શબ્દસૃષ્ટિ ઓક્ટોબર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૪૭૨ શબ્દો)
ઊધઈ (સુષ્મા શેઠ):
તાજેતરમાં એક પાડોશી દેશમાં ઊભી થયેલી કટોકટીની પાર્શ્વભૂમિ
પર રચાયેલી વાર્તા.
સાચી મરદાનગી શેમાં છે? બાળકો પેદા કરવામાં કે શત્રુઓ સામે
પરિવારનું રક્ષણ કરવામાં? અમેરિકન સૈન્યે અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભર્યા એ પછી એ
દેશમાં તાલિબાનના કબ્જા હેઠળ દહેશતનું સામ્રાજ્ય છવાઈ ગયું. અનેક અફઘાનીઓ જીવ
બચાવવા દેશ છોડીને નાસભાગ કરવા માંડયા ત્યારે અડીખમ ઊભો રહીને આદિલ પરિવાર માટે
ઢાલ બનીને શત્રુઓનો સામનો કરે છે. નિ:સંતાન હોવાના કારણે લોકો તરફથી “નામર્દ” જેવી
ગાળો સાંભળી ચૂકેલો આદિલ ખરે ટાણે સાચો મરદ સાબિત થાય છે. આદિલના મનોભાવોનું પ્રતીતિકર આલેખન.
માણકી (ભરતસિંહ એચ. બારડ):
વ્યસની પતિની મારઝૂડથી ત્રાસીને નાયિકા ઘર છોડી જૂનાં
પ્રેમી જોડે પલાયન કરી જાય છે. અનેક વેળા
કહેવાઈ ચૂકેલી વાત. નવીનતા નથી સામગ્રીમાં કે રજૂઆતમાં. (btw, આ વાર્તા પરબના નવેમ્બર ૨૦૨૨
અંકમાં પણ પ્રગટ થઈ છે.)
મીરાં (ઉમા પરમાર):
આપણા સમાજમાં સ્ત્રીઓ માટે પસંદગીની મર્યાદિત તકો વિષે
વિધાન કરતી વાર્તા. માતા-પિતાની એકની એક દીકરી મીરાં પિતાની બીમારીના કારણે સમયસર
લગ્ન કરી શકતી નથી. જેની સાથે મનમેળ થયો હતો એ યુવક રાહ જોઈ ના શક્યો. મોડે મોડે
અન્ય એક યુવક તૈયાર થયો પણ એને નાયિકાની માતાની જવાબદારી વધારાની લાગી. નાયિકા જે
પ્રશ્ન ઊભો કરે છે તે સમાજ સામે છે:
જો લગ્ન પછી સ્ત્રી પોતાનાં સાસરિયાંની જવાબદારી ઉપાડી શકતી
હોય તો એવી જવાબદારી પુરુષ શા માટે ઉપાડી ના શકે?
btw, આ વાર્તા આ અગાઉ એતદના ડિસેમ્બર ૨૦૨૧ અંકમાં પ્રસિદ્ધ
થઈ ચૂકી છે. જો કે વાર્તા જોડે એવી કોઈ નોંધ નથી.
એક જ વાર્તા બબ્બે ઠેકાણે પ્રગટ થવાનું આપણે ત્યાં હવે
નિયમિત થઈ પડ્યું એટલે આપણને નવાઈ લાગવી ના જોઈએ.
અપૈયો (મેહુલ પ્રજાપતિ):
અપૈયો= જ્યાંનું પાણી પણ હરામ કર્યું હોય એ જગ્યા (ભગવદગોમંડલની સમજૂતી પ્રમાણે)
ગામડામાં જમીનની સરહદ બાબતે પાડોશીઓ વચ્ચે સમસ્યાઓ ઊભી થવી
સામાન્ય બાબત છે. પણ એવે સમયે કોઈ નમતું આપે એ અસામાન્ય બાબત છે. અહીં એક ખેડૂત આ અંગે પોતાના વારસદારોને કજિયો ના કરવાનું
ફરમાન કરે છે અને પોતાની જ જમીનમાં પગ ના મૂકવાના સોગંદ ખાય છે.
સંગાથ (મૂળ મરાઠી વાર્તા, લેખક:માધુરી શાનભાગ;
અનુવાદ:કિશોર પટેલ)
સાયન્સ ફેન્ટેસી. વાર્તાનો નાયક કૃષ્ણા એક તરફ બેન્ગાલુરુ
ખાતે મંગળ ગ્રહ પર અવકાશયાન મોકલવાના ઈસરોના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં મહત્વના વૈજ્ઞાનિક
તરીકે ગળાડૂબ કામમાં છે અને બીજી તરફ ધારવાડ ખાતે ગામડામાં એની વૃદ્ધ અને બીમાર
માતાની છેલ્લી ક્ષણો ગણાય છે. માતા પાસે રહેવું જરૂરી છે પણ અવકાશયાન મોકલવાના
મહત્વનાં સમયે ફરજ પર રહેવું પણ એટલું જ જરૂરી છે. રોબોટિક્સમાં નિષ્ણાત કૃષ્ણા
એવો ઉપાય કરે છે કે ઇસરોની પ્રયોગશાળામાં એ ફરજ પણ બજાવે છે અને ઘેર માતાની છેલ્લી
ક્ષણોમાં એની જોડે રહીને એની સેવા પણ કરે છે.
કૃષ્ણા એવો શું ઉપાય કરે છે?
આ વાર્તા વિષે વધુ ટિપ્પણી કરવી ઉચિત નહીં ગણાય કારણ કે મૂળ
મરાઠી વાર્તાનો અનુવાદ આ લખનારે જ કર્યો છે.
--કિશોર પટેલ, 12-11-22; 08:46
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment