નવનીત સમર્પણ માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૫૧૪ શબ્દો)
ફોટોગ્રાફીની કળા (પ્રવીણસિંહ ચાવડા):
કેટલીક પ્રેમકથાઓ અધૂરી રહેવા સર્જાતી હોય છે. એવી અધૂરી
પ્રેમકથાઓ જનમાનસમાં લોકપ્રિય પણ થાય છે અને સ્મૃતિમાં સચવાઈ પણ રહે છે. અહીં એવી
એક અધૂરી પ્રેમકથા રજૂ થઇ છે.
છબીકલાની વિશેષતા એ છે કે એમાં છબીકારે ચોક્કસ ક્ષણે
કેમેરાની ચાંપ દબાવવાની હોય છે. આ જ રીતે ટૂંકી વાર્તામાં પણ વાર્તાકારે એક ચોક્કસ
વાર્તાક્ષણ પકડવાની હોય છે. અહીં આપણા નીવડેલા વાર્તાકારે જબરી વાર્તાક્ષણ પકડી
છે. ગુણવંત નામના ફોટોગ્રાફરે કેમેરાથી નહીં પણ પોતાની કલ્પનાશક્તિથી એક ઘટનાની
ચોક્કસ ક્ષણ પકડીને એનું અદ્ભુત બયાન કર્યું છે.
હાલમાં નિવૃત્ત થયેલા ગામના પોસ્ટમાસ્તર હીરપરાસાહેબ છેલ્લા
કેટલાક સમયથી અઠવાડિયે એક વાર મહેસાણા જંકશન સુધી ટ્રેન વડે પ્રવાસ કરે છે, ત્યાં
એમની જેમ જ વયમાં એમનાંથી પંદરેક વર્ષ નાની એક સ્ત્રી એક ઠેકાણેથી બીજે ઠેકાણે
જતાં મહેસાણા જંકશન પર આવે છે, ટ્રેનના સમયપત્રકની મહેરબાનીથી વચ્ચે મળેલા નાનકડા
અંતરાલમાં આ યુગ્મ મુલાકાત કરી લે છે, અઠવાડિયાનું રેશન મેળવી લે છે અને ફરીથી
જિંદગીની ઘટમાળમાં જોતરાઈ જાય છે.
સાંભળેલી વાતનો સાક્ષાત્કાર કરવા કથક અને એનો મિત્ર ગુણવંત
એક વાર કૃતનિશ્ચયી બને છે પણ એમને હાથ લાગે છે હીરપરાસાહેબના જીવનની અંતિમ ક્ષણો.
પ્રારંભમાં ગામના લોકોના અભિપ્રાય દ્વારા પોસ્ટમાસ્તર વિષે
ભાવકમાં ઉત્કંઠા જગાડવામાં લેખક સફળ થયા છે. ગુણવંત અને અન્ય પાત્રોનું પાત્રાલેખન
વિગતે થયું છે. આ લેખકની લગભગ દરેક વાર્તાઓમાં ક્થક ચોક્કસપણે એક જ હોય છે. એ કથકના
થોડાંક લક્ષણો નોંધ્યા છે: એ સર્વજ્ઞ છે, એનામાં અદ્ભુત રમૂજવૃત્તિ છે, એ હાલતાં
ચાલતાં જીવનદર્શનની ઉક્તિઓ વહેતી મૂકતો હોય છે, નાના, ટૂંકા અને કર્તા ગેરહાજર હોય
એવા વાક્યો બોલતો હોય છે.
સારી વાર્તા.
સબીના શેખની અમ્મી (પન્ના ત્રિવેદી):
સાંપ્રત સમસ્યાની વાત. દેશમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય વધી
રહ્યું છે. શ્વેતા દ્વિધામાં છે. જેના કારણે એનો ઘરભંગ થયો છે એ શબાના પ્રસૂતિ
માટે એ જ પ્રસૂતિગૃહમાં દાખલ થઇ છે જ્યાં શ્વેતા ડોક્ટર તરીકે ફરજ પર સેવારત
છે. શ્વેતાને એક તક દેખાય છે, વેરની
વસૂલાત કરવાની. શબાનાની શારીરિક સ્થિતિ
નાજુક છે. કંઈ વિપરીત બને તો પણ ડોક્ટર પર શંકા થાય એવું નથી. જબરદસ્ત નાટ્યાત્મક સ્થિતિ
લેખકે ઊભી કરી છે. શ્વેતા શું કરે છે? નીવડેલી કલમ દ્વારા પ્રવાહી અને પ્રભાવી
આલેખન. અંત ધારી શકાય એવો છે છતાં પણ વાર્તા
આસ્વાદ્ય બની છે.
સમયની શોધમાં (ચંદ્રિકા લોડાયા):
સંપત્તિ, સુખસુવિધા, વધુ સુખ, હજી વધુ સુખ...માણસની ભૂખનો
અંત નથી. વાર્તાના નાયકને એક ક્ષણે ખ્યાલ આવે છે કે જિંદગીની આ દોડમાં મનગમતું કામ
કરવાનો આનંદ લેવાનું જ એ વિસરી ગયો છે! એક
દિવસ એ નક્કી કરે છે કે હવેથી રેસમાં એ નહીં દોડે! પોતે પૈસા કમાવાનું મશીન નથી જ
નથી!
પત્ની અને બાળકો માટે એનો આ નિર્ણય એકાદ બોમ્બ વિસ્ફોટથી
ઓછો નથી. શું એ સહુને સમજાવી શકે છે?
સરસ વિષય-વસ્તુ. પણ આલેખનમાં કળાનો સ્પર્શ નથી. વાર્તા છેક
જ સરળ બનાવી દીધી છે. લાંબા વર્ણનો, વિગતવાર સમજૂતીઓ! નાયકના ક્રાંતિકારી નિર્ણયની
જાહેરાત સાથે જ વાર્તા શરુ થવી જોઈએ. પરિવારના સભ્યો તરફથી ઉગ્ર વિરોધ થાય, એમની
સમજાવટ વગેરે બધું પછી આવે. એમાંય સંવાદ કરતાં કૃતિ મહત્વની બની રહેવી જોઈએ. ખેર, આવા
વિષય માટે થમ્બ્સ અપ!
--કિશોર પટેલ, 06-04-22 09:28
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment