Tuesday, 7 March 2023

જિંદગી સ્વર્ગ ક્યારે બને?


 

જિંદગી સ્વર્ગ ક્યારે બને?

(૩૯૫ શબ્દો)

સંલગ્ન છબી જુઓ. આજના, બુધવાર તા. ૮ માર્ચ ૨૦૨૩ ના ગુજરાતમિત્રમાં સમાચાર પ્રગટ થયા છે કે કોર્ટના એક ચુકાદાએ નાનકડી બાળકીની જિંદગી સ્વર્ગ બનાવી દીધી!

વિગતો વાંચતા સમજાય છે કે શ્રેયા નામની એક બાળકીના પિતાનું અવસાન એક માર્ગઅકસ્માતમાં થયું અને પછી એની માતાનું અવસાન કોરોનાના કારણે થયું. બાળપણમાં જ માતાપિતા ગુમાવી બેઠેલી શ્રેયા માટે ટ્રકચાલક અને વીમાકંપની વિરુદ્ધ નુકસાનભરપાઈનો કેસ એક વકીલ પિતા-પુત્ર લડયા અને બદલામાં ૪ કરોડ ૩૦ લાખ રૂપિયા જેવી માતબર રકમનું વળતર શ્રેયાને અપાવ્યું.      

ગુજરાતમિત્ર કહે છે કે કોર્ટમાં ધારદાર દલીલોના પરિણામે અદાલતે આપેલા ચુકાદાના પરિણામે  ૧૨ વર્ષની નાનકડી બાળકીની જિંદગી સ્વર્ગ સમાન બની ગઈ છે. માતા-પિતા ગુમાવી બેઠેલી આ બાળકીના નામે  બેંકમાં ૪.૩૦ કરોડ રૂપિયા જમા થઈ જશે એટલે શું એની જિંદગી સ્વર્ગ બની જશે?

જિંદગી ખરેખર સ્વર્ગ ક્યારે બને?

બાર વર્ષની શ્રેયા માટે નિમાયેલા વાલીઓ એનો ઉછેર કેવી રીતે કરે છે એના પર શ્રેયાના ભવિષ્યનો આધાર છે. આપણે આશા રાખીએ કે અદાલત દ્વારા શ્રેયા માટે સુશિક્ષિત અને સમજદાર વાલીઓની નિમણુંક થાય.

હાલમાં મારા વતનમાં એક આવો કિસ્સો બન્યો છે. પરગામ પરણાવેલી ગામની એક દીકરી લગ્નના ફક્ત બે વર્ષમાં વિધવા બની છે. એક તરફ એને પેટે દીકરીનો જન્મ થયો અને બીજી તરફ એના પતિનું માંદગીના કારણે અવસાન થયું. સાસરિયાંમાં કોઈ જવાબદાર કુટુંબીજનનું છત્ર ના હોવાથી યુવાન વિધવા નવજાત બાળકી સાથે પિયરમાં પાછી આવી છે. પિયરમાં આ યુવાન વિધવા દીકરીના પિતા પણ હાલમાં જ અવસાન પામ્યા છે. એનો એક નાનો ભાઈ છે પણ એ અલ્પશિક્ષિત છે, સામાન્ય મજૂરી-દહાડી કરીને રોજીરોટી કમાય છે. બાળકી સાથે પિયરમાં પાછી આવેલી યુવાન વિધવા પોતે પણ અલ્પશિક્ષિત છે. એનો મૃત પતિ એટલે કે બાળકીનો પિતા પણ અલ્પશિક્ષિત હતો પણ એક ખાનગી કંપનીમાં નોકરી લેબર તરીકે કરતો હતો, એની કાયમી નોકરી હતી, પ્રોવિડન્ટ ફંડમાં નિયમિતપણે રકમ જમા થતી હતી, એટલે એના અવસાન પછી કંપનીએ વારસદાર તરીકે એની વિધવા પત્નીને કંઇક બાર-પંદર હજાર રૂપિયાનું ફેમીલી પેન્શન બાંધી આપ્યું છે. સમયાંતરે મોંઘવારી પ્રમાણે કદાચ ભથ્થામાં વધારો થતો રહેશે.

નાનકડી બાળકીએ જન્મતાંવેંત પિતા ગુમાવ્યા છે, માતાને કંપની તરફથી પેન્શન મળવાનું છે એટલાં સમાચાર જાણ્યા પછી કદીયે પાછું ફરીને નહીં જોનારા એની માતાના પિતરાઈ ભાઈઓમાં છ મહિનાની બાળકીના વાલી બનવાની હોડ ચાલી રહી છે! આ ઉપરાંત ખબર મળ્યા છે કે કેટલાંક ઉમેદવારોએ નાનકડી બાળકીની માતા એવી આ યુવાન વિધવાને લગ્નનો પ્રસ્તાવ પણ આપ્યો છે! શું આની પાછળ આ ૧૨-૧૫ હજારના માસિક પેન્શનનું આકર્ષણ હશે?  

મને વિચાર આવે છે કે કે રૂપિયા ૪.૩૦ કરોડની વારસદાર શ્રેયાનું અને બાર-પંદર હજારના પેન્શનની હકદાર મા-દીકરીનું ભવિષ્ય કેવું હશે?   

--કિશોર પટેલ, 08-03-23; 06:12

###

(સંલગ્ન છબી: આજનું,  બુધવાર તા. ૮ માર્ચ ૨૦૨૩ નું ગુજરાતમિત્ર.)  

No comments: