પરબ ઓક્ટોબર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૫૫૬ શબ્દો)
ડગળું (કિશનસિંહ પરમાર):
ડગળું= ફળ, લાકડાં, દીવાલ વગેરેમાંથી છૂટું પડેલું કે
પાડેલો ભાગ જે ગોળ પણ હોઈ શકે અથવા ઘાટઘૂટ વિનાનો પણ હોઈ શકે. (સમજૂતી ગુજરાતી
લેક્સિકોન પ્રમાણે)
રજૂ નામની એક ગ્રામ્ય સ્ત્રીના પોઈન્ટ ઓફ વ્યુથી વાર્તા
કહેવાઈ છે. એક મોડી રાતથી વહેલી સવારની ઘટનાઓને આવરી લેતી આ વાર્તા રજૂની
જિંદગીમાં ભાવકને એક ડોકિયું કરાવે છે. રાત-મધરાત ઝરખના ત્રાસ અંગે ગામમાંથી
ફરિયાદો આવી છે એમ છતાં ઘેર રજૂને એકલી મૂકીને રજૂનો પતિ અને જુવાન દીકરો બંને કોઈ
કામસર ખેતરમાં ગયા છે.
ફલેશબેકમાં બતાવ્યું છે કે નાયિકા પર ગામના મુખી માલજીની
મેલી નજર છે. આ ઉપરાંત અન્ય એક પ્રસંગે મખલો
નામનો એક આદમી નાયિકાની ઈજ્જત પર હાથ નાખે છે. બંને પ્રસંગે નાયિકા બંને દુષ્ટોનો સામનો
સફળતાપૂર્વક કરે છે. વહેલી સવારે કોઈની ગાય ચોરાવાની તપાસના બહાને ફળિયામાં જમાદાર
આવે છે. ગાયની ચોરીની તપાસના બહાને આ જમાદાર અન્ય એક મોટા ખેલની તપાસ કરવા
ફળિયામાં આવ્યો હોય એવું જણાય છે. નાયિકાને શંકા છે કે પોતાનો પતિ મંગળ એ મોટા
ખેલમાં સંડોવાયેલો છે.
ગામડામાં વગદાર માણસો નિમ્ન વર્ગની સ્ત્રીઓ પ્રતિ કેવી નજર
રાખતાં હોય છે તેનું વાસ્તવવાદી ચિત્રણ. નાયિકા તરીકે રજૂનું એક સશક્ત સ્ત્રી તરીકે
પાત્રાલેખન સારું થયું છે.
ખાસ નોંધ: ફક્ત પાંચ મહિના પહેલાં પરબના જ મે ૨૦૨૨ અંકમાં
પ્રગટ થયેલી આ જ લેખકની “ઝરખ” શીર્ષક હેઠળ પ્રગટ થયેલી વાર્તા જ નવા શીર્ષક
“ડગળું” હેઠળ પુન: પ્રગટ થઈ છે. હા, અપવાદ
ખાતર અહીંતહીં સામાન્ય ફેરફાર થયો છે.
આવું કેમ થયું હશે? સામયિકની સરતચૂક થઈ હશે? પણ સરતચૂકમાં
શીર્ષક કેવી રીતે બદલાય? એટલે સભાનતાપૂર્વક આવું થયું છે? લેખકે તંત્રી/સંપાદકને
છેતર્યા છે કે એ બેઉએ મળીને વાચકોને છેતર્યા? કે પછી પરબને પ્રસિદ્ધિ યોગ્ય
વાર્તાઓ મળતી નથી?
એક વાર્તા એકથી વધુ સામયિકોમાં સમયાંતરે પ્રસિદ્ધ થવાના ઉદાહરણો
આપણે જોયા. આ કિસ્સો અલગ છે, એના એ સામયિકમાં ફક્ત પાંચ મહિનામાં વાર્તા પુન:પ્રકાશિત
થઈ છે!
જાંગીના (ભગીરથ ચાવડા):
કહેવાતી પછાત કોમનો ધમો વંશપરંપરાગત રીતે ગામડામાં
શુભ-અશુભ પ્રસંગે ઢોલ વગાડવાનું કામ કરે છે. એક કુશળ ઢોલી તરીકે એણે નામના મેળવી
છે. છેલ્લા કેટલાંક વખતથી ધમાને એના ઘરના આંગણામાં કોઈ અજાણ્યા જણની ફૂંકેલી
બીડીના ઠૂંઠા મળી આવ્યાં છે. ધમાને શંકા છે કે એની ગેરહાજરીમાં કોઈ આદમી એની
પત્નીને મળવા આવે છે. એક વાર પોતાની જગ્યાએ અન્યને ઢોલ વગાડવા બેસાડીને વહેલો ઘેર
આવી જાય છે અને પત્ની તથા એના પ્રેમીને રંગે હાથ પકડી પાડે છે. ક્રોધાવેશમાં પત્નીના
પ્રેમીની હત્યા કરી નાખ્યા બાદ લાંબા સમય સુધી એ ઝનૂનપૂર્વક ઢોલ વગાડ્યા કરે છે. ધમાને
લાગેલા આઘાત અને પછી એના આક્રોશનું આલેખન સરસ થયું છે.
ઢોલની બનાવટ અંગેની ઝીણવટભરી વિગતો ઉલ્લેખનીય છે. લગ્નપ્રસંગે ગવાતા એક ગીતની પંક્તિ પણ અહીં
નોંધાઈ છે. આમ વાર્તામાં આપણી ગ્રામ્ય સંસ્કૃતિનું યથાયોગ્ય દસ્તાવેજીકરણ થયું છે.
જો કે આ વાર્તા “જાંગીના” વરસેક પહેલાં “શોપીઝન”
નામના ફેસબુક ગ્રુપમાં પ્રગટ થઈ ચૂકેલી ઇનામવિજેતા વાર્તા છે.
મામોંઈ (પારુલ ભટ્ટ):
માતાનું મૃત્યુ થયું છે. એની અંતિમવિધિ માટે સ્વજનો ઘરમાં
ભેગાં થયાં છે. માતાના શબ પાસે બેઠેલી એની દીકરી માતા અંગે જે કંઈ લાગણી અનુભવે છે
એની વાર્તા.
ભોળા સ્વભાવની માતાનો પાડોશીઓ સહિત સહુ સ્વજનોએ ગેરલાભ લીધો
છે. એ તો સમજયા, દીકરીએ પોતે પણ પોતાની માતાને કાયમ છેતરી છે. હવે જયારે માતાએ
કાયમની વિદાય લઇ લીધી છે ત્યારે એ માંગણી કરે છે કે “મા, આવતા જન્મે તું મારી
દીકરી થજે.”
દીકરીના પશ્ચાતાપની સરસ વાર્તા.
--કિશોર પટેલ, 14-11-22; 09:37
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment