Wednesday, 6 April 2022

નવનીત સમર્પણ ફેબ્રુઆરી ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

નવનીત સમર્પણ ફેબ્રુઆરી ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૯૫ શબ્દો)

તે દિવસે (હિમાંશી શેલત):

પૃષ્ઠભૂમિ કોરોના મહામારીની હોય એવી વાર્તા. શિક્ષણનું પ્રમાણ અલ્પવત હોય એવા ગામડામાં ઓનલાઈન શિક્ષણની વાતને કેવો પ્રતિસાદ મળે છે તેની વાત. અંતમાં એક કરુણ બીના થકી વાર્તાકાર આઘાત આપે છે.  

ઝા તો સારા મીના કવામ (ગિરિમા ઘારેખાન):

અફઘાની ભાષામાં બોલાતા આ વાક્યનો અર્થ થાય છે “હું તને ચાહું છું.”  કાબુલના એરપોર્ટ પર આતંકવાદીઓ દ્વારા થયેલાં બોમ્બવિસ્ફોટમાં મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થાય છે. ગર્ભવતી નાયિકા અને તેનો પતિ આ કરુણાંતિકાના સાક્ષી બન્યાં છે. નાયિકાને સમયપૂર્વે વેણ ઊપડે છે. કટોકટીની ક્ષણોમાં તબીબી સહાય મળી જતાં એક નવા જીવનું સુખરૂપ આગમન આ ધરતી પર થાય છે. એક તરફ લોહીની નદી વહેતી હોય એવું બિહામણું ચિત્ર અને બીજી તરફ એક નવજાત બાળકનો જન્મ એવી બે વિરોધાભાસી ઘટનાઓ મૂકીને વાર્તાકારે જબરી વાર્તાક્ષણ પકડી છે.

યાયાવર પંખી (ગિરીશ ભટ્ટ): 

કોરોના મહામારીની પૃષ્ઠભૂમિ આ વાર્તામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. નાનાંમોટાં હેતુસર વિદેશ ગયેલાં ભારતીયોને સલામતીના કારણસર સ્વદેશ પાછાં ફરવાનો આદેશ અપાયો અને આલોકને ઇંગ્લેન્ડથી સ્વદેશ પાછા ફરવું પડ્યું. વિદેશમાં બનેલી એની પ્રિયતમા મારિયાની ઈચ્છા હતી કે છેલ્લી ક્ષણોમાં પોતે આલોક જોડે સંવવન કરીને એનું બીજ પોતાના ગર્ભમાં ધારણ કરે. પણ માતાની જેમ પોતે પણ કોરોના પોઝિટીવ હોઈ શકે એવી ભીતિથી છેલ્લી ક્ષણે પોતાની જાત કાબૂ મેળવી એ દિશામાં જતી નથી. માતાની એકલતાનું રહસ્ય જાણ્યા પછી મારિયા માતાના દુઃખદર્દ  જોડે એકરૂપ થાય છે. પક્ષીઓની જેમ સ્થળાંતર કરનારા યાયાવર માનવીઓના જીવનમાં બનતી સંબંધવિચ્છેદ અને વિરહવેદનાની વાર્તા.        

મતલબ (કંદર્પ ર. દેસાઈ):

શંકાશીલ માનસિકતા વિશેની વાર્તા. પાછલી ઉંમરમાં માણસે નાનાંમોટાં કામ માટે આપ્તજનોની સહાય લેવી પડતી હોય છે. કોઈ સ્વેચ્છાએ પ્રેમભાવથી સેવા કરતું હોય તો પણ વળી શંકા થાય છે કે આની નજર મારી માલમિલકત પર તો નહીં હોય? સત્ય તો એ છે કે માનવસ્વભાવની શંકા-કુશંકા કરવાની બીમારીનો કોઈ ઈલાજ નથી.     

ત્રીજી બારી (ધર્મેશ ગાંધી):

એક સ્ત્રીની વાત જેણે ગરીબીના કારણે પિતાને ગુમાવ્યા, લાલચના કારણે પતિને ગુમાવ્યો અને છેવટે એક અકસ્માતના કારણે પુત્રને ગુમાવવાની અણી પર છે. એકે બીનામાં સક્રિય સહભાગ ના હોવા છતાં એણે ભોગવવું પડે છે. વાર્તામાં કરુણરસ ભારોભાર છે.  

આક્રોશ (મોના જોશી):

ગામડાગામમાં સાસુઓ દ્વારા વહુઓ પર થતાં અત્યાચાર જેવા તદ્દન જૂના વિષયની વાર્તા. ભૂતનો વળગાડ વગેરે ઘણી વાર કહેવાઈ ગયું. કાલબાહ્ય વાર્તા.    

--કિશોર પટેલ, 07-04-22; 09:31

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

તા.ક. ગઈ કાલે ન.સ. માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિશેની નોંધવાળી પોસ્ટ મૂકી પછી કલાકમાં એક લેખકમિત્રનો સંદેશો આવ્યો, “પ્રભુ, ન.સ. ફેબ્રુઆરી ૨૦૨૨ની વાર્તાઓની નોંધમાં મને જ ભૂલી ગયા? કોઈ ખાસ કારણ?”

મને પણ આઘાત લાગ્યો, તપાસ કરતાં માલૂમ પડ્યું કે પોસ્ટ તો માર્ચ મહિનાની હતી, અને એ મિત્રની વાર્તા તો ફેબ્રુઆરી મહિનામાં હતી, જેની નોંધ જ મૂકવાની ભૂલાઈ ગઈ હતી! માટે હવે, દેર આયે દુરસ્ત આયે! ધર્મેશ ગાંધી, ભાઈ, આભાર!

###


No comments: