વાર્તાઓનું પુનઃપ્રકાશનઃ કેટલું યોગ્ય, કેટલું અયોગ્ય?
(૧૧૬૯ શબ્દો)
અખંડ આનંદ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૩ દિપોત્સવી અંકની વાર્તાઓ વિશેની મારી નોંધ મેં ગઈ કાલે આ પ્લેટફોર્મ પર મૂકી હતી. એમાં રજનીકુમાર પંડ્યાની વાર્તા “ટેક્સાસ” વિશેની ટિપ્પણી જોડે મૂકાયેલી વિશેષ નોંધમાં મેં લખ્યું હતું કે આ વાર્તા વાંચતા મને કશુંક ક્લિક થયું.
ક્લિક એ થયેલું કે આ વાર્તા તો અગાઉ કયાંક વાંચી છે. તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ વાર્તા “ગુજરાત ૨૦૨૧ દિપોત્સવી અંક”માં પ્રગટ થઈ ચૂકી છે. (પૃ ૧૮૩ અને પૃ ૧૮૪) (જુઓ સંલગ્ન છબીઓ)
એ વાર્તાનું શીર્ષક હતુઃ “પેટ્રોલનો કૂવો”. હાલમાં અખંડ આનંદ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૩ દિપોત્સવી અંકમાં પ્રગટ થયેલી વાર્તાનું શીર્ષક છેઃ “ટેકસાસ” . આ શીર્ષકને જસ્ટિફાય કરવા વાર્તાના અંત ભાગમાં અમેરિકાના ટેક્સાસ રાજ્યનો ઉલ્લેખ થયો છે જ્યાં કોઈક સમયે પેટ્રોલના સંખ્યાબંધ કૂવા મળી આવ્યા હતા.
આટલા ફરક સિવાય સંપૂર્ણ વાર્તા શબ્દસઃ એમની એમ છે.
*
સામાન્ય રીતે આપણાં સામયિકો એવો આગ્રહ રાખતા હોય છે કે લેખકોએ મોકલેલી વાર્તા મૌલિક અને અપ્રગટ હોવી જોઈએ.
અહીં આપણે જોઈ શકીએ છીએ કે લેખકે ફક્ત શીર્ષક બદલીને એ શીર્ષકને યોગ્ય ઠેરવતો ઉલ્લેખ વાર્તામાં ઉમેરીને એક વાર પ્રગટ થયેલી વાર્તા બીજી વાર પ્રગટ કરાવી છે.
એકથી વધુ વખત વાર્તાઓના પુનઃ પ્રકાશનના તેમ જ ઉઠાંતરીના મામલાઓ કિસ્સા મારા ધ્યાનમાં આવ્યા છે અને જે તે સમયે એ વિશે મેં જરુર લખ્યું છે.
રજનીકુમાર પંડ્યા આપણા ગુજરાતી સાહિત્યજગતના આદરણીય અને વરિષ્ઠ વાર્તાકાર છે. વળી આ લખનાર એમને એકાદ-બે વાર રુબરુ મળી ચૂક્યા છે, ટેલિફોન પર પણ એમની જોડે એકથી વધુ વખત વાતો થઈ છે.
સામયિકોમાં પ્રગટ થતી ટૂંકી વાર્તાઓની નોંધ નિયમિતપણે લેવાનો ઉપક્રમ આ લખનારે શરુ કર્યો એની નોંધ લેનાર અને બિરદાવનાર સૌપ્રથમ જાણીતી વ્યક્તિ / વરિષ્ઠ વાર્તાકાર કોઈ હોય તો એ છે રજનીકુમાર પંડયા સ્વયં.
પણ માત્ર એટલા માટે હું અપવાદ કરી શકું નહીં. તેઓ મારાથી ફક્ત એક ફોનકોલ દૂર કહેવાય. વળી આવો કિસ્સો કોઈનો પણ હોય, જાણીતા હોય કે અજાણ્યા, બને ત્યાં સુધી બંને પક્ષની રજૂઆત હું ધ્યાનમાં લેતો હોઉં છું.
આ વિશે રજનીકુમાર પંડ્યાસાહેબ જોડે ફોન પર મારી વાત થઈ.
સૌપ્રથમ તો એમણે સ્વીકારી લીધું કે હા, આવું થયું છે. એક જ વાર્તા બીજી વાર પ્રસિધ્ધ થઈ છે. પરંતુ એ સાથે જ એમણે કહ્યું કે વાર્તા અપ્રગટ જ હોવી જોઈએ એવા નિયમની એમને જાણ નથી. “એવું ક્યાં લખ્યું હોય છે?” એમણે મને પૂછ્યું હતું.
બીજી વાત એમણે એ કહી કે આપણે ફિલ્મી ગીતો ફરી ફરી સાંભળતા નથી? સારી વાર્તાઓ ફરી ફરી વાંચી ના શકાય?
ત્રીજી વાત રજનીકુમારજીએ એ કહી કે દરેક સામયિકનો વાચક વર્ગ જુદો જુદો હોય છે. એક વાર્તા એકથી વધુ સામયિકમાં પ્રગટ થાય તો કંઈ ખાસ ખાટુંમોળું થતું નથી. એમણે ઉમેર્યું કે હા. વાર્તાઓના પુનઃ પ્રકાશન વચ્ચે ચોક્કસ સમયગાળો હોવો જોઈએ.
છેલ્લે એમણે કહ્યું કે લગભગ બધાં જ સામયિકો (લગભગ દસ-બાર) તરફથી દર વર્ષે દીવાળી વિશેષાંકો માટે વાર્તા મોકલવાનું એમને આમંત્રણ મળતું હોય છે. એમણે એમ પણ કહ્યું કે તેઓ ૮૬ વર્ષના થયા, આ ઉંમરે પોતે નવું નવું ક્યાંથી લાવે?
*
સૌ પ્રથમ એક સ્પષ્ટતા હું કરીશ કે હું કોઈને આરોપીના પિંજરામાં ઊભા કરતો નથી. શું બન્યું છે શા માટે બન્યું છે એ સમજવા માંગતો હોઉં છું.
આ મુદ્દા વિશે મારા વિચારો હું રજૂ કરીશ.
૧. લગભગ બધાં જ સામયિકો એવો આગ્રહ રાખે છે કે લેખકે મોકલેલી કૃતિ મૌલિક અને અપ્રગટ હોય. મોટા ભાગે સામયિકના શરુઆતના પાનાં પર જ આવી સૂચનાઓ છપાયેલી હોય છે. કેટલાંક ફેશનેબલ સામયિકો વળી આવું લખતાં/છાપતાં નથી પણ એવો આગ્રહ તો ચોક્કસ રાખતા હોય છે. કલ્પના કરો કે આવો નિયમ ના હોય અને સર્વત્ર ફરી ફરી એની એ વાર્તાઓ છપાયા કરતી હોય તો કોણ સામયિક ખરીદશે અને કોણ એનું એ વાંચશે? કેટલી અરાજકતા વ્યાપી જાય!
રજનીકુમારજી એમ કહેતા હોય કે આવા કોઈ નિયમની એમને જાણ નથી તો એ ખરેખર આશ્ચર્યની વાત છે.
૨. વર્ષ ૧૯૯૫-૯૬ દરમિયાન હું ગુજરાતી મિડ-ડે માં નાટ્યસમીક્ષાની અઠવાડિક કટાર લખતો હતો. એ દિવસોમાં ગુજરાતી મિડ-ડે ના તંત્રીશ્રી હતા જનક શાહ અને એમના ડેપ્યુટી હતા આજના વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા. એ દિવસોમાં મિડ-ડે માં પ્રગટ થતી ધારાવાહિક નવલકથા સમાપ્ત થઈ હતી અને નવી નવલકથાના હપ્તા જે તે લેખક પાસેથી હજી આવ્યા નહોતા. રમેશભાઈ જાણતા હતા કે હું વાર્તાઓ પણ લખું છું. શનિવારનું પાનું સાચવી લેવા રમેશભાઈએ મારી પાસે વાર્તા માગી. મારી પાસે વાર્તા તૈયાર નહોતી. મેં રમેશભાઈને જવાબ આપ્યો કે મારી પાસે વાર્તા રેડી નથી. હા, જો ચાલે એમ હોય તો સાત-આઠ વર્ષ પહેલાં પ્રગટ થયેલી એક સારી વાર્તા આપું. તમે વાર્તા જોડે ફૂટનોટ મૂકી શકો કે સૌજન્ય ફલાણું સામયિક.
દોઢ-બે વર્ષ પછી ફરીથી એ જ રીતે ગુજરાતી મિડ-ડે ને એક વાર્તાની જરુર ઊભી થઈ હતી. એ વખતે પણ મેં ઓલ ઈન્ડિયા રેડિયો પરથી પ્રસારિત થઈ ચૂકેલી વાર્તા એમને આપી હતી, અલબત્ત, સત્ય હકીકતની જાણ કરીને.
ટૂંકમાં કોઈ પણ સંજોગોમાં વાચકને/ કોઈને પણ છેતરાયાની લાગણી થવી જોઈએ નહીં.
૩. સારી વાર્તાઓનાં પુનઃ પ્રકાશન અંગે ચોક્કસ નીતિ ઘડાવી જોઈએ.
(ક) બંને સામયિક જુદા જુદા હોવા જોઈએ.
(ખ) બે પ્રકાશન વચ્ચે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો ગાળો હોવો જોઈએ.
*
મેં સાંભળ્યું હતું કે કેટલાક વરિષ્ઠ વાર્તાકારો જૂની વાર્તાઓ રિસાયકલ કરતા હોય છે. મારા માનવામાં આવ્યું નહોતું.
હજી બીજો કિસ્સો જાણી લો. આ કિસ્સાના નાયક પણ બીજા એક નામચીન લેખક છેઃ મધુ રાય.
નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૧ દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલી મધુ રાયની વાર્તાઃ “રાજધાની એક્સપ્રેસ” આ વર્ષના ગુજરાત દીપોત્સવી અંક ૨૦૨૩ માં શબ્દસઃ પુનઃ પ્રકાશિત થઈ છે. આ સાહેબે તો શીર્ષક એનું એ રાખ્યું છે! કૌન દેખતા હય ભલા?
*
એક જ વાર્તા આમ એકથી વધુ વાર પ્રકાશિત થાય એ બાબત ત્રણે વિભાગના લોકોએ મનોમંથન કરવું રહ્યું. ત્રણ વિભાગ એટલે : લેખક, પ્રકાશક અને વાચક.
લેખક : લેખકે સ્પષ્ટ હોવું જોઈએ કે જો તેઓ પોતાની વાર્તા પુન પ્રકાશન માટે મોકલે છે તો તેવું તે કેમ કરી રહ્યા છે. સામયિક દીઠ વાચક વર્ગ બદલાઈ જાય છે ઉપરાંત સમય અનુસાર પણ વાચક બદલાય છે. વળી વાર્તાકારને ગુજરાતી સામયિકો એવો કોઈ તોતિંગ પુરસ્કાર આપતા નથી કે લેખક બે વાર વાર્તા છપાવી મોટો લાભ ખાટી જાય. કોઈ પણ લેખકની અપેક્ષા હોય છે કે તેની કૃતિ વધુ લોકો સુધી પહોંચે. માટે આમ વાર્તા પુન પ્રકાશિત કરવા બદ્દલ લેખકે કોઈ ગુનાહિત ભાવ રાખવો ન જોઈએ. બલકે તંત્રીને અગાઉના પ્રકાશન બાબત માહિતી આપી વાર્તા પ્રકાશિત કરવા આપવી જોઈએ. જો તમે એવું નથી કરતા તો એનો અર્થ એમ જ થાય કે તમે છેતરપીંડી કરો છો, વાચક સાથે, તંત્રી સાથે અને સરવાળે પોતાની જાત સાથે.
પ્રકાશક : એટલે કે વાર્તા છાપનાર તંત્રી/
સંપાદક. જ્યારે કોઈ સંપાદક વાર્તા
અપ્રકાશિત હોવી જોઈએ’ એવો આગ્રહ રાખે ત્યારે એ બાબતની સ્પષ્ટતા હોવી જોઈએ કે
કોઈ લેખક પાસે આવી અપેક્ષા રાખવા સામે તેઓ વળતર કેવું અને કેટલું આપે છે. જે વળતર
આપે છે એમાં આવી અપેક્ષા કેટલી ઉચિત એ વિચારવું રહ્યું. ‘ અમે છાપીએ છીએ એ અમારી
મહેરબાની છે’ એવા મિથ્યાભિમાન મા રાચવું ન જોઈએ. દરેક સામયિક સાહિત્ય પ્રસાર અને
સાહિત્ય વાચનની એક કડી છે, એક નાનકડો હિસ્સો છે, ન કે અપને આપમાં ગુજરાતી
સાહિત્યનું એકમેવ પ્રતિનિધિ. કોઈ પણ સામયિક ગુજરાતી સાહિત્યની એકહથ્થુ
ઈજારાશાહી ધરાવતું નથી માટે એની અપેક્ષાઓ અને પૂર્વશરતો પણ એટલા મહત્વાકાંક્ષી ન
હોવા જોઈએ.
વાચક : જો કોઈ વાર્તા એમને જુદા શીર્ષક સાથે વાંચવા મળે તો ઉક્ત મુદ્દાઓ ધ્યાનમાં રાખી લેખકને દોષી કે લેભાગુ ગણવું ટાળવું જોઈએ.
ઉર્દુ ભાષાના જાણીતા લેખક રાહી માસુમ રઝાએ એકવાર કહ્યું હતું કે “જે ભાષા પ્રજાને રોજગારી ન અપાવી શકે એ ભાષા આખરે મરી જાય છે.” – આ નિરીક્ષણમાં ઘણી ઊંડી વાત છે. વિચારજો.
મિત્રો, વાર્તાના પુનઃ પ્રકાશનના આ મુદ્દા વિશે પોતાનાં વિચારો નીચે કમેન્ટબોકસમાં રજૂ કરી શકે છે.
--કિશોર પટેલ, 08-11-23 12:45
* * *
No comments:
Post a Comment