અખંડ આનંદ સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૪૫૯ શબ્દો)
બકેટલિસ્ટ (હિના મોદી):
એક શિશુના આગમનથી નાયિકામાં જીવનમાં આવતાં પરિવર્તનની વાત.
ગર્ભમાં બાળકને ઉછેરવામાં નવ મહિના ખર્ચી નાખવાથી
વ્યાવસાયિક કારકિર્દીમાં વ્યવધાન ઊભું થશે એવું વિચારીને નાયિકા સરોગેસી દવારા
બાળક પ્રાપ્ત કરે છે. પણ પોતાનું બાળક પ્રાપ્ત કર્યા પછી એના અગ્રતાક્રમ બદલાઈ જાય
છે. બાળકના ઉછેર માટે એ નોકરીમાંથી એક વર્ષની રજા લઈ છે.
સૃષ્ટિના જીવનચક્રને જાળવી રાખવાની વાત. આલેખનમાં કસબ અને
કારીગીરીનો અભાવ છે. નાયિકાના મનોભાવોની ગેરહાજરીમાં રજૂઆત શુષ્ક અને અહેવાલાત્મક
થઈ છે.
શાસ્વતી (શાંતિલાલ ગઢિયા):
પોતાનો અસાધ્ય રોગ બીજી પેઢીમાં ના ઉતરે એવા કારણથી
પ્રેમલગ્ન ટાળતી નાયિકાની કેફિયત. અંદાજે કેવળ ૫૦૦ શબ્દોની આ રચનાને ટૂંકી
વાર્તાના બદલે લઘુકથા કહેવી યોગ્ય રહેશે.
દિગુ દાદા (અર્જુનસિંહ રાઉલજી):
છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ના થાય એ કહેવતને ચરિતાર્થ
કરતી વાર્તા. સાસુ-સસરા જોડે લડીઝઘડીને વહુએ પોતાના પતિને એના માબાપથી જુદો
કરાવ્યો છતાં વહુની જીવલેણ બીમારી સમયે વડીલોએ વહુ પ્રતિ રીસ ના રાખી, અપકાર પર
ઉપકાર કર્યો. જૂનો વિષય, પારંપારિક રજૂઆત.
વિપર્યય (રેણુકા દવે):
વિપર્યય=ઉલટપુલટ થઈ જવું, હોય તેનાથી ઊંધું સમજવું. (સમજૂતી
સંદર્ભ: સાર્થ જોડણીકોશ)
મરાઠી ભાષામાં એક કહેવત છે: “દિસતં તસં નસતં મ્હણુન જગ ફસતં.”
અર્થાત દેખાય છે તેવું હોતું નથી એટલે દુનિયા છેતરાય છે. કંઇક આવું જ બને છે આ
વાર્તામાં. શાળાના એક પ્રોજેક્ટ માટે ફિલ્ડવર્ક કરતી વખતે નાયિકાને અનુભવ થાય છે કે ગમાર દેખાતાં માણસો અસલમાં
સ્માર્ટ હોય છે અને સ્માર્ટ દેખાતાં માણસો અસલમાં જ્ઞાનમાં, કામમાં અને અભિગમમાં “ઢ”
હોય છે. વાર્તાનું શીર્ષક યથાર્થ સાબિત થાય છે. અહીં માનવજીવનનાં વ્યવહારિક
પાસાંનો અભ્યાસ થયો છે.
સોસાયટી (દિનેશ દેસાઈ):
પૂનાના એક કુટુંબે દીકરી માટેના ઉમેદવારનું ઘર જોવાના બહાને
અમદાવાદનો ત્રણ દિવસનો સાઈટસીઈંગનો કાર્યક્રમ ઉમેદવારના ખર્ચે માણી લીધો. પૂના
પાછાં ફર્યાં પછી ફોન પર ફાલતુ બહાનું કાઢીને લગ્નની ના પાડી દીધી. આવા લેખાગુ
મફતિયાઓ પણ સમાજમાં હોય છે. રજૂઆત થોડીક હળવી શૈલીમાં થઈ શકી હોત. ખેર, અંત ધારી
લેવાય એવો છે એમ છતાં એકંદરે સારી વાર્તા.
એડજસ્ટ (પ્રિયદર્શના દીપક ત્રિવેદી):
વરિષ્ઠ નાગરિકની સમસ્યા. પત્નીના નિધન પછી પોતાના
ગમા-અણગમાનું ધ્યાન રાખવાનું પુત્રવધૂને વધારાનો બોજો લાગે છે એટલે નાછૂટકે નવીનભાઈ
પોતે એની જોડે એડજસ્ટ થાય છે. માંડ ૫૦૦ જેટલાં શબ્દોની આ રચનાને ટૂંકી લઘુકથા કહેવી
યોગ્ય રહેશે.
આમ પાછા વળવું (દીના પંડયા):
વરિષ્ઠ નાગરિકની સમસ્યાની એક ઓર વાર્તા. આની પહેલાં વાત કરી
એ “એડજસ્ટ” વાર્તાથી બિલકુલ વિપરીત લક્ષણની વાર્તા છે. અહીં ઘરમાં નવી આવેલી
પુત્રવધુ અગાઉથી સસરાની જરૂરિયાતનો અભ્યાસ કરીને એમની સગવડોનું ધ્યાન રાખવા માટે
પૂરતી તૈયારી કરીને આવી છે! એટલે ગૃહત્યાગ
કરી જવાનો નિશ્ચય કરી બેઠેલા શાંતિલાલ છેલ્લી ઘડીએ પોતાનો નિર્ણય ફેરવી તોળે
છે. અસરકારક રજૂઆત.
સપાટ રસ્તા (કામિની મહેતા):
કુટુંબમાં સર્વે સ્વજનો સ્નેહાળ હોવા છતાં સંસારનો
ત્યાગ કરીને સંન્યાસ સ્વીકારતી એક વરિષ્ઠ
સ્ત્રીની વાત.
--કિશોર પટેલ, 19-11-22; 09:02
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment