અખંડ આનંદ જાન્યુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૬૫૫ શબ્દો)
રોલ રિવર્સલ (સ્વાતિ મેઢ):
પુરુષપ્રધાન સંસ્કૃતિમાં એક સ્ત્રીની સંઘર્ષગાથા. શિક્ષિત
કુંદનબહેને પરણ્યા પછી જાતને ભૂલાવી દઈને પતિ અને સાસરિયાંની સેવામાં જાતને હોમી
દીધી પણ કુટુંબમાં એમની કદર થઈ નહીં. કોલેજમાં શિક્ષક એવા શિક્ષિત પતિએ કુંદનબહેનનું
હંમેશા માનસિક અને શારીરિક શોષણ કર્યું. પોતાની હયાતીમાં જ પતિએ અન્ય એક સ્ત્રીને
પરણી લાવીને પોતાને માથે બેસાડી એટલે નાની દીકરીને જોડે લઈ કુંદનબહેને પતિગૃહનો
ત્યાગ કર્યો. કાયદાના આશરે ના જતાં આત્મનિર્ભર બની પોતાનું જીવન સંભાળ્યું અને
દીકરીને ઉછેરી. મોટી ઉંમરે વિસ્મૃતિની બીમારી લાગુ પડી. પ્રસ્તુત વાર્તામાં તેઓ ઘરથી
દૂર પોતાની જાતને ભૂલીને નાનાં બાળકો સાથે રમતાં હોય એવી વાર્તાક્ષણ લેખકે પકડી
છે.
જમાપાસું: અંતમાં દીકરી પોતાની માતાની સંભાળ લેતી હોય એવું ઊભું
થયેલું દ્રશ્ય વાર્તાના શીર્ષક “રોલરિવર્સલ” ને સાર્થક કરે છે.
ઉધારપાસું: કુંદનબહેન માટે લેખક ક્યારેક માનાર્થે સંબોધન
કરે છે અને ક્યારેક તુંકારો કરે છે. આવું ના ચાલે, સંબોધનમાં એકસૂત્રતા જળવાવી
જોઈએ.
ચેતના (અરુણા અરુણ ઠક્કર):
ફેન્ટેસી. નાયિકા સ્વપ્નજગતમાં વિહરે છે. એ એક એવી
કલ્પનામાં રત છે કે જાણે પોતે એવી દુકાનમાં હોય જ્યાંથી એને પસંદ પડેલી વસ્તુઓ
જોઈએ એટલી માત્રામાં એ ઉપાડી શકે છે. મોંઘામાંના વસ્ત્રો અને સોનાચાંદીનાં ઘરેણાં
એ એક બેગમાં ભેગાં કરે છે, બેગ પણ એવી મળી છે કે ભરાતી જ નથી! છેવટે બધું એમ જ
મૂકીને નાયિકા બહાર નીકળી જાય છે, ખુલ્લી હવામાં ડુંગરા પર વિવિધરંગી ફૂલોના
બગીચામાં પતંગિયાઓ સાથે અને પંખીઓના ટહુકાઓની વચ્ચે એ રમણ-ભ્રમણ કર્યા કરે છે. છેવટે નાયિકા એવી સ્થિતિએ પહોંચે છે કે એને કોઈ
વસ્તુનો મોહ રહેતો નથી અને એટલે એ દિવ્ય ચેતના પ્રાપ્ત કરે છે.
આવો ને ગિરધારી (ચંદ્રિકા લોડાયા):
સંઘર્ષ વાર્તાનો પ્રાણ કહેવાય છે. આ વાર્તામાં સંઘર્ષ ગેરહાજર
છે. વાર્તામાં જ્યાં તક હતી ત્યાં પણ લેખક ચૂકી ગયાં છે. દીકરો માતા-પિતાને અન્યાય
કરે છે પણ એમને એનો કોઈ રંજ નથી. આમ લેખક વાર્તા બનાવતાં ચૂકી ગયાં છે.
જીવનની તડકીછાંયડી વેઠીને માબાપ દીકરાને ભણાવે છે, વિદેશ મોકલે
છે, પરણાવે છે અને અને એના સંસારમાં સ્થિર કરે છે. દીકરો અમેરિકામાં સહકુટુંબ સુખચેનથી
રહે છે પણ માતાપિતા દેશમાં હજી ભાડાના ઘરોમાં દર અગિયાર મહિને અહીંથી ત્યાં ટીચાય
છે. માતાપિતાને ઘર ખરીદી આપવાનું દીકરા પાસે બજેટ નથી! આમ દીકરા પ્રત્યે અભાવ થાય
એવા કારણો હોવા છતાં માતા-પિતાને કોઈ ફરિયાદ નથી! વાર્તા કેમ બનતી નથી એનું આ એક
અગત્યનું કારણ.
દીકરાને તો નહીં પણ લેખકને પ્રકાશભાઈ માટે સહાનુભૂતિ છે. વડીલોએ
ભૂતકાળમાં ક્યારેક વસાવેલી જમીનના કાગળિયાં લેખક પ્રકાશભાઈના હાથમાં મૂકાવે છે
જેનાં કરોડો રૂપિયા ઉપજે છે. પ્રકાશભાઈ સારી સોસાયટીમાં મોટો ફ્લેટ ખરીદે છે અને દીકરાને
વિડીયો કોલ કરીને ફ્લેટનું દર્શન કરાવીને વધામણી ખાય છે કે એમણે યુરોપ ફરવા જવાનું
આયોજન પણ કર્યું છે!
નવું ફ્રોક (કિશોર વ્યાસ):
શ્રમજીવી અને નિર્ધન માધુ મા વિનાની દીકરી માટે નવું ફ્રોક
ખરીદી શકતો નથી. દીકરીને ખુશ રાખવા માધુના મનમાં ચોરી કરવાનો વિચાર આવે છે. મુખીને
બકરી ચોરીછૂપીથી વેચવા જતાં એ પકડાઈ જાય છે ને મુખીના હાથે ઢોરમાર ખાય છે. મુખીની
પત્ની વચ્ચે પડીને માધુને માર ખાતો બચાવે છે. ચોરી પાછળનું સાચું કારણ જાણીને મુખીની
પત્ની પોતાની મૃત દીકરીના નવા નવા ફ્રોકની આખી પેટી માધુને હવાલે કરી દે છે.
વાર્તામાં ગરીબી, લાચારી, લાલચ, કરુણા અને માનવતા જેવી માનવીય લાગણીઓનું આલેખન
થયું છે.
ખલેલ (ગોરધન ભેસાણિયા):
ગામની ભાગોળે મળી આવેલા એક નિરાધાર નવજાત બાળકને ગામનું કોઈ
માણસ કાયદાની બીકે હાથ લગાવવા તૈયાર ન હતું ત્યારે મંદિરના ઓટલે પડયા રહેતા સાધુએ
એ બાળકની સુશ્રુષા કરી અને તેને જીવતદાન આપ્યું.
એ પછી ગામલોકોમાં એ સાધુ પ્રતિ ભક્તિભાવ જનમ્યો. ગામલોકો સાધુ માટે પાકી
ઓરડી બનાવી આપવાનું આયોજન કરે છે, સામાનની ખરીદીની આગલી રાતે સાધુ ગામ છોડીને અદ્રશ્ય
થઈ જાય છે. પ્રભુભક્તિમાં એને આવી સંસારિક મોહમાયારૂપી “ખલેલ” જોઈતી ન હતી.
અવસ્થા (મોના જોશી):
રજૂઆત રસપ્રદ છે પણ આ વાર્તામાં કહેવાયેલી વાત વિવાદાસ્પદ
છે. સભાનતાપૂર્વક એક અવસ્થા પ્રાપ્ત કરવી એક વાત છે અને શારીરિક/માનસિક રીતે
વિસ્મૃતિના શિકાર બનવું બીજી વાત છે.
લઘુકથા:
વાતનો વિસામો (પ્રજ્ઞા પટેલ):
ગામનાં રખડતાં મૂંગા જીવોને આશરો આપતાં મધુબા નામનાં એક
વરિષ્ઠ મહિલાની વાત.
--કિશોર પટેલ, 16-03-23; 10:02
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ
નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ
થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment