Sunday, 27 November 2022

લક્ષ્મીકાંત કર્પે ઉર્ફે અન્નાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે


 

લક્ષ્મીકાંત કર્પે ઉર્ફે અન્નાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે

(૫૯૭ શબ્દો)

કળાની દુનિયા બેરહમ છે. આ દુનિયાનું ગણિત સમજી કે સમજાવી ના શકાય એવું અટપટું છે. અહીં ખોટા સિક્કા ચાલી જતાં હોય છે અને સાચા સિક્કાઓ એકાદ ખૂણે કાટ ખાતાં ખાતાં ઓગળી જતાં હોય છે. સમાચારપત્રોના એકાદ ખૂણે બે લીટીની મૃત્યુનોંધ સાથે એમને ભૂલાવી દેવાય છે.

લક્ષ્મીકાંત કર્પે એક એવા જ કલાકાર હતા જેમની પ્રતિભાનો ઉપયોગ કરવામાં કળાની દુનિયા નિષ્ફળ ગઈ. ગુજરાતી અને મરાઠી રંગભૂમિ તેમ જ હિન્દી ફિલ્મઉધોગ એમ ત્રણ ત્રણ ક્ષેત્રે એમણે કામગીરી બજાવી પણ ક્યાંય તેઓ સફળ થયા એવું કહી નહીં શકાય.

જાણકારો મારા ઉપરોક્ત વિધાનનો કદાચ વિરોધ કરશે, વિરોધ થવો પણ જોઈએ કારણ કે સફળતા એક સાપેક્ષ શબ્દ છે. સફળતા કોને કહીશું? બસો-પાંચસો પ્રયોગ કરીને કે દેશ-વિદેશના પ્રવાસ કરીને એકાદ નાટક બોક્સઓફીસ પર ટંકશાળ પાડે એને સફળ કહીશું? કે પછી રંગભૂમિ ગણ્યાગાંઠ્યા  પ્રયોગો કરીને આધુનિક રંગભૂમિને એક નવી દિશા ચીંધતા પ્રયોગાત્મક નાટકને સફળ ગણીશું?

લક્ષ્મીકાંત કર્પેનો એક જમાનો હતો. આંતરકોલેજ એકાંકી સ્પર્ધાઓમાં એમણે ડંકો વગાડયો હતો. એમણે દિગ્દર્શિત કરેલાં એકાંકીઓ ઇનામવિજેતા યાદીમાં ચોક્કસપણે સ્થાન પામતાં. વિવિધ કોલેજોમાંથી એકથી વધુ પ્રતિભાવંત કલાકારોને એમણે રંગભૂમિ પર પગલાં પાડતાં શીખવ્યું હતું. જેમણે ઓલરેડી પગલાં પાડ્યાં હતાં એમને સારી રીતે દોડતાં શીખવ્યું હતું. એમના વિદ્યાર્થીઓ પ્રેમથી એમને “અન્ના” કહેતા. મરાઠી ભાષામાં “અન્ના” એટલે મોટાભાઈ. આ લખનારને એક સ્પર્ધામાં જે એકાંકી માટે શ્રેષ્ઠ એકાંકીલેખનનું પારિતોષિક મળ્યું હતું એનું દિગ્દર્શન અન્નાએ જ કર્યું હતું. આ લેખમાં હવે પછી એમનો ઉલ્લેખ “અન્ના” તરીકે થશે.

સ્વ. કમલેશ મોટાએ એમની સાથે ઘણાં એકાંકીઓ કર્યા હતાં. બાબુલ ભાવસાર, વિપુલ વિઠલાણી અને રાજેશ સોલંકી ઉપરાંત અનેક કલાકારો એમની પાસેથી અભિનયના પાઠ શીખ્યા છે. શેખર કપૂરની હીટ ફિલ્મ “મિસ્ટર ઇન્ડિયા” માં લુચ્ચા વાણિયાની ભૂમિકા ભજવનાર હરીશ પટેલ એ સમયે હિન્દી ફિલ્મોમાં હાસ્યભૂમિકાઓ કરવા માટે જાણીતા બન્યા હતા. આ હરીશ પટેલની શોધ અન્નાએ કરેલી. લાલા લજપતરાય કોલેજમાંથી એક એકાંકીસ્પર્ધામાં અન્નાએ એકાંકી કરાવેલું એમાં  હરીશ પટેલે મુખ્ય ભૂમિકા ભજવેલી. હરીશ પટેલ હાલમાં ઇંગ્લેન્ડ ખાતે બ્રોડવે પર નાટયકલાકાર તરીકે જાણીતા છે. ખબર મળ્યા છે કે હરીશ પટેલ છેવટ સુધી સતત અન્નાના સંપર્કમાં હતા.

૧૯૭૧-૭૨ દરમિયાન કનૈયાલાલ માણેકલાલ મુનશીની ૭૫ મી જન્મજયંતી નિમિત્તે ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રએ   મુનશીજીના ત્રણ નાટકોનું નિર્માણ કરવાનું નક્કી કર્યું ત્યારે એમાંનાં એક નાટક “બ્રહ્મચર્યાશ્રમ” નાટકની બાગડોર અન્નાને સોંપાઈ હતી. વ્યવસાયિક ગુજરાતી રંગભૂમિ પર એ એમનું પહેલું નાટક. એમાં એ સમયનાં પ્રતિભાવંત કોલેજિયન યુવાનો અને યુવતીઓને અભિનય કરવાની તક મળી હતી. ગુજરાતી રંગભૂમિ પર એમણે દિગ્દર્શન કરેલું “સંબંધ” નામનું એક નાટક શતપ્રયોગી નીવડ્યું હતું. અન્ના પોતે એક સારા અભિનેતા પણ હતા. ભદ્રકાન્ત ઝવેરી લિખિત–દિગ્દર્શિત નિર્મિત એક નાટક જે ભાગલપુર જેલના કેદીઓની આંખમાં જેલ અધિકારીઓ દ્વારા એસિડ રેડવાની કરુણાંતિકા પર આધારિત હતું એમાં અન્નાએ પીડિત કેદીની મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનય કર્યો હતો.

એવામાં અન્નાએ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં મનમોહન દેસાઈના સહાયક દિગદર્શક તરીકે નવી કારકિર્દી શરુ કરી. લાંબા સમય સુધી હિન્દી ફિલ્મોમાં ચોક્કસપણે એમણે શું કામગીરી બજાવી એ વિષે ખાસ કોઈ માહિતી મળતી નથી. એટલી જાણ છે કે તેઓ રંગભૂમિ પર દસ વર્ષે પાછા ફર્યા હતા.

રંગભૂમિ પર પાછા આવ્યા પછી એમણે ગુજરાતી અને મરાઠી રંગભૂમિ પર છૂટાછવાયાં કેટલાંક નાટકો કર્યા, ટીવી સિરિયલોમાં પણ તેઓ નાની મોટી ભૂમિકાઓમાં અભિનય કરતાં દેખાયા હતા.

ત્રણેક વર્ષ પહેલાં તેઓ બીમાર છે એવા સમાચાર મળ્યા પછી કેટલાક મિત્રો જોડે મીરા રોડ ખાતે એમના નિવાસસ્થાને એમની મુલાકાત લીધી હતી. એ પછી એક દિવસ ખબર મળ્યા કે તેઓ હવે નથી.

અન્ના એ મંઝિલે પહોંચ્યા નહીં જ્યાં પહોંચવાના તેઓ હકદાર હતા. હું નથી જાણતો કે ભૂલ કોની છે. બની શકે એમની પોતાની પણ કોઈ મર્યાદાઓ હોય. એટલું ચોક્કસ કે એમની જોડે અન્યાય થયો છે. પણ ચોક્કસ કોણે અન્યાય કર્યો? રંગભૂમિ કે પછી કોઈ પણ ક્ષેત્રનો એક ચોક્કસ કહેવાય એવો પોતાનો ચહેરો નથી, નામ નથી, તમે કોને જવાબદાર ઠેરવશો? નિયતિ? આ અને આવા પ્રશ્નો જ આપણને ફિલોસોફર બનાવી દેતાં હોય છે.   

--કિશોર પટેલ, 28-11-22; 12:16

###

              

   

      

No comments: