Monday, 2 May 2022

એતદ માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

એતદ માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૭૯૧ શબ્દો)

અનારકલી અને સ્કોચ (વિજય સોની):

મૈત્રીસંબંધની વાત. જય, રઘુ અને કથક: ત્રણે એકમેકના જિગરી મિત્રો. રઘુ અને ક્થક બંનેને જયનાં ખરાબે ચડેલાં દાંપત્યજીવનનું ખૂબ દાઝે છે પણ એક સીમાથી આગળ જઈને તેઓ મિત્રની મદદ કરી શકતા નથી. અસહાય થઈને સંજોગોના મૂક સાક્ષી બની રહેવા સિવાય તેમની પાસે કોઈ ઉપાય નથી.  ચરમસીમાના દ્રશ્યનું આલેખન ભાવકને સ્પર્શી જાય એવું થયું છે. મિત્રો વચ્ચે બોલાતી હળવી ભાષાનું દસ્તાવેજીકરણ થયું છે.    

વાર્તાકાર ક્યાંય નથી (બાદલ પંચાલ):

વ્યંજનાસભર વાર્તા. છાપાના પહેલા પાને પ્રગટ થતી એક અજાણ્યા લેખકની વાર્તાથી શહેરમાં ચમત્કાર સર્જાય છે. સર્વત્ર શાંતિ અને સ્થિરતાનું રાજ્ય છવાય છે. રસ્તાની વચ્ચોવચ નદીના વહેણનું સંગીત સાંભળી શકાય છે. શહેરના આબાલવૃદ્ધ દરેક માણસ રોજ છપાતી વાર્તાનો રસિયો બની ગયો છે. એ વાર્તાઓ કોણ લખે છે એ કોઈ જ જાણતું નથી. છાપાના તંત્રીને કોઈક ગેબી રીતે રોજેરોજ અદ્ભુત વાર્તાઓ મળ્યા કરે છે જે વાંચીને સહુ મંત્રમુગ્ધ બનીજાય છે.

આ અદ્રશ્ય વાર્તાકાર એટલે ઈશ્વર સ્વયં. એક યુવાન એ વાર્તાકારની શોધમાં મૃત્યુ વહોરી લે છે અને એ સાથે જ પેલા વાર્તાકારની વાર્તાઓ પણ મળતી બંધ થઇ જાય છે. આ ઈશ્વર મૂર્ત સ્વરૂપે ન હતો પણ અમૂર્ત સ્વરૂપે હતો.   

લગભગપણું (અભિમન્યુ આચાર્ય):

વિદેશ (કેનેડા)ની ભૂમિ પર કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં આકાર લેતી વાર્તા. એક ઘર શેર કરતા બે મિત્રોની વાત. કોરોના વાયરસથી સાવચેત રહેવા અંગે કથક આગ્રહી છે જયારે એનો રૂમમેટ વાંગ બેદરકાર છે. સલામત સામાજિક અંતર રાખવા અંગે કથક વારંવાર ટકોર કરે છે પણ વાંગ ધ્યાન આપતો નથી. છેવટે ક્થકની કટકટથી તંગ આવીને વાંગ ઘર છોડી જાય છે. પણ હવે કથક નિરાંત અનુભવવાના બદલે ખાલીપો અનુભવે છે. ક્થકને ખ્યાલ આવે છે કે વાંગ સામાન્ય સાથીદાર ન હતો, તેની જિંદગીનો એ એક હિસ્સો હતો. વાર્તામાં વારંવાર દેખાતું રઝળતું પ્રાણી રકુન વાંગનું જ એક પ્રતિક છે. સારી વાર્તા.         

કવિતાઓના રસ્તે (અશ્વિની બાપટ):

પિતા-પુત્રી સંબંધની વાત. નાયિકાને પિતા સાથે વાંધો પડ્યો છે. કોઈ કારણથી પિતાની જીવનશૈલી બદલાઈ અને પત્ની-પુત્રી જોડે સંબંધ બગડ્યો. નાયિકાને સાચી કે ખોટી એવી લાગણી થઇ ગઈ છે કે પિતા એને ક્યાંય સ્થિર થવા દેતા નથી. પણ અમુક સંબંધો સહેલાઈથી તૂટતાં નથી. નાયિકાના હ્રદયમાં પિતા માટે લાગણીનો ઝરો જીવંત રહ્યો છે. સારી વાર્તા.

અસ્પર્શ (શ્રધ્ધા ભટ્ટ):

અશરીરી તત્વનું આકર્ષણ. યુવાવસ્થાનો એક અજબ અનુભવ નાયિકાના માનસમાં ઘર કરી ગયો છે. માથાના અસહ્ય દુખાવામાં કોઈ ઔષધ કામ ના આપે ત્યારે પેલું અશરીરી તત્વ નાયિકાને રાહત આપે છે. આ અવ્યક્ત ખેંચાણ, આવો અનામી સંબંધ કોઈ વ્યક્તિ જોડે લાંબો સમય સાબૂત રહે એ સ્વયં આશ્ચર્યજનક ઘટના છે. પણ કેટલીક વાતોના ખુલાસા નથી હોતા.

પ્રસ્તુત વાર્તામાં નાયિકા પોતાના કારણે સ્વજનોને તકલીફ પડે એવું ઈચ્છતી નથી. એ માટે એ ગમે એટલી શારીરિક પીડા વિના ફરિયાદ સહન કરી લે છે. એક વાર એને એક અશરીરી અનુભવ થયો. કોઈ આવ્યું અને એના માથે સ્પર્શ કર્યો, એનું માથું દબાવી આપ્યું. એને સારું થઇ ગયું. એ કોણ હતું? આ પ્રશ્નનો ઉત્તર એને ક્યારેય મળ્યો નથી. પણ આ અનુભવ એની જોડે કાયમનો રહી ગયો છે.

નાયિકાની આ માન્યતા એની ફેન્ટેસી હોઈ શકે છે. માણસ ભ્રમણાઓમાં જીવતો હોય એવું વાસ્તવમાં બનતું હોય છે.

કૂવો (પ્રભુદાસ પટેલ):

પુરુષપ્રધાન સંસ્કૃતિમાં દંપતી નિ:સંતાન હોય ત્યારે સ્ત્રીને જ કારણભૂત ગણવામાં આવતી હોય છે. સ્ત્રી પોતે પણ પોતાનામાં જ એબ છે એવું સ્વીકારી લે છે.

પોતાને સંતાન ના થવાથી લીલી પોતાના પતિ લીંબાને પેમલી જોડે પરણાવે છે. પાંચ વર્ષમાં પેમલીને પણ સંતાન થતું નથી એટલે લીંબામાં જ ખોટ છે એવી પ્રતીતિ થતાં લીલી અન્ય પુરુષનું પડખું સેવીને ગર્ભ ધારણ કરે છે. છેવટે પેમલી પણ એનું અનુકરણ કરે છે.

કૂવો, ખેતરમાં લહેરાતો પાક વગેરે રૂપકોનો ઉપયોગ સરસ થયો છે. પાણી શોધી આપનારને પેમલી કહે છે  કે  "ના, ના નવા નવાણ મારે નોહે જોઈતા.. તમી.. તમી જૂના કૂવાનું સ કૈક કરો.” અહીં વ્યંજનામાં જોઈએ તો સમજાય છે કે પેમલી તો ઈચ્છતી હતી કે એને લીંબા પાસેથી જ સંતાનપ્રાપ્તિ થાય. પણ તેમ ના થાય ત્યારે નાછૂટકે એ લીલીના પગલે દેવલાનો સંગ કરે છે. હવે એને દોષ દઇ શકાય એવું રહેતું નથી.

લીંબો શારીરિક રીતે નબળો પડી રહ્યો છે. બબ્બે સ્ત્રીઓ કર્યા પછી પણ સંતાનપ્રાપ્તિ થતી નથી ત્યારે પોતાની અશક્તિ એ જાણી ગયો છે. પણ જાત સાથે સમાધાન કરી ના શકતો લીંબો નાનીમોટી વાતોમાં પણ પેમલી પ્રતિ અણગમો વ્યક્ત કરે છે અને છૂટી થઇ ગયેલી લીલી પ્રત્યે પણ એના મનમાં રોષ છે. પેમલી અને લીલીનો અરસપરસ સંબંધ પણ એક અલગ અભ્યાસનો વિષય છે.

તળપદી બોલીનો સરસ પ્રયોગ. પાત્રોના માનસિક સંચલનોનું સરસ આલેખન. સારી વાર્તા, સરસ રજૂઆત.

સંધિસમય (કંદર્પ ર. દેસાઈ):

દરિયાઈ સૃષ્ટિની સફરે નીકળેલાં સમૂહમાંથી અન્ય સહુના કરતાં અંકિત કંઇક જુદા જ અનુભવમાંથી પસાર થાય છે. ક્ષણભર એને ભ્રમણા થાય છે કે પોતે દરિયાઈ જીવોને જોવા આવ્યો છે કે દરિયાઈ જીવો એને જોઈ રહ્યાં છે.  કોણ કોની મુલાકાતે આવ્યું છે? એવું પણ બની શકે છે કે મનુષ્યેતર જીવો મનુષ્યને જ અચરજની દ્રષ્ટિએ નિહાળતાં હોય!     

--કિશોર પટેલ, 03-05-22; 09:20

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: