Tuesday, 28 March 2023

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ માર્ચ ૨૦૨૩











 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ માર્ચ ૨૦૨૩

(૫૮૮ શબ્દો)

શનિવાર તા. ૨૫ માર્ચ ૨૦૨૩ ની સાંજે બેન્ક અને અન્ય આર્થિક વ્યવસાય જોડે સંકળાયેલા સહુ મુંબઈગરાઓ કલોઝિંગના કામમાં વ્યસ્ત હતાં ત્યારે બાલભારતી ખાતે રસિક વાર્તાપ્રેમીઓ રસભરી ટૂંકી વાર્તાઓનું ઓપનીંગ કરવામાં મસ્ત હતાં.

આ વખતે બાલભારતીના મચં પર એક કૌતુક દીઠું. એક ષટકોણીય મેજ! માણસનું મગજ ખતરનાક યંત્ર છે. વિચાર તો એવા આવવા માંડયા કે મેજની ફરતે ચાર-પાંચ ખુરસીઓમાં ગોઠવાઈને મિત્રો શું શું કરી  શકે!

ખેર, બાલભારતીના મુખિયા હેમાંગભાઈ તન્નાએ કહ્યું કે આજના વાર્તાકારો એક સાથે અહીં બિરાજશે અને એમની વાર્તાઓનું પઠન અહીંથી જ કરશે. વાર્તાવંતના મુખિયા હેમંતભાઈ કારિયાના પ્રાથમિક ઉદબોધન પછી ચારે વાર્તાકારો મેજની આસપાસ ગોઠવાયા અને કાર્યક્રમનું સંચાલન સાંભળ્યું ચાર વાર્તાકારોમાંના એક લેખક-પત્રકાર સુશ્રી મમતાબેન પટેલે.

મમતાબેને શ્રીગણેશ કરતાં કહ્યું કે જાણ્યેઅજાણ્યે આપણી સહુની અંદર એક વાર્તાકાર છુપાયેલો છે. ને એટલે જ વાર્તાવિશ્વમાં વિહરવાનું આપણને સહુને ગમતું હોય છે.

સૌપ્રથમ રાજીવ શાહે પન્નાલાલ પટેલ લિખિત ક્લાસિક વાર્તા “સાચી ગાજિયાણીનું કાપડું” નું પઠન કર્યું.  ગામની એક દીકરીના લગ્નમાં ભેટ આપવા માટે એક સામાન્ય સ્થિતિનો શ્રમિક કાપડું લેવા શિવલાલની દુકાને આવ્યો છે. એની હેસિયત તો નથી અને છતાં મોંઘામાંનું સાચી ગાજિયાણીના કાપડું ખરીદવાનો એ આગ્રહ રાખે છે, એ પણ ઉધારીમાં. દુકાનદાર શિવલાલ એક નંબરનો કંજૂસ મખ્ખીચૂસ માણસ છે પણ એ પણ દિલદાર થઈને અલગ પેટીમાં સાચવીને રાખેલાં માલમાંથી પેલાને એનું મનપસંદ કાપડું કાઢી આપે છે. આ બેઉની દિલદારી અને દુનિયાદારીનું કારણ એક જ છે: જેનું લગ્ન થવાનું છે એ કન્યા. કોઈ કાળે એ કન્યાની માતા જોડે શિવલાલના સંબંધ હતા. એવું જ કંઇક કાપડું ખરીદવા આવેલા શ્રમિકનું પણ છે. ગ્રાહક અને દુકાનદાર બંને એકબીજાને નાણે-પરખે છે, વણકહ્યે એકબીજાની આંખોમાં આંખોમાં અનેક વાતોની આપલે થઈ જાય છે.            

બીજા ક્રમે હાર્દિક ભટ્ટે પઠન કર્યું રમણલાલ વસંતલાલ દેસાઈ લિખિત એક યાદગાર વાર્તા “ખરી મા”નું. કઈ રીતે એક સાવકી મા એક નાનાં બાળકની ખરી માતા બને છે તે પ્રક્રિયા અત્યંત રસપૂર્ણ, રોમાંચક અને હ્રદયસ્પર્શી છે. આજે આટલાં વર્ષો પછી પણ ભાવકની આંખોના ખૂણા ભીના કરી દે એવી શક્તિ ર.વ.દેસાઈની આ વાર્તામાં નિ:શંકપણે છે.

કોફીબ્રેક પછી ગાંધીયુગની વાર્તાઓમાંથી રસિક શ્રોતામિત્રોને આજની વાર્તાઓની દુનિયામાં લઈ આવ્યાં મમતા પટેલ પોતાની વાર્તા   “હું કોણ?” નું પઠન કરીને.

પુરુષપ્રધાન સંસ્કૃતિમાં સ્ત્રીને હંમેશા દુય્યમ સ્થાને રાખવામાં આવી છે, પરણ્યા પછી ઉચ્ચશિક્ષિત સ્ત્રીને પણ સ્વતંત્ર કારકિર્દી ઘડવાની તક મળતી નથી અને ઘરની ચાર દીવાલોમાં એની દુનિયાને સીમિત કરી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં સ્ત્રી ગૂંગળાયા કરે છે અને પોતાની જાતને જ પૂછયા કરે છે કે હું કોણ?

ચોથી અને છેલ્લી વાર્તાનું પઠન કર્યું સુરતથી પધારેલાં વાર્તાકાર દીનાબહેન રાયચૂરાએ. એમણે પોતાની વાર્તા વાંચી જેનું શીર્ષક હતું: “તેથી શું?”

કથકની પાડોશમાં રેવતી નામની એક યુવતી કામચલાઉ ધોરણે ભાડેથી રહેવા આવી છે. કથક ઓછાબોલી છે અને પાડોશણ બોલકણી છે. બંને વચ્ચે ધીમે ધીમે પરિચય વિકસે છે. રેવતી એક સમયે આરજે હતી, હજી પણ એ મીડિયામાં ચમકતી રહે છે. ક્થકને ખ્યાલ આવે છે કે રેવતી મીડિયાના જ રાજીવ નામના એક જાણીતા પણ પરિણીત પુરુષ જોડે સંબંધમાં છે. “આવું તો આજકાલ ચાલ્યા કરે.” કથક વિચારે છે.

એક દિવસ રેવતી થોડીક વધુ વાતો કરે છે, કોઈ પાર્ટીમાં કોઈએ એનો પરિચય “રાજીવની મિસ્ટ્રેસ” તરીકે કરાવ્યો એવી વાત કરી. પછી એક વાર એણે વાત કરી કે કોઈક પ્રસંગે રાજીવની પત્ની અને એ (રેવતી) સામસામા થઈ ગયાં. ત્યાં રાજીવની પત્નીએ હુંકાર કર્યો કે “રેવતી, તારા અને રાજીવના સંબંધ જે હોય તે પણ એની પત્ની તો હું છું!”

જવાબમાં રેવતીએ કહ્યું: “તેથી શું?”

એ પ્રસંગે રાજીવની પત્નીની બોલતી બંધ થઈ હતી કે નહીં તે આપણે જાણતા નથી પણ અહીં વાર્તામાં કથકની બોલતી બંધ થઈ જાય છે. એને યાદ આવી જાય છે એની પોતાની સાથે શું બનેલું તે. એના પતિ મકરંદની પણ એક ગર્લફ્રેન્ડ હોય છે, કાવ્યા, એક પ્રસંગે એ કાવ્યાએ પણ અદ્દલ આ જ શબ્દો ક્થકને સંભળાવ્યા હતાં: “તેથી શું?”

--કિશોર પટેલ, 28-03-23; 12:33

###

            

    

No comments: