વારેવા ફેબ્રુઆરી ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૫૫૬ શબ્દો)
બિન્ના (નંદિતા મુનિ):
વિપરીત પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધતી એક સ્ત્રીની વાત.
નદીવાળા ગામમાં ઊછરેલી બિન્ના પરણીને નદી વિનાના ગામમાં, રણપ્રદેશમાં જઈ સંસાર વસાવે છે. રાતદિવસ ઘરમાં ઘૂસી આવતી
રણની રેતી સાથેના બિન્નાના રોજના સંઘર્ષને જોઇને ગામવાસીઓ એની પર હસે છે. પણ
નાહિંમત થયા વિના બિન્ના એનો સંઘર્ષ ચાલુ રાખે છે. આ સંઘર્ષ એટલે બાહ્ય પરિબળોથી વિચલિત
થયા વિના પોતાની નિર્દોષતા અકબંધ રાખવાનો નાયિકાનો સંઘર્ષ. બહોળા અર્થમાં આ ફક્ત
એક સ્ત્રીની નહીં પણ ભારતીય સમાજની સર્વે સ્ત્રીઓની પ્રતિનિધિ કથા બની રહે છે જેઓ લગ્ન
પછી પિતૃગૃહનો તજીને પતિગૃહનો સ્વીકાર કરે છે. આપણે જોઈએ છીએ કે પ્રકૃતિમાં મૂળસોતાં
ઉખડી ગયેલાં વૃક્ષો નવેસરથી નવી ધરતીમાં મૂળિયાં પ્રસરાવે છે. નિર્દોષ બિન્નાનું
પાત્રાલેખન સરસ. પ્રકૃતિવર્ણન ઉલ્લેખનીય. સારી વાર્તા.
છૂટકારો (ભરત મારુ):
કોરોના મહામારીની પૃષ્ઠભૂમિમાં પરસ્પર વિરોધી માનસિકતાવાળા બે
પાત્રો વચ્ચે સંવાદકથા. એકની જિજીવિષા પ્રબળ છે અને બીજાની મૃતપ્રાય છે. એકને
મહામારીના પ્રતિબંધોથી છૂટકારો જોઈએ છે જયારે બીજાને જીવનથી. આમ શીર્ષક ‘છૂટકારો’ અહીં
સાર્થક થાય છે.
એ હું જ (સુષ્મા શેઠ):
પિતાના પડછાયામાંથી બહાર આવી પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવા
સંઘર્ષ કરતા અભિનેતાની વાત. મહાન વ્યક્તિઓના સંતાનોની સરખામણી એમનાં માતા-પિતા
જોડે સ્વાભાવિકપણે થતી હોય છે. કેટલીક વાર આવી સરખામણી કોઈને શ્રેષ્ઠ કામ કરવા
પ્રેરે તો કોઈકને માનસિક રીતે ભાંગી નાખે. નાટ્યાત્મક કથા-વસ્તુ. પ્રભાવી
રજૂઆત. બાય ધ વે, ૧૯૭૮ માં રજૂ થયેલી
જર્મન-ફ્રેંચ ફિલ્મ “ફેડોરા” ના કથાનક સાથે આ વાર્તા અદ્ભુત સામ્ય ધરાવે છે. એ
ફિલ્મની વાર્તા ફેડોરા નામની અભિનેત્રીની આસપાસ ગૂંથવામાં આવી છે જેની ચિરયૌવના
તરીકે ખ્યાતિ છે. ફેડોરાના મૃત્યુ પછી ભેદ
ખૂલે છે કે જે મરી ગઈ એ તો ફેડોરાની દીકરી હતી જે માતાથી પણ વધુ પ્રતિભાવંત
અભિનેત્રી હતી. (પૂરક માહિતી: વીકીપીડીયા)
સંજુ દોડ્યો (નીલમ હરીશ દોશી):
આશ્રમના સંચાલકના કડવા અનુભવો પછી સંજુ આશ્રમના બારણે એક
નિર્દોષ નવજાત બાળકીને ત્યજાયેલી અવસ્થામાં જોઇને આતંકિત થઇ જાય છે. ક્યાંક એ
બાળકીને પણ એવાં કડવા અનુભવ થયાં તો? સંજુ બાળકીનું મૃત્યુ નીપજાવવા જેવું આત્યંકિત
પગલું લે છે. વાર્તાનાયક જોડે ભાવક સહમત થાય કે નહીં, એટલું ખરું કે આ વાર્તા
સત્તાશાળી પુરુષોની માનસિકતા વિષે એક જલદ વિધાન જરૂર કરે છે.
અનુવાદિત વાર્તાઓ:
ઘૂમરી (મૂળ લેખક ગીતાંજલિશ્રી; અનુવાદ વારેવા
ટોળી): એક સ્ત્રી વાર્તાકારની સ્વગતોક્તિ અને મહેન્દ્ર ચોટલિયા દ્વારા એનો સરસ રસાસ્વાદ.
મકારિયો (જુઆન રુલ્ફોની મૂળ મેક્સિકન વાર્તા,
અનુવાદ: કિરીટ દૂધાત): અસ્થિર મગજના માણસની વાત. એની સંભાળ લેતાં લેતાં એનાં
સ્વજનો પણ થોડાં થોડાં એની જેમ જ અસ્થિર મગજના થઇ ગયાં છે. દેડકાં અને વંદાઓ જોડે
રમમાણ રહેતો નાયક પોતે જ એક જંતુ બની ગયો છે.
જિંદગીના રસને પીવામાં...(રોબર્ટ લોવેલ કુવરની મૂળ
અંગ્રેજી વાર્તા, અનુવાદ: કિરીટ દૂધાત): અમુક માણસો સમાજના નિયમો તડકે મૂકીને પોતાની રીતે બેફિકર જિંદગી જીવી જતાં હોય
છે. પેઢીઓ બદલાય પણ માણસો બદલાતાં નથી.
જ્યારે હું આઈનસ્ટાઇનને મળ્યો (જેરોમ વેઈડમેન): પુલિત્ઝર ઇનામ વિજેતા લેખકની આ કેફિયતમાં
આઈનસ્ટાઇન જોડેનો એક ચમત્કારિક પ્રસંગ છે.
નિયમિત સ્તંભ:
મુકામ પોસ્ટ વાર્તા (રાજુ પટેલ): બોલચાલની ભાષામાં “વાર્તા” શબ્દ કેવા જુદા જુદા
અર્થોમાં પ્રચલિત છે એ વિષે રસપૂર્ણ લેખ.
કથાકારિકા (કિશોર પટેલ): એક રાજાની બે રાણી; એક માનીતી ને બીજી અણમાનીતી. એમાંની
અણમાનીતી રાણીની કહાણી પારુલ ખખ્ખરની વાર્તા “ગામ બળેલ પીપળિયા” અને એનો રસાસ્વાદ.
લઘુકોણ (રાજુલ ભાનુશાળી): સમાજમાં સ્ત્રીઓનું શોષણ વિધવિધ પ્રકારે થતું
આવ્યું છે. કેટલીક વાર સ્વજનો પોતે જ શોષકની ભૂમિકામાં હોય છે. પ્રજ્ઞાબેન ધારૈયા
લિખિત લઘુકથા “કિંમત” અને એનો રસાસ્વાદ.
--કિશોર પટેલ, 28-04-22; 09:08
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment