નસીબચોર / કિશોર પટેલ
“ભાઇ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો માફિયા છે.”
“ભાઇ ચાહે એને તારે ને ચાહે એને ડુબાડે.”
“કોઈને ખબર છે, વિનીત પારાયણ અને મોનુ રિધમ જેવા ગાયકો આજે
ક્યાં છે?”
“ભાઇમાં પોતાની અક્કલ ક્યાં છે? ચમચાઓ કહે એટલું સાંભળે છે
ને દેખાડે એટલું જુએ છે.”
આવી આવી વનલાઇનર પોસ્ટ હું રોજ સવાર-સાંજ સોશિયલ મીડિયા પર
મૂકવા લાગ્યો અને ધારી અસર થઇ. જાણીતાઓની અને અજાણ્યાઓની ખૂબ લાઈક્સ મળી. ઘણાંએ વહેતી ગંગામાં હાથ ધોઇ લીધાં. “ભાઇ તો કમર હલાવીને
કરોડો રૂપિયા ખંખેરી લે છે.”, “ભાઇ બીજાનાં રોલ કપાવી નાખે છે.” એવી કમેન્ટ્સ આવવા
લાગી.
સામે પક્ષે ભાઈના ભક્તો સળગી ઊઠયા હતાં. એ લોકો મારી પાછળ પડી
ગયા:
“ગોલીબાર, કોણ તને પૈસા આપે છે?” “કોણે આ વાંદરાને દારૂ
પાયો છે?” “ગોલીબારની ડાગળી ચસકી ગઇ છે?” “શા માટે તું પોતાના જીવનો દુશ્મન બન્યો
છે?” “તું ભાઇને ઓળખતો નથી!” “આવું આવું લખીને તું ભાઈનું શું બગાડી લઇશ?”
* * *
એક રાત્રે ઓફિસથી હું ઘેર જવા નીકળ્યો. રેલ્વે સ્ટેશન
પહોંચવા હું રીક્ષા શોધતો હતો ત્યારે ત્રણ-ચાર લુખ્ખાઓ મને ઘેરી વળ્યા. હું કંઇ
સમજું-વિચારું એટલી વારમાં તો મને એક વેનમાં ધકેલી દેવાયો. મારા મોંમાં કપડાંનો ડૂચો
ખોસી દેવાયો ને બે જણા મારા બાવડાં ઝાલીને મને બેઉ બાજુએથી દબાવીને બેસી ગયા. વેનની
બારીમાંથી બહાર હું કંઈ જોઉં કે સમજું ત્યાં તો મારી આંખો પર કાળી પટ્ટી બંધાઈ ગઈ.
* * *
મારી આંખો પરથી પટ્ટી ખોલવામાં આવી ત્યારે એક અંધારિયા
ખંડમાં ખખડી ગયેલી એક ખુરસીમાં હું બેઠો હતો. મારી સામે બાંય વિનાના લાલ ગંજી અને
મેલીઘેલી લુંગીમાં એક જાડિયો આદમી ઊભો હતો.
“તેરા નામ ક્યા હૈ?”
“ગોલીબાર.”
“ગોલીબાર, તેરા પ્રોબ્લેમ ક્યા હૈ?”
“તમે કોણ છો? મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે?”
“પહેલાં તું એ કહે કે તારો પ્રોબ્લેમ શું છે?”
“અહીંયા હું મારી ઈચ્છાથી નથી આવ્યો!” મેં કહ્યું, “તમારો
પ્રોબ્લેમ શું છે?”
“એ શહાણે! ચૂપ બૈઠ! સવાલ મૈ કરુંગા!” હું ચૂપ રહ્યો. એણે પૂછ્યું, “એ કહે
કે સોશિયલ મીડિયા પર તું ભાઇ વિષે ઊંધુંચત્તું કેમ લખે છે?”
હવે મને ગડ બેઠી. મારો દાવ સફળ થયો હતો.
મેં કહ્યું, “એ હું ફક્ત ભાઇને જ કહીશ.”
મારા ગાલ પર એક જોરદાર થપ્પડ પડી. મને ચક્કર આવી ગયા. છતાં પણ
હિંમત રાખીને મેં એની સામે જોયા કર્યું. મને બીજી થપ્પડ પડી.
“હવે બોલ.” એ બોલ્યો.
હું મૂંગો રહ્યો. આવું થશે એવી કલ્પના મેં કરી હતી. એણે મને
બેચાર ગાળો આપી. હું ચૂપ રહ્યો. એણે પાણી પીધું, એક બીડી સળગાવી, મને ફરી ફરી
પૂછ્યું. મેં એક જ વાત પકડી રાખી: “જે કહેવાનું છે તે હું ભાઇને જ કહીશ.”
છેવટે પોતાના મોબાઇલ પર કોઈને ફોન લગાવતો એ ઓરડાની બહાર
ગયો.
* * *
મને લખવાનો શોખ હતો. હિન્દી ફિલ્મો લખીને મારે મશહૂર થવું
હતું ને લાખો રૂપિયામાં આળોટવું હતું. પ્રીતિએ શરત કરી હતી કે હું સરખું કમાતો
થાઉં તો જ એ મારી જોડે લગ્ન કરશે. સામયિકો એક વાર્તાનો જે પુરસ્કાર આપે છે એમાંથી
હું પ્રીતિને કોઈ સારી હોટલમાં ડીનર માટે પણ લઇ જઇ શકતો ન હતો. વાર્તાસંગ્રહ પ્રગટ
કરવા પ્રકાશકો આગોતરા પૈસા માંગતા હતા. લેખક તરીકે મને ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ
પૈસા દેખાતાં હતાં. પણ એમાં ઘૂસવું કઇ રીતે? ના કોઈ ઓળખાણ ના કોઈ સગાંવહાલાં. નાટયલેખનની
એક શિબિરમાં તાત્યા શિરોડકર નામના એક પત્રકારનો પરિચય થયો. એ ફિલ્મ પત્રકાર હતો
એટલે શિબિર પછી પણ હું એની આગળપાછળ ફરતો રહેતો. ગુજરાતી ભાષાનાં એક સાંજદૈનિકમાં એ
ફિલ્મવિભાગ સંભાળતો હતો. એ મરાઠી ભાષામાં જે લખતો એનું ગુજરાતી ભાષાંતર કરનારા
માણસની જગ્યા ખાલી પડી એટલે એણે મને પૂછયું. મને થયું કે છાપાંની નોકરી દ્વારા કદાચ
હું ફિલ્મોમાં જઇ શકું. ઓછા પગારની એ નોકરી મેં સ્વીકારી લીધી.
તાત્યા હંમેશા ફિલ્મી પાર્ટીઓની વાતો કર્યા કરતો. કાલની
પાર્ટીમાં કેટરિના ગોન્સાલ્વીસ મળેલી ને આજે તો દીપિકા તામ્હણકર મળવાની છે એવી
સાચીખોટી ડીંગ એ હાંક્યા કરતો. ઘણી વાર એ મોટા મોટા કલાકારો જોડે લીધેલી સેલ્ફી
બતાવતો એટલે એની વાતો મારે સાચી માનવી પડતી. મને એની ખૂબ ઈર્ષા આવતી. જો મને
છાપાંના ફિલ્મવિભાગમાં લખવાની તક મળે તો હું પણ દીપિકા જોડે સેલ્ફી પડાવું. એક વાર
દીપિકા જોડે ઓળખાણ થઇ જાય પછી કોઈ નિર્માતા જોડે મેળવી આપવા માટે મારી દીપુ કંઇ
મને ના પાડવાની હતી?
પણ વો દિન કહાં કે મિંયા કે પાંવ મેં જૂતી?
મારો હાળો તાત્યા કદી માંદો પણ પડતો નહીં કે એની જગ્યાએ મને
ફિલ્મવિભાગમાં કામ કરવાની તક મળે. કોઈક વાર તો એવા વિચાર પણ આવતાં કે હું
તાત્યાનું મર્ડર કરી નાખું તો ફિલ્મોમાં પ્રવેશ કરવાનો મારો રસ્તો સાફ થઇ જાય! પણ
એવા હિંસક વિચારો કર્યા પછી મને જ ઘણી બીક લાગતી. એવું લાગતું કે ફિલ્મપ્રવેશનું
મારું સ્વપ્નું કદી પૂરું નહીં થાય. મને ડર લાગવા માંડયો હતો કે ક્યાંક પ્રીતિ મને
છોડીને બીજા કોઇને પકડી ના લે.
ખૂબ વિચાર કર્યા પછી મેં ભાઇ સુધી પહોંચવા માટે આવો અદભુત પ્લાન
બનાવ્યો.
* * *
આખી બાંયનું ઇન કરેલું સફેદ શર્ટ અને સિલ્વર કલરનું પેન્ટ. મધ્યમ
ઊંચાઈ, સુદઢ બાંધો અને શાંત ચહેરો. ચમકતી ચામડી અને મોટી પાણીદાર આંખો. અડધી રાતે
ભાઇ એકદમ તાજોમાજો લાગતો હતો. પાંચસો કરોડની કલબનો સ્થાપક સભ્ય અને દેશનો નંબર વન
સુપરસ્ટાર સમશેર ખાન સદેહે મારી સામે ઊભો હતો.
“હેલ્લો ગોલીબાર!”
ભાઇએ હાથ લંબાવ્યો. ઊભા થઇને મેં એની જોડે હસ્તધૂનન કર્યું.
ફોન પર વાત કરવા પેલો લુંગીધારી બહાર ગયો એના બે કલાક પછી એ
પાછો આવ્યો હતો. મારા માટે પીવાનું પાણી આવ્યું. ચા પણ આવી. “ગોલીબાર, તુ
કિસ્મતવાલા હૈ. તૂઝે ભાઇને બુલાયા હૈ.” એ લોકો પેલી વેનમાં બેસાડીને મને અહીં લઇ
આવ્યા હતા. સરસ એરકંડીશન્ડ ઓફિસ હતી. આ વખતે મારા મોંમાં ના તો કપડાનો ડૂચો હતો કે
ના આંખો પર પટ્ટી. ભાઇની ઓફિસ શહેરના કયા ભાગમાં આવેલી છે એ હું જાણતો ન હતો. જે
હોય તે સમશેર ખાનને મળવામાં હું સફળ થયો હતો. હવે કોઇ પણ હિસાબે મારે એને વાર્તા
સંભળાવવાની હતી.
“શું વાત છે, મારી પર બહુ પ્રેમ ઊભરાઈ આવ્યો છે ને કંઇ?”
હું ચૂપ રહ્યો એટલે એણે પૂછ્યું, “ગોલીબાર, શું કામ મને મળવું હતું?”
મેં કહ્યું, “ભાઈ, મારી પાસે તમારા માટે એકદમ ધમાકેદાર
સ્ક્રીપ્ટ છે.”
“અરે યાર!” એના કપાળે ત્રણ લાઇન પડી ગઇ. “મને ક્યાં ખબર પડે
છે સ્ક્રિપ્ટમાં? મારા માટે તો ડેડી જ પસંદ કરે છે સ્ક્રિપ્ટ!”
“એ હું ના જાણું. હું તો તમને જ સંભળાવીશ સ્ક્રિપ્ટ!”
ઊભો થઇને એ ઓરડાની બહાર જતો રહ્યો. થોડી વારે એક માણસ
આવ્યો.
“કુછ ખાઓગે? કુછ પીના હૈ? શરાબ? બીયર-વ્હીસ્કી?”
મેં કહ્યું, “હું અહીંયા ખાવાપીવા નથી આવ્યો.”
એ માણસે પાંચસોની થોડીક નોટો કાઢીને મારી સામે ધરી. “યે લો
ઔર ચલતે બનો. ભાઈ ઐસે કિસીસે કહાની નહીં સુનતે.”
મેં કહ્યું, “હું અહીંયા ભીખ માંગવા નથી આવ્યો.”
* * *
કલાક પછી સમશેર ખાનના પિતા અસલમ ખાન મારી પાસે આવ્યા. એમણે
પઠાણી ડ્રેસ પહેર્યો હતો. તેઓ નખશીખ સજ્જન લાગતા હતા. સલામદુઆ કરીને હું શું કરું
છું, ઘરમાં કોણ કોણ છે વગેરે પૂછયા પછી એમણે કહ્યું, “અચ્છા રાઈટર સા’બ, સુનાઓ
કહાની.”
સાંભળ્યું હતું કે અસલમ ખાન એક જમાનામાં કોઇ સંગીતકાર જોડે
તબલાં વગાડતાં. એ સંગીતકાર અચાનક ફિલ્મલાઈન છોડીને કન્સ્ટ્રકશન મટીરિયલ સપ્લાય
કરવાના ધંધામાં પડયા. નવરા પડેલા અસલમ ખાન પોતાના દીકરાના ફૂલ ટાઈમ મેનેજર બની
ગયા.
મેં કહ્યું, “કહાની તો મૈ ભાઇ કો હી સુનાઉંગા.”
“અરે, એ ગાંડાને ખબર ના પડે. હું જ નક્કી કરું છું એણે કઇ
ફિલ્મ કરવી અને કઇ નહીં.”
“એ હશે, પણ મારી વાર્તા હું ફક્ત ભાઈને જ સંભળાવીશ.”
ઘણી મગજમારી થઇ. આખી રાત નીકળી ગઇ. છેક સવારે છ વાગે
બાપ-દીકરા બંને મારી વાર્તા સાંભળવા તૈયાર થયા. મેં એમની સામે મારી વાર્તાનું પઠન
શરુ કર્યું.
એક ચોર હોય. એનું નસીબ એટલું ખરાબ હોય કે કોઇ દિવસ એને
ચોરીમાં મોટો દલ્લો મળે નહીં. ઘરમાં હાંલ્લા કુસ્તી કરતાં હોય. એક દિવસ એની મા
મહેણું મારે કે ફટ મૂઆ, કેવું નસીબ લઇને આવ્યો છે? એક કામ સરખું કરી શકતો નથી? એ
દિવસે એ નક્કી કરે કે કોઇ ધનિકના નસીબની ચોરી કરવી. એ એક ધનિકના ઘરમાં ઘૂસે અને
એનું નસીબ ચોરીને ભાગે. પોલીસ એની પાછળ પડી જાય. એ એક બિલ્ડીંગમાં ઘૂસે. એ
બિલ્ડીંગમાં ચોર-પોલીસની વચ્ચે પકડદાવ રમાય. એમાંથી જે કંઇ ટ્રેજેડી-કોમેડી સર્જાય
એની ફિલ્મ.
વાર્તા પૂરી કરીને મેં ઊંચું જોયું ત્યારે બાપ-દીકરા બંને
મારી સામે એકીટશે જોઇ રહ્યા હતા. મેં મોબાઇલ બાજુએ મૂકીને એક ગ્લાસ પાણી પીધું.
ભાઇ મારી સામે એકીટશે જોઇ રહ્યો હતો. અસલમ ખાને આમતેમ જોયું, દાઢી ખંજવાળી. ઊભા થઈને એમણે ઓરડામાં બે આંટા માર્યા અને છેવટે ભાઈની સામે
ઊભા રહ્યા. ભાઇ બોલ્યો, “ડેડી, હું આ ફિલ્મ કરું છું.”
“અરે!” અસલમ ખાને કહ્યું, “બેટા, આ વાર્તામાં તારા માટે શું
છે?”
“એ હું કંઇ ના જાણું. મને તો આ છોકરાનો ચહેરો પસંદ પડી ગયો
છે. કિતના માસૂમ ચેહરા હૈ ઇસ કા! ગોલીબાર, આઇ લવ યુ. મૈ યહ ફિલ્મ કરુંગા.”
અસલમ ખાને મને પૂછ્યું, “તમે ભાઇ માટે આવી વાર્તા લખી છે?
એની એક પણ ફિલ્મ તમે જોઈ છે ખરી?”
હું આવેશમાં આવી ગયો. “સર, તમે શું
ઈચ્છો છો? શું ભાઈ આખી જિંદગી ઝાડની આસપાસ ફૂદડી ફર્યા કરે? શું ભાઇ ફિલ્મોમાં
હંમેશા કોઇ ચંદા કે મંદાને પામવા ગલીઓમાં ગુંડાગીરી કર્યા કરે? કપડાં ધોવાનાં સાબુ
અને પ્રેસર કુકરની જાહેરાત કરતાં વાહિયાત ગીતો ગાયાં કરે? શું ભાઇ હંમેશા
ગાંડાઘેલાં માણસના કિરદાર જ કર્યા કરશે? શું ભાઇને હક નથી એકાદ અર્થપૂર્ણ રોલ
કરવાનો? શું ભાઇ એકાદ એવી ફિલ્મ ના કરી શકે જે ઓસ્કાર એવોર્ડ જીતી લાવે?”
પિતા-પુત્ર બંને સ્તબ્ધ થઇને મને જોઇ રહ્યાં.
થોડી વારે અસલમ ખાન બોલ્યા, “મહેરબાની કરીને તમે ટેબલની
કિનાર છોડી દો, અને શાંત થઇને બેસી જાવ.”
મને ખબર જ ના પડી કે ક્યારે હું ઊભો થઇ ગયો હતો અને મેં
કેટલું આક્રોશભર્યું ભાષણ કર્યું હતું. શરમાઇને હું પાછો ખુરસીમાં બેસી ગયો.
ભાઈ મારી પાસે આવ્યો, બેઉ હાથે મારું મોં પકડીને મારા બંને
ગાલે એણે ચુંબન કર્યા. “તૂ જોરદાર બોલતા હૈ. મુઝે તેરેસે ટ્રેનિંગ લેની પડેગી. આઇ
લવ યુ.”
અસલમ ખાન કંઇ બોલ્યા વિના ઓરડાની બહાર જતા રહ્યા.
“બેટા ગોલીબાર, તૂ ફિકર મત કર. ડેડી ના બોલેંગે તો મૈં ઘર
છોડ દૂંગા. તેરે પાસ આ કર રહુંગા. કુછ ભી કર કે, ચોરી કર કે, ડાકા ડાલ કે ભી યહ
પિક્ચર હમ બનાયેંગે.”
હું ગભરાઇ ગયો. માંડ માંડ હું મારું ગાડું ગબડાવું છું અને
ઉપરથી આ મારે માથે પડયો તો? મેં કહ્યું, “ભાઇ, હું નાલાસોપારામાં વનરૂમ કિચનમાં
ભાડેથી જેમ તેમ રહું છું. રાત્રે સૂઈ જાઉં છું ત્યારે માથું હોલમાં અને પગ કિચનમાં
હોય છે.”
એક માણસ ભાઇને બહાર બોલાવી ગયો. બીજો એક માણસ
ચા-પાણી-બિસ્કીટની ટ્રે લઈને આવ્યો. મને ખબર પડતી ન હતી કે બાપ-દીકરા બહાર શું
ચર્ચા કરે છે. મારું હ્રદય ધીમે ધીમે બેસવા લાગ્યું. મને થયું કે હ્રદય પૂરેપૂરું
બેસી જાય એ પહેલાં હું ચા તો પી લઉં. મેં ચાનો એક ઘૂંટ લીધો ત્યાં બાપ-દીકરા
ઓરડામાં આવ્યા.
અસલમ ખાને કહ્યું, “ગોલીબાર, તમારી વાર્તા સારી છે, પણ
ફિલ્મ માટે એમાં થોડાંક ફેરફાર કરવા પડશે. તમે એના માટે તૈયાર છો?”
“હા, હા, હાસ્તો વળી!”
“સરસ.” એમણે ખીસામાંથી રૂપિયા એક હજાર એક રોકડા કાઢીને મને
આપ્યા અને બોલ્યા, “ગોલીબાર, મુબારક હો! તમે અમારી જોડે ફિલ્મ કરી રહ્યા છો. જતી
વખતે ઓફિસમાં તમારો ફોન નંબર અને આધાર કાર્ડની ઝેરોક્સ આપતા જજો. કોન્ટ્રાકટ તૈયાર
થઇ જાય એટલે તમને ઓફિસમાંથી ફોન આવશે.”
* * *
મારા પગ જમીન પર રહેતાં ન હતાં. અસલમ ખાને મને કડક સૂચના
આપી હતી કે મારે હમણાં વાત બહાર પાડવાની નથી. મેં અસંખ્ય લોકોને કારણ વિના આલિંગન
આપ્યાં, કેટલાંય લોકોને “આઇ લવ યુ” કહ્યું. એક સાંજે તાત્યાને એ લુઢકી જાય એટલો
શરાબ પીવડાવ્યો. પ્રીતિને તો મેં ઊંચકીને ગોળ ગોળ ફેરવી હતી. મરીન ડ્રાઇવ પર
તમાશબીનોનું ટોળું ભેગું થઇ ગયું હતું. “બસ, એમ સમજ કે શિરડીના સાંઇબાબા મારી પર પ્રસન્ન
થઇ ગયા છે!” મેં પ્રીતિને કહ્યું
હતું.
ફિલ્મના કરાર થયા પછી મેં છાપાંની નોકરી છોડી દીધી.
નાલાસોપારા છોડીને હું ગોરેગામ રહેવા આવી ગયો. એક સેકન્ડહેન્ડ બાઇક મેં ખરીદી
લીધી. અનુકૂળ હોય ત્યારે હું પ્રીતિને એની ઓફિસે લેવા-મૂકવા જવા માંડયો. પ્રીતિની
નજરમાં મારું સ્થાન હવે ઊંચકાયું.
ડેડીએ—અસલમ ખાનને સહુ ડેડી કહેતા હતા—પહેલી જ મિટીંગમાં એક
યુવાન જોડે મારી મુલાકાત કરાવી. “ગોલીબાર, આ મિ. નટરાજન છે. એ પણ તમારી જેમ સરસ
રાઈટર છે.”
મેં ઊભા થઇને એ નવા આદમી જોડે હાથ મેળવ્યા.
“તમે બંને જણા મળીને ફિલ્મના સ્ક્રીનપ્લે અને ડાયલોગ લખશો.”
પછી એમણે એને પૂછ્યું, “નટુ, કૈસી લગી યહ રાઈટરસાહબ કી ચોરવાલી કહાની?”
“એકદમ અચા! બો’ત અચા!” નટુએ મારી જોડે ફરીથી હાથ મેળવ્યા.
“આઇ લવ યોર સ્ટોરી. વેરી ગુડ! વેરી વેરી ગુડ!”
મને જરાક વિચીત્ર લાગ્યું. મેં પૂછ્યું, “ડેડી, આ ભાઇનું
હિન્દી--”
“ડોન્ટ વરી. તમને બંને ચર્ચા કરો, એ ઇંગ્લીશમાં લખશે, તમારે
હિન્દીમાં લખવાનું.”
તાત્યાનું મરાઠીમાંથી ગુજરાતી કરતાં કરતાં માંડ છૂટયો હતો
ત્યાં હવે આ ભાઇનું અંગ્રેજીમાંથી હિન્દી કરવાનું?
મેં કહ્યું, “ડેડી, વાર્તા મારી છે, આ ભાઈ મને શું આઈડિયા
આપશે?”
ડેડી બોલ્યા, “અરે! ફિલ્મ લખવા બે જણા હોય તો ઘણું સરળ પડે
છે! ને આ ભાઈ તો તમિલ ફિલ્મોના અનુભવી અને પ્રોમિસિંગ રાઈટર છે! તમને એમની પાસેથી
ઘણું શીખવાનું મળશે!”
* * *
ભાઇની બાન્દ્રા ખાતેની ઓફિસમાં અમને એક ઓરડો ફાળવવામાં
આવ્યો હતો. નટરાજન વિચિત્ર માણસ હતો. ટેબલના એક ખૂણે એકલો એકલો એ ચેસ રમ્યા કરતો.
અચાનક એ વાર્તા વિષે બોલવા માંડતો. એનું હિન્દી ભાંગફોડિયું હતું તો મારું
અંગ્રેજી પણ તબલાંતોડ હતું. બે-ત્રણ બેઠક પછી પણ અમારી ગાડી પાટા પર ચડી ન હતી.
સોશિયલ મીડિયામાં મારી પહેલી ફિલ્મ વિષે લખવાની મને ખૂબ જ
ચળ ઊપડી હતી પણ ફિલ્મના નિર્માતાઓ જોડે થયેલા કરાર મુજબ એ લોકો લીલી ઝંડી ના બતાવે
ત્યાં સુધી હું કંઇ લખી શકતો ન હતો. એટલામાં ફિલ્મના પ્રચારવિભાગે પોતાનું કામ શરુ
કરી દીધું. ફિલ્મ વિષે પહેલી વાર પ્રચાર માધ્યમોમાં જાહેરાત આ રીતે થઇ:
“સમશેર ખાન પ્રોડક્શનની નવી ફિલ્મમાં શું છે? એક ચોર કરે છે
કોઇના કિસ્મતની ચોરી!”
કમનસીબી એ થઈ કે એક જણે દાવો કર્યો કે એની વાર્તાની મેં
ચોરી કરી છે. એ બીજું કોઈ નહીં તાત્યા હતો. ડેડીએ અમને ઓફિસમાં સામસામે બેસાડયા.
મારી સામે જોયા વિના તાત્યાએ ડેડીને કહ્યું, “સર, એક વરસ
પહેલાં મરાઠી રંગભૂમિ પર ભજવાયેલા મારા એક નાટકની વાર્તા આ માણસે તફડાવી છે.”
“અરે તાત્યા! શરમ કર!” મને ગુસ્સો આવી ગયો. “ચોરી પર
સીનાજોરી?” મેં કહ્યું, “ડેડી, મૂળ આઈડિયા મારો છે. એક નાટયશિબિરમાં “કિસ્મતની
ચોરી” નામનું એકાંકી લખીને મેં ભજવેલું. એ શિબિરમાં આ તાત્યા પણ હતો. મારો આઈડિયા
ચોરીને એણે મરાઠી ભાષામાં ફૂલલેન્થ નાટક લખી નાખ્યું. ત્યારે એ નાટક ફ્લોપ થઇ ગયેલું
એટલે મેં કોઈ ઇસ્યુ બનાવ્યો નહીં. હવે એ જ આઈડિયા પરથી ફિલ્મ બનવા લાગી એટલે આ ભાઈ
હકદાવો કરવા આવી ગયો!”
ડેડીએ તાત્યાને પૂછ્યું, “ભાઇ, તમારે શું કહેવાનું છે?”
તાત્યાએ એના બગલથેલામાંથી નાટકની ટાઇપ કરેલી સ્ક્રીપ્ટ,
નાટકની જાહેરખબરનું કટિંગ, રિહર્સલ્સનાં ફોટા, નાટકની ટીમ સાથેના એનાં પોતાના
ફોટા, શો સમયે નાટ્યગૃહની બહાર મૂકાયેલાં પાટિયાનો ફોટો વગેરે બધું કાઢીને
બતાવ્યું.
ડેડીએ મને પૂછ્યું, “ગોલીબાર, તમારી પાસે કોઇ પુરાવો છે?”
મેં કહ્યું, “ડેડી, ચાર-પાંચ એકટરો વચ્ચે આઈડિયા ડિસ્કસ કરેલો.
સંવાદો બોલાતાં ગયાં અને એકાંકી ભજવાતું ગયું. એકાંકી લખાયું જ ન હતું. મારી પાસે
કોઇ પુરાવો નથી.”
ડેડીએ નટરાજનને પૂછયું, “નટુ, આપ ક્યા બોલતે હો?”
થોડીક આનાકાની પછી નટરાજન બોલ્યો, “ડેડી, યે દોનોં આદમીને બો’ત
મહેનત કિયા! હમ તીનો મિલકે ફિલ્મ લિખેંગે.”
* * *
તમિલ, મરાઠી, અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓનાં ત્રણ લેખકો
હિન્દી ભાષામાં એક ફિલ્મ લખવા ભેગાં થયાં હતાં! આ વાત જ અપને આપમાં એક મોટી
ટ્રેજી-કોમેડી હતી. અમે ત્રણે લેખકો સેટ પર હાજર રહેતાં. તાત્યા ખૂબ દોડાદોડી
કરીને સહાયક દિગ્દર્શકો ચીંધે એ બધું કામ કરતો. પણ હું મુખ્ય લેખક તરીકે ગંભીર
મોંએ એક તરફ બેસી રહેતો. નટુને તો જાણે કંઇ લેવાદેવા ના હોય એમ કોઈકને પકડીને ચેસ
રમ્યા કરતો. કોઈ ના મળે તો એકલો એકલો રમતો. પ્રીતિ એક-બે વાર શૂટિંગ જોવા આવી. ખબર
નહીં એણે શું ચક્કર ચલાવ્યું, એક દિવસ એ ફિલ્મની કોસ્ચ્યુમ ડિઝાઈનરની સહાયક બની
ગઇ!
છ મહિના પછી દક્ષિણ મુંબઈના ભવ્ય થિયેટર મરાઠા મંદિરમાં
ફિલ્મના પ્રીમિયર શોમાં અમે ચારે બનીઠનીને ગયા. મીડિયાના ફોટોગ્રાફરોના કેમેરા ઝબ
ઝબ ઝબૂકતાં રહ્યાં અને અમે સહુ સાતમા આકાશમાં વિહરી રહ્યાં. ભાઇની ફિલ્મ એટલે આખું
બોલીવુડ મરાઠા મંદિરના આંગણે ઊમટી પડ્યું હતું. એમાં અમારા જેવા નવા નિશાળીયાઓને
કોણ પૂછે? પણ થોડી વારમાં ફિલ્મના લેખકો તરીકે અમારું નામ જાહેર થશે એટલે આ બધાં
વળી વળીને અમને જોવા માંડશે એમાં મને કોઈ શંકા ન હતી. તાત્યા ખૂબ ઊંચો-નીચો થતો
હતો. હું ધીરજ રાખીને બેઠો હતો. નટુ એના જેવા લુંગીવાળા ગામડિયા તામિલિયનો જોડે
ખુશ હતો.
ફિલ્મ શરુ થઇ. ક્રેડિટ લિસ્ટ રોલિંગ થવા માંડ્યું અને હું
જીવ હથેળીમાં લઇ આંખો ફાડીને સ્ક્રીન પર જોઇ રહ્યો.
અમારું કોઇનું નામ જ આવ્યું નહીં!
* * *
“તમે એમ કહો છો કે ફિલ્મમાં લેખકોને ક્રેડિટ નથી મળી?”
ડેડીએ પૂછ્યું.
ફિલ્મના આરંભ અને અંતમાં આવતી કાસ્ટ એન્ડ ક્રેડિટ યાદીમાં
અમારું કોઈનું નામ નથી એ મુદ્દે પ્રીમિયર પછી ડેડીને ફરિયાદ કરેલી ત્યારે અઠવાડિયા
પછી ફોન કરીને આવજો એવું એમણે કહેલું. એ પ્રમાણે નટુ, તાત્યા અને હું એમ ત્રણે
ડેડીની ઓફિસમાં ગયાં હતાં.
દીવાલ પર લાગેલા સ્માર્ટ ટીવી પર ડેડીએ ફિલ્મની ડીવીડી શરુ
કરી. નામાવલિ શરુ થઈ પછી એક જગ્યાએ એમણે ફિલ્મ પોઝ કરી. અમે વાંચ્યું: સ્ટોરી:
ઇ.એન.ટી.એન. સ્ક્રીનપ્લે અને ડાયલોગ: સમશેર ખાન ફિલ્મ્સ સ્ટોરી ડીપાર્ટમેન્ટ.
“આ ઇએનટીએન કોણ છે?” હું અને તાત્યા સાથે જ બોલ્યા.
“એરનાકુલમ નામ્બુદ્રી ત્રંબકેશ્વર નટરાજન.” ડેડી બોલ્યા.
મેં અને તાત્યાએ એકસાથે નટુ સામે જોયું. નટુ સ્મિત કરતો
હતો.
“ડેડી, આ નટુનું
નામ કેવી રીતે આવી ગયું?”
“કારણ કે મૂળ વાર્તા એની છે.” ડેડીએ કહ્યું, “ગોલીબાર, તમે
અમારી પાસે આવ્યા એની પહેલાં જ નટુ પાસેથી આ વાર્તા અમે સાંભળેલી હતી. ત્રણ વર્ષ
પહેલાં તમિલ ભાષામાં ફિલ્મ બનેલી પણ ફ્લોપ ગયેલી. પણ દેશ-વિદેશમાં નાનામોટા ફિલ્મ
ફેસ્ટિવલમાં આ ફિલ્મનું પ્રદર્શન થયાં કરે છે. સરખી રીતે બનાવાય તો આ ફિલ્મ સફળ થઈ
શકે એવું લાગતાં એની રિમેક બનાવવાનું નક્કી કર્યું. એના નિર્માતા પાસે હક્કો ખરીદી
લઈને નટુને અમે મુંબઈ બોલાવ્યો. હિન્દીમાં લખી શકે એવા લેખકને અમે શોધતાં હતાં
ત્યાં તમે સામેથી આવ્યા! તમારી પાછળ પાછળ તાત્યા પણ આવી ગયો. ગોલીબાર, હવે તમે
બોલો, તમે ક્યાં અને કયારે જોયેલી એ તમિલ ફિલ્મ?”
ધરતી મારગ આપે તો એમાં સમાઈ જવાની મને ઈચ્છા થતી હતી. મેં
કહ્યું, “બે વર્ષ પહેલાં ચેન્નાઈ જવાનું થયેલું ત્યાં એક ફિલ્મ ક્લબમાં એ ફિલ્મ જોયેલી.”
ડેડી બોલ્યા, “ગોલીબાર અને તાત્યા, તમે બંને જણા મારી પાસે
ખોટું બોલ્યા, પણ મેં ખોટું કામ કર્યું નથી. આપણી વચ્ચે થયેલું એગ્રીમેન્ટ એક વાર બરાબર
વાંચી જજો. એમાં ક્યાંય વાર્તાનો ઉલ્લેખ નથી. આ ફિલ્મના ફક્ત સ્ક્રીનપ્લે અને
ડાયલોગ માટે જ તમારી જોડે કોન્ટ્રકટ થયો છે એવું સ્પષ્ટ લખાયું છે. વળી એમ પણ
લખ્યું છે કે એ કામનો યશ તમને નહીં પણ ફિલ્મના સ્ટોરી ડીપાર્ટમેન્ટને મળશે.”
* * *
ધોયેલા મૂળા જેવો હું ત્યાંથી નીકળ્યો ત્યારે સમશેર ખાન પ્રોડક્શનની
આગામી ફિલ્મના પટકથા-સંવાદ માટે ઓફિસમાંથી ફોન આવશે એવું મને કહેવાયું હતું. હું
ફોન કરું તો “ઇન્તજાર કરો” એવો જવાબ મળતો. બાઈક કાઢી નાખી, ગોરેગામનું ઘર ખાલી
કરીને હું ફરી પાછો નાલાસોપારા રહેવા ગયો. ત્યાં પણ ઉઘરાણીવાળા જીવ ખાવા લાગ્યા
એટલે નાછૂટકે હું છાપાંની ઓફિસે ગયો.
“મારે લાયક કંઇ કામકાજ ખરું?” એવું મેં બોસના રાઈટ હેન્ડ
જિતુભાઈને પૂછ્યું. એમણે કહ્યું, “તમારી જગ્યા હજી ખાલી પડી છે, એક વાર બોસને મળી
લો.”
મને જોઇને બોસ પહેલાં તો ખૂબ હસ્યા. એટલું બધું એ હસ્યા કે
એમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. ફરી એક વાર મને થયું કે ધરતી ફાટી જાય ને હું એમાં
ગરક થઈ જાઉં. મારું મોં જોઇને ગંભીર થઈને બોસે મને સોરી કહીને ઉમેર્યું, “હા, તમારા
માટે કામ છે, બહાર જિતુભાઈને મળો.”
જિતુભાઈએ મને એક હિન્દીભાષી ફિલ્મ પત્રકારના લખાણોનું
ગુજરાતી ભાષાંતર કરવાનું કામ સોંપ્યું. તાત્યા ક્યાંય દેખાતો ન હતો. “આ તાત્યા
ક્યાં ગયો?” મેં જિતુભાઈને પૂછયું. “લે! તમને ખબર નથી?” એમણે કહ્યું, “તાત્યા તો કોઇ હિન્દી ફિલ્મમાં આસિસ્ટન્ટ
ડાયરેક્ટર બની ગયો છે!”
અને હા, પ્રીતિ હવે મારી નહીં, નટુની ગર્લફ્રેન્ડ બની ગઈ
છે. એક નસીબચોર જોડે બીજું તો શું થાય?
###
સૌજન્ય: ચિત્રલેખા, દીપોત્સવી અંક, ૨૦૨૨. (૩૧ ઓક્ટોબર-૦૭
નવેમ્બર ૨૦૨૨)
No comments:
Post a Comment