની આમંત્રણપત્રિકા તો સ્વયં એક પ્રયોગાત્મક વાર્તા છે. એમાં
ચકલીના કદના એક મોરની કલ્પના થઈ છે. બીજા પુરષ બહુવચન કથનશૈલીમાં લખાયેલા આ
આમંત્રણમાં નાયકના ખભા પર ચકલીના કદનો એક નાનકડો મોર આવીને બેસે છે. આ મોર નાયકને
એક એવી સભામાં દોરી લઇ જાય છે જ્યાં ઉપસ્થિત દરેક સભ્યના ખભે પણ એક એક એવો જ
નાનકડો મોર બેઠો છે! નાયકના ખભે બેઠેલો મોર નાયકને એક પીંછુ આપે છે. એ પીંછુ
ચમત્કારિક રીતે માનવપ્રાણીમાં બદલાઈ જાય છે! એક પછી એક એમ ચાર પીંછા મોર આપે અને
દરેક વખતે એ પીંછામાંથી એક પછી એક આ ચાર વાર્તાકારો પ્રગટ થાય છે: બાદલ પંચાલ,
સમીરા પત્રાવાલા, યામિની પટેલ અને સંદીપ ભાટિયા.
આ કાવ્યાત્મક આમંત્રણકથાનો આધાર લઈને યામિની પટેલે રચેલી
વાર્તામાં બે વૃક્ષોની કલ્પના થઈ છે જેની પર પેલા મોર જઈને બેસે છે. હકીકતમાં આ એક
વ્યંજનામાં કહેવાયેલી વાર્તા છે. આ બે વૃક્ષો એટલે સાહિત્ય પરિષદ અને સાહિત્ય
અકાદમી નામની આપણી બે સાહિત્ય સંસ્થાઓ માટેના પ્રતિકો. આપણા સાહિત્યજગતમાં ચાલી
રહેલી પ્રવૃત્તિ વિષે એક વિધાન આ વાર્તામાં થયું છે.
છેલ્લે કાર્યક્રમના સંચાલક સંદીપ ભાટિયાએ રજૂ કરી એમની ટૂંકી વાર્તા “રંદો.”
આપણા સમાજમાં રૂઢ થઈ ગયેલી પુરુષપ્રધાન સંસ્કૃતિનું એક
વરવું ચિત્ર આ વાર્તામાં રજૂ થાય છે. વાર્તાનો નાયક સુથારીકામ કરતો એક કારીગર છે. આ
વાર્તા એટલે બે છેડાના વિપરીત ભાવનું એક વિલક્ષણ ઉદાહરણ છે. લાકડાંમાંથી ઉપયોગી
ચીજવસ્તુઓનું સર્જન કરતો નાયક માણસ તરીકે અન્યો સાથે વ્યવહારમાં સતત સૂક્ષ્મ હિંસા
આચરતો રહે છે, અર્થાત ખંડનાત્મક પ્રવૃત્તિ કરતો રહે છે. પોતાની પત્ની જોડે એ પશુ
જેવો વ્યવહાર કરે છે. એની પત્નીને ડર લાગે છે કે એક દિવસ એના પતિએ દીકરી માટે પસંદ
કરેલા જમાઈના હાથે દીકરીના પણ પોતાના જેવા જ હાલ થશે.
ચારે વાર્તાઓ અસરકારક બની ચારે વાર્તાકારોના પ્રવાહી પઠનના
કારણે.
કાર્યક્રમનું સમાપન કરતી વેળા બાલભારતીના એક ટ્રસ્ટી અને વાર્તાવંતના
મોભી ભાઈશ્રી હેમાંગ તન્નાએ માહિતી આપી કે આવતાં અઠવાડિયે અહીં દસ દિવસ ચાલનારા પુસ્તકમેળાનું
આયોજન થયું છે જેનું ઉદઘાટન ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ કવિ શ્રી સિતાંશુ યશશ્ચંદ્રના
હસ્તે થશે. મુંબઈના પ્રમુખ પુસ્તકવિક્રેતાઓ પોતાના પુસ્તકો આ પુસ્તકમેળામાં વેચાણ માટે
મૂકશે.
ટૂંકમાં, એક પૈસાવસૂલ સાંજ!
--કિશોર પટેલ, 21-11-22; 09:18
###
No comments:
Post a Comment