પરબ જાન્યુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૨૮૬ શબ્દો)
ચકરાવો (ગોરધન ભેસાણિયા):
દામો જુએ છે કે ખેતીમાં કાળી મજૂરી કરીને માંડ રોટલા ભેગાં
થવાય છે જયારે બાવાઓને મફતમાં મળી રહે છે. લાલચમાં આવીને દામો ઘર-બાર, માબાપ અને
પત્નીને છોડીને બાવાઓની જમાતમાં દાખલ થઈ જાય છે. મોટા બાવાઓની ચાકરી કરવાનાં કામથી
માંડીને છેવટે બીજા એક ગામમાં એણે ખેતરમાં પંખી ઉડાડવા પડ્યાં, જે કામ એ પોતાનાં
ખેતરમાં પહેલાં પણ કરતો હતો. એણે જે ઘરવાળીએ એણે છોડેલી તે બીજી વાર પરણીને એ
ગામમાં હતી, એ દામાને સંભળાવે છે કે અલ્યા, આ જ કામ કરવું હતું તો ઘેરથી ભાગ્યો હતો
શું કામ? જે હતું એ શું ખોટું હતું? મા-બાપને રખડાવ્યાં ને બૈરીને બે ભવ કરાવ્યાં,
ફાયદો શું થયો?
દામાનો “ચકરાવો” પૂરો થાય છે. આમ વાર્તાનું શીર્ષક અહીં
સાર્થક થાય છે. વાર્તામાં સંદેશ એ છે કે પૂરતો
વિચાર કર્યા વિના સાહસ ના કરવું, માણસ નથી રહેતો ઘરનો કે ના ઘાટનો!
સમય, તું થોભી જા! (મૂળ મરાઠી વાર્તા: માધુરી
શાનભાગ, અનુવાદ: કિશોર પટેલ):
સાયન્સ ફેન્ટેસી વાર્તા.
માણસનું યૌવન લાંબો સમય ટકાવી રાખવાના પ્રયોગોમાં પ્રો.
પટવર્ધન લગભગ સફળતા પ્રાપ્ત કરી લે છે. એમની પત્ની સીમાબહેનને લાગે છે કે આવી શોધ તો
માનવજાત માટે હાનિકારક છે. કોઈ માણસ લાંબુ જીવે તો એના પછીની પેઢીને તક ક્યારે મળે?
વળી આવી શોધ કોઈ લેભાગુ નેતા/વૈજ્ઞાનિકના હાથમાં આવી જાય તો એનો દુરુપયોગ થઈ શકે.
સંપૂર્ણ માનવજાતના ભલા માટે સીમાબહેન એક જોખમી પગલું ઉપાડે છે જે પતિદ્રોહ કહી
શકાય એવો અપરાધ પણ છે.
આ વાર્તા વિષે વધુ કંઈ કહેવું અનુચિત છે કારણ કે આ અનુવાદ આ
લખનારે જ કર્યો છે.
--કિશોર પટેલ, 17-03-23; 10:10
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ
નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ
થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment