કુમાર માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૨૯૫ શબ્દો)
કોળું (ધરમસિંહ પરમાર):
ગ્રામસંવેદનની વાર્તા. બે પાડોશી ખેડૂતકુટુંબો વચ્ચેના મીઠા
સંબંધોમાં શંકાના કારણે ઝેર ઘોળાય છે. છેવટે પાડોશી જોડેની દોસ્તીમાં એક સીમારેખા નક્કી
કરીને ચમન વાતનો નિવેડો લાવે છે. મુખ્ય પાત્રો ચમન-ચંદા, સવો-શાંતાનાં પાત્રાલેખન
સરસ, રજૂઆતમાં તળપદી બોલીનો પ્રયોગ ધ્યાનાકર્ષક.
અનુબંધ (સ્વાતિ મહેતા):
અધૂરી પ્રેમકથા. આશ્રમના સંચાલિકા મધુબહેને તનુજા અને
માધવને એમનાં નાનપણથી જોડાજોડ ઉછરતાં જોયાં છે. એમની જોડી બની શકે એવા ખ્યાલોમાં
રાચતાં મધુબેનને જ્યારે જાણ થાય કે એવું શક્ય નથી ત્યારે એમને આઘાત લાગે છે.
મૂળ વાત આટલી જ છે પણ વાર્તાકારને પોતાને એ વાતની સ્પષ્ટતા
હોય એવું લાગતું નથી. ૧. તનુજાની બે બહેનપણીઓને વાર્તામાં લાવવાની અને એમની જોડેના
પ્રસંગના વર્ણનની જરૂર જ ન હતી. ૨. તનુજાએ આશ્રમમાંથી નીકળ્યા પછી બીજા શહેરમાં
પોતે વસાવેલા ઘરની આસપાસ આશ્રમ જેવો જ બગીચો બનાવી ત્યાંના વાતાવરણની સ્મૃતિ કાયમ
રહે એની વ્યવસ્થા કરી છે એવું બબ્બે વાર વિગતવાર કહેવાની જરૂર ન હતી.
તનુજા તો જાણે જ છે કે માધવે પોતાના જીવનની જે દિશા નક્કી
કરી છે એમાં પોતે ક્યાંય નથી. એટલે જયારે મધુબેન એ વિષય કાઢે છે ત્યારે એ તરત
માધવનો સંદેશો મધુબેનને વંચાવે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે વાર્તા તનુજાની નથી
પણ મધુબેનને લાગેલા આઘાતની છે. પણ પ્રારંભથી જ વાર્તા તનુજાના પોઈન્ટ ઓફ વ્યુથી કહેવાઈ
છે; જાણે કે મધુબેનના આગમન પછી તનુજાના
જીવનમાં કંઇક નવું બનવાનું છે. હકીકતમાં વાર્તા મધુબેનના પોઈન્ટ ઓફ વ્યુથી કહેવાવી
જોઈએ. આશ્રમમાં માધવ મધુબેનને કોઠું આપતો ના હોય ત્યાંથી શરૂઆત કરી શકાય. માધવ અને તનુજાની જોડી બનતી જોવા મધુબેન તનુજાને
આશ્રમમાં બોલાવે અથવા પોતે માધવને લઈને તનુજા પાસે આવે એવું કંઇક.
--કિશોર પટેલ, 09-04-22; 08:48
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment