એક શીર્ષક, બે ભિન્ન વાર્તાઓ, એક ભાવસ્થિતિ
(૮૭૨ શબ્દો)
વર્ષ ૨૦૨૧ ના ગુજરાત દીપોત્સવી અંકની એક વાર્તા વાંચતાં છેક
૬૦-૬૫ જૂની એક વાર્તા સાથે એનાં છેડા અડી જતાં જણાયા.
ગુજરાતી સાહિત્યના યુગપ્રવર્તક સાહિત્યકાર સુરેશ જોશીની એક
જાણીતી વાર્તા છે: “ગૃહપ્રવેશ.” આ જ શીર્ષકનો વાર્તાસંગ્રહ છેક ૧૯૫૭ માં પ્રગટ થયો
હતો. પ્રસ્તુત લેખના કેન્દ્રમાં રહેલી બીજી વાર્તાનું શીર્ષક પણ “ગૃહપ્રવેશ” છે, આ
બીજી વાર્તાના લેખક છે આપણા અન્ય એક નીવડેલા સાહિત્યકાર ગિરીશ ભટ્ટ. આ વાર્તા
પ્રગટ થઇ છે ગુજરાત દીપોત્સવી ૨૦૨૧ અંકમાં.
બંને વાર્તાઓના શીર્ષક સમાન છે એટલું જ નહીં પણ અંતમાં બંને
વાર્તાઓના protagonist એક સમાન ભાવસ્થિતિમાં મૂકાઈ જાય છે. હા, બંને વાર્તાઓના રૂપ અને આકાર
સ્વતંત્ર એટલે કે જુદાં જુદાં છે. પાત્રો અને ઘટના બંનેમાં ભિન્ન છે.
અંત:
સુરેશ જોશીની વાર્તાના અંતમાં નાયક જયારે પોતાના ઘરમાં
પ્રવેશ કરે છે ત્યારે-
“...એ અંદર ગયો ત્યારે એને લાગ્યું કે એ બહાર રહી ગયો હતો
ને એનો પડછાયો અંદર પ્રવેશ્યો હતો.”
ગિરીશ ભટ્ટની વાર્તાના અંતમાં નાયિકા જ્યારે પોતાના ઘરમાં
પ્રવેશ કરે છે ત્યારે-
“...અંદર ગઈ હતી એ તો બીજી સ્ત્રી હતી.”
કથાનક:
સુરેશ જોશીની વાર્તા “ગૃહપ્રવેશ”નું કથાનક કંઇક આવું છે: વાર્તાના
નાયકનું નામ પ્રફુલ છે. એક રાતે પ્રફુલને પોતાને ઘેર જતાં પહેલાં દૂરથી જ પોતાના
ઘરમાં બે છાયાઓ દેખાતાં ઘેર ના જતાં એ બહાર જ થોભી જાય છે. ઘર તરફથી એ પોતાની આંખો
વાળી લે છે. એની પત્ની માયાના કદાચ અન્ય કોઈ પુરુષ જોડે લગ્નબાહ્ય સંબંધ હતા. સ્વાભાવિકપણે પ્રફુલ ભારે પીડાદાયક સ્થિતિમાં
છે. એ જે ઘેર જાય છે એ ઘરની ગૃહિણી કહે છે કે એનો પતિ તો બે દિવસથી બહારગામ ગયો
છે. પ્રફુલને કદાચ એ પુરુષ પર શંકા હતી જે હવે દઢ થાય છે. પેલી સ્ત્રી વળી કહે છે
કે “મને ડર લાગે છે, તમે માયાબહેનને અહીં લઇ આવો.” અહીં એવો તર્ક થઇ શકે કે પેલી
સ્ત્રીને શંકા છે કે એના પતિને પ્રફૂલની પત્ની માયા જોડે આડો સંબંધ હોઈ શકે.
પ્રફુલની સ્થિતિ વધુ બગડે છે. આ ક્ષણે એને એટલો આઘાત લાગે છે કે “...એનો પડછાયો
જાણે આગળ નીકળી જાય છે અને એ પાછળ રહી જાય છે.”
એને રસ્તામાં એનો એક મિત્ર સુહાસ મળી જાય છે. સુહાસ અને એની પત્ની કાન્તા જોડે
હાસ્યવિનોદ કરીને એ હળવો થવાનો પ્રયાસ કરે છે.
છેવટે સુહાસ પ્રફુલને એના ઘેર મૂકવા જાય ત્યારે એ બંને ગંભીર થઇ જાય છે.
કદાચ સુહાસને પ્રફૂલની સ્થિતિની પૂર્ણ જાણકારી છે. એટલે બેઉ ઘેર પહોંચે છે ત્યારે
પ્રફુલના ઘરમાં પહેલાં સુહાસ પ્રવેશે છે. હવે-
“...ઘરમાં બે પડછાયાના બદલે ત્રણ પડછાયા દેખાયા. એક પડછાયાએ
બીજાને બોચીમાંથી ઝાલ્યો ને ભોંય પર પછાડ્યો. કોઈની ચીસ સંભળાઈ..”
કદાચ સુહાસે માયાના પુરુષમિત્રને પકડીને ભોંય પર પછાડયો
હતો. પેલી ચીસ કદાચ માયાની હતી. “...એ ચીસ એને જાણે બહારથી અંદર તેડી ગઈ.” ચીસ
સાંભળીને પ્રફુલ ઘરમાં ગયો. હવે-
“... એ અંદર ગયો ત્યારે એને લાગ્યું કે એ બહાર રહી ગયો હતો
ને એનો પડછાયો અંદર પ્રવેશ્યો હતો.”
પત્ની તરફથી પ્રફુલને વિશ્વાસઘાત થયાનો આઘાત લાગ્યો છે. ઘરમાં
જાણે પોતે નહીં પણ એનો પડછાયો અંદર ગયો હતો. એટલે કે માનસિક રીતે એ ક્ષત-વિક્ષત થઇ
ગયો હતો, એ એ રહ્યો ન હતો.
હવે આપણે ગિરીશ ભટ્ટની વાર્તા “ગૃહપ્રવેશ” નું કથાનક જોઈએ.
શ્યામ વર્ણના કારણે સોનલનું ક્યાંય ગોઠવાતું નથી. બે જણા આવી
ગયા પણ સોનલના ઘરનાંએ જ એમને નાપાસ કર્યા છે. એવામાં કેવળ એની છબી જોઇને એના પ્રતિ
આકર્ષિત થયેલો આર્થિક રીતે સુખી સ્થિતિના ઘરનો સુકેતુ નામનો યુવક સામે ચાલીને એને
જોવા આવે છે. બેત્રણ ખૂણેથી એને જોઇને એના ફોટા પાડીને પસંદ કરીને ઉતાવળે જતો પણ
રહે છે. વળી કહેતો જાય છે કે મારું નક્કી છે, ના નહીં કહેતી. લગ્ન પહેલાં એ સોનલને
કહે છે કે હું તને જુદા નામથી બોલાવીશ. એ વાતનું રહસ્ય સોનલને તો લગ્ન પછી ખબર પડે
છે કે સુકેતુ તો કોઈ આયેશા નામની ખ્રિસ્તી યુવતીના પ્રેમમાં હતો. સોનલને આઘાત લાગે
છે કે એ આયેશા જેવી દેખાય છે એટલે એની
પસંદગી થઇ છે!
સોનલને થાય છે કે એનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી?
પોતે કોઈની અવેજીમાં? સાસુને તો એ મૂળે પસંદ પડી જ ન હતી! એ જયારે ત્યારે અડધો ડઝન
છોકરીઓના નામ ગણાવે છે: આ હતી, પેલી હતી, સુકેતુને તું જ ગમી! સસરાને તો પાળેલી
કૂતરી અને પુત્રવધુ બંનેમાં ઝાઝો ફરક જણાતો નથી! સખી સ્વાતિ કહે છે કે એમાં શું?
તારે પણ કોઈ અન્ય પુરુષની કલ્પના કરવાની! શું આ વાત એટલી સહેલી હતી? સોનલની ભાભી
સાસરિયાંની સમૃદ્ધિ ગણાવીને એમાં એને રાજી રહેવાની સલાહ આપે છે. પણ શું આવું શક્ય
છે? એક માણસને માણસ તરીકે કોઈ ગણતું ના હોય ત્યાં સુખ-સમૃદ્ધિનું શું કરવાનું?
એટલે જ સોનલને થાય છે કે “જે અંદર ગઈ એ તો કોઈ બીજી જ
હતી.” એટલે કે પોતે તો હજી બહાર જ ઊભી છે!
બંને વાર્તાઓ પોતપોતાની રીતે સરસ છે, બંને નીવડેલી કલમ છે.
સુજોની વાર્તામાં બે વાક્યો વચ્ચે ઘણો અવકાશ છે, ગિરીશ ભટ્ટની વાર્તામાં નાયિકાની
પીડાનું આલેખન સુપેરે થયું છે.
એવું બની શકે કે ગિરીશ ભટ્ટે સ્વતંત્રપણે પોતાની વાર્તાની
રચના કરી હોય.
પણ સુજો લિખિત “ગૃહપ્રવેશ” વાર્તાથી ગિરીશ ભટ્ટ જેવા સજ્જ વાર્તાકાર
અજાણ હોય એ શક્ય નથી. એવું પણ બની શકે કે “ગૃહપ્રવેશ”ના કેન્દ્રીય વિચાર ધ્યાનમાં
રાખી ગિરીશભાઈએ એક પ્રયોગ તરીકે જુદાં પાત્રો, જુદો પરિવેશ અને જૂદું કથાનક રચીને
આ વાર્તાની રચના કરી હોય. એમ હોય તો આ પ્રયોગ ચોક્કસપણે સફળ થયો છે અને તેઓ
અભિનંદનના અધિકારી છે એવું આ લખનારનું માનવું છે.
એક જ વિચાર પર એકબીજાથી સાવ ભિન્ન વાર્તાઓ લખાઈ હોય એવાં
કેટલાં ઉદાહરણ આપણા સાહિત્યમાં મળી આવશે? કોઈની પાસે આવી જાણકારી હોય તો જરૂર આપણી
વચ્ચે વહેંચે. આવા વધુ પ્રયોગ થવાં જોઈએ અને આવા પ્રયોગોનો તુલનાત્મક અભ્યાસ પણ
થવો જોઈએ.
--કિશોર પટેલ, 15-04-22; 08:58
###
No comments:
Post a Comment