નવનીત સમર્પણ એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૫૧૬ શબ્દો)
હરકાન્ત જોશી (વીનેશ અંતાણી):
એક ગુમનામ લેખકની વાત. કેટલાંક માણસોની નિયતિ એવી હોય છે કે
એમનાં કામની નોંધ લેવાતી નથી. કામ કેવું થયું, સારું કે ખરાબ, ટીકા ખમી શકે એવું
કે નહીં એની વાત પછી પણ સાવ નોંધ જ લેવાય નહીં એવું પણ બનતું હોય છે. આ વાત માત્ર
લેખનકળાને નહીં પણ અન્ય તમામ કળાને તેમ જ અન્ય ક્ષેત્રોને પણ લાગુ પડે છે. જેમ કે
કોઈ એક રેલ્વે સ્ટેશન પણ નવો સ્ટેશન માસ્તર આવ્યો હોય અને ત્યાં એ કંઇક નવું કરે,
પ્રવાસીઓની સુવિધા માટે કશુંક નવું કરે કે પછી સ્ટાફના કલ્યાણ માટે કાર્યક્ષેત્રની
સીમાની અંદર રહીને અથવા બહાર જઈને કશુંક નવું કરે. એવું બને કે આવા માણસો સંબંધિત
બે-ચાર જણા સિવાય બહારની દુનિયા માટે અજાણ્યા જ રહી જાય. અહીં હરકાન્ત જોશી નામના એક લેખકની વાત છે. કથક પીએચડીનો
વિદ્યાર્થી છે અને એને સંશોધન માટે એના ગાઈડે વિષય આપ્યો છે “અવગણાયેલા વાર્તાકારના
પ્રદાનની નોંધ.” ગાઈડે હરકાન્ત જોશી નામના
વાર્તાકારનું નામ સૂચવ્યું છે જે ત્રણેક વાર્તાસંગ્રહ આપ્યા પછી અદ્રશ્ય થઇ ગયા
છે.
કથક આ હરકાન્ત જોશીને શોધી કાઢે છે. જો કે હરકાન્ત પોતે
કબૂલ થતો જ નથી કે એ પોતે હરકાન્ત જોશી છે. કદાચ એમનું એવું વિચારવું હોઈ શકે કે હવે
જીવનસંધ્યાએ પોતાના કામની નોંધ લેવાય કે ના લેવાય, શું ફરક પડે છે? આવી વ્યક્તિઓ
કાં તો ફિલસૂફ બની જાય છે અથવા તો એમનાં જીવનમાં
બાહ્ય જગત માટે કટુતા પ્રવેશી જાય છે.
નવો વિષય, સરસ રજૂઆત.
થઇ જા મુક્ત (પારુલ કંદર્પ દેસાઈ):
નહીં બનેલા સંબંધની વાત. નાયિકા એક આભાસી પ્રેમસંબંધમાંથી
મુક્ત થઇ ગઈ છે જયારે નાયક એ સાકાર નહીં થયેલાં પ્રેમસંબંધમાં અટવાયેલો છે. નાયિકા
બીજા નવા સંબંધમાં સ્થિર થઇ ગઈ છે અને ખુશ છે. નાયક બીજા સંબંધમાં હજી પણ અસ્થિર
છે કારણ કે પ્રેમની એની વ્યાખ્યા સ્વાર્થી છે. પ્રેમ એટલે જતું કરવું એ વાત એને
સમજાઈ નથી. જતું કરીને નાયિકા જીવનમાં મુક્ત થઇ ગઈ છે, જયારે નવો સંબંધ બાંધ્યા
પછી પણ નાયક પહેલાં સંબંધને વળગી રહ્યો છે એટલે એ મુક્ત નથી, પોતાની જ બનાવેલી
જાળમાં કેદ છે. જૂનો, પારંપારિક વિષય પણ સરસ રજૂઆત.
સ્લેટપેન (મોના જોશી):
બોધકથા. “આપણું મન આ સ્લેટ પેન જેવું હોવું જોઈએ. બીજું કંઈ
પણ લખવા માટે આગળનું ભૂંસવું જ પડે.” સસરાના કડવા શબ્દો યાદ રાખીને મનીષે સાસરિયાં
જોડેનો સંબંધ કાપી નાખ્યો હતો. દાદીમા પાસેથી શિખામણ મળ્યા પછી મનીષ પત્ની જોડે
બીમાર સસરાની ખબર લેવા જવા તૈયાર થાય છે. જૂનો વિષય, પારંપારિક રજૂઆત.
બાણશૈયા (નિર્ઝરી મહેતા):
મૃત બહેનનાં બાળકોને ખાતર અંગત લાગણીઓનું બલિદાન આપતી
સ્ત્રીની વાત. આપણા સમાજમાં નાનાં બાળકોને
મૂકીને સ્ત્રી મૃત્યુ પામે ત્યારે જો બાળકો માસી જોડે હળીમળી ગયાં હોય તો એમાંના
ઘણાં કિસ્સાઓમાં બાળકોનો પિતા મૃત પત્નીની નાની બહેન જોડે પુનર્લગ્ન કરીને બાળકો
માટે રેડીમેડ માતા લાવતો હોય છે. આવા પ્રસંગે પેલી નવયુવાન કન્યાની અંગત લાગણીઓ
વિષે ભાગ્યે જ કોઈ વિચાર કરતું હોય છે. પ્રસ્તુત વાર્તામાં પુરુષ દ્વારા નવી પત્ની
જોડે થતાં અન્યાયની વાત થઇ છે. આ વાર્તા
આપણા સામાજિક રીત-રીવાજ, રૂઢિઓ અંગે એક અગત્યનું વિધાન કરે છે. જૂનો વિષય,
પારંપારિક રજૂઆત.
--કિશોર પટેલ, 01-05-22; 09:08
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment