Wednesday, 15 March 2023

કાલીનામાં શરીફાબેન વીજળીવાળાનાં વ્યાખ્યાનો ૯-૧૦ માર્ચ ૨૦૨૩


કાલીનામાં શરીફાબેન વીજળીવાળાનાં વ્યાખ્યાનો ૯-૧૦ માર્ચ ૨૦૨૩

(૬૦૩ શબ્દો)

ગુરુવાર ૯ માર્ચ ના રોજ સંજોગવશાત હું હાજરી આપી શક્યો નહીં. શુક્રવારે તા. ૧૦ માર્ચ ૨૦૨૩ ના દિવસે બપોરે હું કાલીના ખાતે મુંબઈ વિદ્યાપીઠના વૃક્ષાચ્છાદિત વિશાળ કેમ્પસમાં રાનડે ભવનમાં શરીફાબેનના વ્યાખ્યાનનો વિષય હતો:

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં સ્ત્રીની છબી.

સુનીતા દેશપાંડે કૃત આત્મકથા “આહે મનોહર તરી...” નો અછડતો ઉલ્લેખ કર્યા પછી (કદાચ આગલા દિવસે એ આત્મકથા વિષે તેઓ વિગતે બોલ્યાં હશે) તરત શરીફાબેન ઈસ્મત ચુગતાઈની આત્મકથા “કાગજી હૈ પેહરન” તરફ વળી ગયાં.

શરીફાબેને કહ્યું કે પોતાની આત્મકથામાં ઈસ્મત ક્યાંય રોદણાં રડ્યાં નથી. ઘરમાં દસ ભાઈઓ-બહેનો વચ્ચે પોતાના હક્કનું એમણે લડી-ઝઘડીને મેળવ્યું.    

પોતાનાં બાળપણનો એક કિસ્સો નોંધતાં ઈસ્મત કહે છે કે પાડોશનાં એક ગરીબ હિંદુ પરિવારની દીકરી પરણીને સાસરે ગઈ.  ત્યાં સાસરિયાં એને ખૂબ ત્રાસ આપતાં હતાં. થોડાંક સમય પછી ખબર મળ્યા કે એ ધૂણવા લાગી છે. એના અંગમાં માતાજી આવવા લાગ્યાં છે. એક વાર એ પિયરમાં આવેલી ત્યારે ઇસ્મતે એને માતાજી વિષે પૂછયું. પેલીએ કહ્યું, “કંઈ નહીં, એ તો હું એવો ઢોંગ કરું છું, માતાજીના બહાને મારી સાસુને ગડદાપાટુનો માર મારી લઉં છું!” ઈસ્મત કહે છે કે “આ વાતમાં મને ઘણી મઝા પડી. સ્ત્રીએ આવા હોવું જોઈએ, એક યા બીજા પ્રકારે પ્રતિકાર કરવો જોઈએ, બદલો લેવો જોઈએ, પોતાની પર થતાં જુલ્મો ચૂપચાપ સહન કરવાં જોઈએ નહીં.”

ઈસ્મત નોંધે છે કે એ સમયે એવું કહેવાતું કે સ્ત્રીઓનો વેપાર કરવો ખરાબ વાત છે પણ સ્ત્રીઓને ભણાવવી એટલે વધારે ખરાબ વાત કહેવાય! સ્ત્રીઓને ભણાવવી એટલે બગાડી મૂકવી એવું કહેવાતું. ઈસ્મત ભણવા ઈચ્છતા હતાં પણ ઘરનાં સહુ તેઓ શિક્ષણ મેળવે એ વાતનાં વિરોધી હતાં! એવા વાતાવરણમાં ઇસ્મતે લડી ઝઘડીને ભણવાનો હક્ક મેળવ્યો હતો.

ઈસ્મતથી દોઢેક વર્ષ મોટોભાઈ (જેનું નામ શમીમ હતું) આવારાગર્દી કરતો પણ ઘરમાં કોઈ એને કંઈ કહેતું નહીં. ઈસ્મત દલીલ કરતી કે શમીમને આવારાગર્દી કરીને પોતાની જિંદગી બગાડવાનો હક્ક છે અને પોતાને ભણીગણીને જિંદગી બનાવવાનો હક્ક કેમ નથી?

#

મન્નુ ભંડારી અને રાજેન્દ્ર યાદવ હિન્દી ભાષાનાં અતિશય જાણીતા સાહિત્યકાર દંપતી હતાં. મન્નુ ભંડારીની આત્મકથાનું શીર્ષક છે: “એક કહાની યહ ભી.”

સુવિદિત છે કે રાજેન્દ્ર યાદવ હંમેશા સ્ત્રી સ્વાતંત્ર્યનો ઝંડો લઈને ફર્યા છે. એ એમનો જાહેર ચહેરો હતો. પણ આચરણમાં, અંદરખાને,  ઘરની અંદર તેઓ પરંપરાગત પુરુષપ્રધાન સંસ્કૃતિના પુરસ્કર્તા હતા. ઘરની કોઈ જવાબદારી તેઓ ઉપાડતા નહીં, બધું મન્નુ જોતાં. ઘર/દીકરીનો ઉછેર બધું જ. રાજેન્દ્ર યાદવના લગ્નબાહ્ય સંબંધ હતા. કોઈક મિત્રે એમને પૂછયું હતું, તમારો પ્રેમ “મિસ ક્ષ” જોડે છે તો પછી તમે મન્નુને પરણ્યા જ શું કામ? સીધું “મિસ ક્ષ” ને જ પરણવું હતું ને? રાજેન્દ્ર યાદવે કબૂલ કર્યું હતું કે “હા, મારો પ્રેમ “મિસ ક્ષ” પ્રતિ છે, પણ શું છે કે ગૃહિણી તરીકે “મિસ ક્ષ” તદ્દન ઠોઠ છે, એ જવાબદારી તો મન્નુ જ સારી રીતે નિભાવે છે.”

આ ઉપરાંત શરીફાબેન મન્નુ ભંડારીના એક શિષ્યા પ્રભા ખેતાનની આત્મકથા “અન્યાયે અનન્યા”, મરાઠી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી હંસા વાડકરની આત્મકથા “સાંગતે ઐકા” (જેનાં પરથી શ્યામ બેનેગલે સ્મિતા પાટીલ અભિનીત હિન્દી ફિલ્મ “ભૂમિકા” બનાવેલી), જાણીતી ઓડીસી નૃત્યાંગના અને ફિલ્મ અભિનેત્રી પ્રોતિમા બેદીની આત્મકથા વિષે પણ બોલ્યાં.

શરીફાબેને જણાવ્યું કે વામા નામની દક્ષિણ ભારતની એક લેખિકાએ એમની આત્મકથા “કર્ણફૂલ” માં અસ્પૃશ્યતાના ભયાનક અનુભવો લખ્યાં છે.     

#

સમાજકેન્દ્રી નવલકથાઓ વિષે વાત કરતાં શરીફાબેને નીચે જણાવેલી કૃતિઓની ચર્ચા કરી હતી:

૧. તારાશંકર બંદોપાધ્યાયની “ગણદેવતા”: બંગાળના ગામડાંઓમાં સ્ત્રીઓની સ્થિતિ વિષે.  

૨. રાહી માસુમ રઝાની “આધા ગાંવ”: આઝાદી પછીના પહેલા દાયકામાં જમીનદારી વ્યવસ્થામાં સ્ત્રીઓની સ્થિતિ વિષે.

૩. ફણીશ્વરનાથ રેણુની “મૈલા આંચલ”: “ભારત છોડો” આંદોલનની પાર્શ્વભૂમિમાં ઉત્તર-પૂર્વના ગામડાઓમાં ભૂમિહીનો અને સ્ત્રીઓની સમસ્યાઓ વિષે.

૪. કૃષ્ણા સોબતીની “જિંદગીનામા”: વીસમી સદીના પૂર્વાર્ધમાં ભાગલા પૂર્વેના પંજાબમાં સ્ત્રીઓની સ્થિતિ વિષે.

#

બે દિવસની વ્યાખ્યાનમાળાનું સમાપન કરતાં શરીફાબેને અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું આ ચર્ચાઓમાં ગુજરાતી સાહિત્યનાં બે–ત્રણ અપવાદ સિવાય ખાસ કોઈ પુસ્તકની ચર્ચા હું કરી શકી નથી કારણ કે આપણે ત્યાં આ દિશામાં ખાસ લખાયું નથી.  અલબત્ત,  રાજકીય પૃષ્ઠભૂમિની નવલકથા માટે રઘુવીર ચૌધરીના પ્રદાનની એમણે નોંધ લીધી હતી.

 --કિશોર પટેલ, 15-03-23; 12:20         

###

  

 

 

No comments: