Monday, 3 April 2023

નવનીત સમર્પણ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ




 

નવનીત સમર્પણ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૬૬ શબ્દો)

રૂપજીની ટેકરી (માવજી મહેશ્વરી):

પરિવારની વૃદ્ધિ અને આવકના સાધનો વચ્ચે વ્યસ્ત પ્રમાણને લીધે ઉદ્ભવતી સમસ્યાની વાત. રૂપજીના ત્રણ દીકરાઓ, ત્રણે દીકરાઓના બધાં મળીને બાર દીકરાઓ. રૂપજીની ટેકરી તરીકે ઓળખાતી વિશાળ જમીનના બાર ટુકડાઓ થઈ ગયાં હતાં. પેઢી દર પેઢી આ જમીન ટુકડે ટુકડે વહેંચાતી ચાલી હતી. રૂપજીના ત્રણ દીકરાઓમાં સૌથી નાના કેશુદા પોતાના નાના દીકરા જોડે રહેતા હતા.  એ નાના દીકરાને ત્યાં ત્રણ દીકરાઓ હતા. એની વહુને ચોથી વખત સારાં દિવસો જતાં હતાં. કેશુદાને ચિંતા એ થતી હતી કે જમીનના હજી કેટલાં ટુકડાઓ થયાં કરશે? કોઈ ઉપાયે જમીન વધતી નથી તો કમસેકમ એને વહેંચાતી તો અટકાવવી જોઈએ. સંસાધનોની મર્યાદા અંગે અગત્યનું વિધાન આ વાર્તામાં થયું છે. કહેવાની વાત સીધી રીતે ના કહેતા વાર્તાકારે નાયકના વર્તન અને વાણીવ્યવહાર વડે કહી છે. સરસ રજૂઆત.

ઉગારો (અજય સોની):

ભારતીય સમાજમાં પુત્રઝંખના હદ બહારની છે. સ્ત્રીની શારીરિક અવસ્થા મૃતપાય થઈ ગઈ હોય તો પણ એની પાસેથી એના ઘરનાં લોકોને પુત્ર મેળવવાની ઝંખના હોય છે. પ્રસ્તુત વાર્તામાં એક કસુવાવડ સહિત ત્રણ દીકરીઓને જન્મ આપ્યા પછી પણ એક સ્ત્રી પાંચમી વાર ગર્ભવતી થઈ છે, એની સાસુને ઓરતા છે કે એનો મૃત પતિ પુત્રવધુને પેટે જન્મ લઈને પાછો આવે અને પોતે એને રમાડે! સ્વપ્નું પણ પાછું કેવું રંગીન!

વાર્તાકારે અધિકૃત લાગે એવું સંઘર્ષમય ક્ષણોનું આલેખન કર્યું છે. એક તરફ ગમે ત્યારે સ્ત્રીને ગમે ત્યારે પ્રસૂતિ થાય એવી પરિસ્થિતિ છે, બહાર વરસાદ કહે કે એનું કામ, ઘરનો કર્તાહર્તા પુરુષ બેજવાબદારપણે બહાર જતો રહ્યો છે, ઘરમાં છે નાની નાની બે છોકરીઓ અને ખખડી ગયેલી એક ડોસી. દાયણને બોલાવવા જાય કોણ અને વરસતા વરસાદમાં કોઈ આવે પણ કોણ? આપણા ઘણાં ગામડાંઓમાં હજી પણ તબીબી સહાય સમયસર મળતી નથી, કેટલીક વાર તો પ્રજા એટલી અશિક્ષિત અને ગમાર હોય છે કે સહાય મળતી હોય તો પણ ગામઠી, અર્ધશિક્ષિત કે ઊંટવૈદ્ય જેવી બાઈઓ પાસે ઘેર જ પ્રસૂતિ કરાવે છે. આ વાર્તા દ્વારા ગામડાંની આપણી આવી સામાજિક વિષમ સ્થિતિ પર વાર્તાકારે પ્રકાશ પાડયો છે.  એક મહત્વનું કામ થયું કહેવાય.     

...એટલે શું? (ગિરિમા ઘારેખાન):

બાળઉછેરની વાત છે. બાળકો કંઈ નવું જુએ તો એના વિષે જાણવા ઈચ્છે છે એમ જયારે નવા શબ્દ સાંભળે ત્યારે એના વિષે એમને કુતૂહલ થાય, એનો અર્થ જાણવાની એમને તાલાવેલી થાય એ સ્વાભાવિક છે. અહીં વાત થઈ છે એક ચોક્કસ અંગ્રેજી અપશબ્દની. નાયિકાનો સ્કૂલે ભણતો દીકરો સ્કુલબસમાં આ અપશબ્દ સાંભળી આવ્યો છે જેનો અર્થ જાણવો એના માટે જરૂરી બની ગયું છે. નાયિકાની મૂંઝવણ એ છે કે એ શબ્દનો અર્થ નાના બાળકને સમજાવવો કઈ રીતે?

આજકાલ ઓટીટી મંચ પર અપશબ્દોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે જેના પર કોઈનું નિયંત્રણ હોય એવું લાગતું નથી. આ પરિસ્થિતિમાં બાળકોના વાલીઓની જવાબદારી વધી જાય છે. વાર્તાકારે એક સાંપ્રત સમસ્યા પર પ્રકાશ પાડયો છે. સારી વાર્તા.  

--કિશોર પટેલ, 04-04-23; 09:11

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

No comments: