શબ્દસૃષ્ટિ ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ
(૩૯૫ શબ્દો)
અંજળપાણી (ડો.ભરતસિંહ હરિશ્ચંદ્ર બારડ)
પત્ની જોડે પાશવી વ્યવહાર કરતો આદમી થોડાક રુપિયા માટે
દીકરીનો સોદો કરી નાખે છે. લાચાર માતા દીકરીનો બચાવ કરી ના શકવાથી કૂવામાં ઝંપલાવી
આત્મહત્યા કરે છે. કરુણાંત વાર્તા. ગ્રામ્યપ્રદેશની કડવી વાસ્તવિકતા પર પ્રકાશ.
ભારોભાર કરૂણ રસનું સુરેખ આલેખન.
ખોળો (જી.યુ. સૈયદ, “બાબુ”)
કોરોનાના પગલે વાહનવ્યવહાર
બંધ પડી જવાથી પગપાળા લાંબો પ્રવાસ કરીને યુવાન ગામડે પાછો ફરે છે. પૌત્રને જોઈને
દાદીને થયેલી ખુશી ક્ષણજીવી નીવડે છે. કોરોનાકાળની એક કરુણાંતિકા.
ઘૂમટો (મોના આર. જોશી)
ગેરસમજણની શિકાર
બનેલી નાયિકા.
બહેનપણીઓની વાતમાં
આવી જઈને ચારૂએ લગ્નની પહેલી રાતે પોતાના સ્વભાવ વિરુધ્ધ બોલ્ડ અવતાર ધારણ કર્યો
અને પતિએ એને છૂટાછેડાની નોટિસ મોકલી દીધી!
પોતાને થયેલા કડવા
અનુભવ પછી ચારુ નણંદને સાવધ કરે છે કે પોતે કરી એવી ભૂલ એ ના કરે.
તદ્દન બારીક તંતુ પર
વાર્તા રચવામાં આવી છે. છેક આવું ના હોય. આવું બની શકે પણ કોઈ એક જ અનુભવે આમ
છૂટાછેડાનો અંતિમ ફેંસલો ના લઈ લે. કમસેકમ વિદેશમાં વસેલો શિક્ષિત માણસ તો એવું
અંતિમવાદી પગલું ના લે. વાત કરે, ચર્ચા કરે, એકબીજાનાં વિચારો જાણે પછી ડિવોર્સ માંગે.
આમ તર્કની દૃષ્ટિએ વાર્તા નબળી પડે છે.
અવાચક (યોગેશ ન. જોશી)
સંબંધોની માયાજાળ
અટપટી હોય છે. દેખાય તેવું હોતું નથી અને હોય છે તેવું દેખાતું નથી. નાયકને એમ છે
કે જે મિત્રનું એક પણ કામ એની પત્નીના ટેકા વિના પાર પડતું નહોતું એ એની પત્નીના
અકાળ અવસાન પછી હવે સાવ ભાંગી પડ્યો હશે. પણ એને એ ખબર નહોતી કે માણસે માણસે જીવનમૃત્યુ
પ્રત્યે જોવાની દૃષ્ટિ જુદી જુદી હોય છે, સંવેદનાઓની માત્રા ઓછીવત્તી હોય છે. અપેક્ષિત
અંત પણ છતાં મઝાનો વાર્તાનુભવ. નાયકને જે આંચકો લાગે છે એ જ વાર્તા છે. કંચનભાભીનું પાત્ર સારું ઊભું થયું છે. નાયકના
મનોભાવોનું સરસ આલેખન થયું છે.
આભડછેટ (વાસુદેવ સોઢા)
માલતી અને દિલીપ
બંનેને આઘાત લાગ્યો છે કે વર્ષો પછી જેમનાં મહેમાન બન્યાં છે જીતેન્દ્ર અને નયના
એમનું ભાવભીનું સ્વાગત કરવાને બદલે તેમનાથી દૂર દૂર રહે છે. જો કે કારણ જાણ્યા પછી
એમને વળી બીજો મોટો આઘાત લાગે છે! સરસ નાનકડી વાર્તા.
લઘુકથાઓ
રંડાપો (પ્રભુદાસ પટેલ)
ટીવી પર સમાચારનાં
દ્રશ્યો જોતાં નાયિકાને દુઃખદ સ્મૃતિ તાજી થાય છે.
અદા (દુર્ગેશ ઓઝા)
શિસ્તપાલનનો
ચમત્કાર.
સ્વેટર (“શિલ્પી” બુરેઠા)
માતાના પ્રેમથી
વંચિત રહેલા એક વિધ્યાર્થી જોડે શિક્ષક સમાનુભૂતિ અનુભવે છે.
--કિશોર પટેલ, 05-11-23
08:58
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment