Tuesday, 7 November 2023

અખંડ આનંદ ઓક્ટોબર નવેમ્બર ૨૦૨૩ દિપોત્સવી અંકની વાર્તાઓ વિશે નોંધ



 

અખંડ આનંદ ઓક્ટોબર નવેમ્બર ૨૦૨૩ દિપોત્સવી અંકની વાર્તાઓ વિશે નોંધ

 

(૧૨૨૭ શબ્દો)

રંગરોગાન (દિનકર જોશી)

નવી પેઢી દ્વારા જૂની પેઢીની અવગણના. 

રમણભાઈએ ખૂબ હોંશથી બંગલો બાંધ્યો હતો. વર્ષો પછી બંગલાને રંગરોગાન કરાવતી વખતે અંદરના ઓરડાઓની દીવાલો વિવિધ રંગોથી રંગવાની પૌત્ર જીદ કરે છે જે રમણભાઈને સમજાતી નથી. છેવટે પૌત્ર બોલે છે, “બંગલામાં રહેવાનું તો અમારે છે, દાદાજી, તમારાં તો હવે કેટલાં બાકી રહ્યાં?” આ રીતે રમણભાઈની ઉંમર વિશે પૌત્રએ કરેલી ટકોર દાદાજીના હૈયે ચોટ પહોંચાડે છે. 

નીવડેલા વાર્તાકારની આ રચનામાં એક વરિષ્ઠ નાગરિકની પીડાનું સારું આલેખન થયું છે.   

સપનાની વસિયત (વર્ષા અડાલજા)

આ નાનકડી વાર્તામાં વાર્તાકારે જબરી સંઘર્ષસભર સ્થિતિ નિર્માણ કરી છે. કુશાને એકતા સામે બે પર્યાય મૂક્યા છેઃ શું જોઈએ છે? પૈસો કે પ્રેમ? એકતાની ઈચ્છાઓ જાણતો કુશાન એનો નિર્ણય સ્વીકારી લેવાની માનસિક તૈયારી કરતો હોય ત્યારે એકતા એને સુખદ આશ્ચર્ય આપે છે.

આ નીવડેલા વાર્તાકારે વાર્તામાં જૂજ શબ્દોમાં એક-બે નહીં ત્રણ ત્રણ પાત્રોનાં એકમેકથી વેગળા સંઘર્ષનું આલેખન કર્યું છે. કુશાનની માતાનો સંઘર્ષ છે સંબંધોની ગરિમા ના જાળવતા પતિથી જુદા થઈને એશોઆરામની જિંદગીનો સ્વેચ્છાએ ત્યાગ કરવો કે આત્મનિર્ભર રહેવું. કુશાનનો સંઘર્ષ છે આત્માના અવાજને અનુસરતી માતાને સાથ આપવો કે ધનદૌલતને શરણે જવું, એકતાનો સંઘર્ષ છે ગાડીબંગલાનાં સ્વપ્નાં સાકાર કરવા કે કુશાનનો પ્રેમ પામવો?

હકીકતમાં આ પ્રશ્ન ભાવકને પણ પૂછાય છે.  પૈસા કે પ્રેમ? શું પસંદ કરશો?

ટેક્સાસ (રજનીકુમાર પંડ્યા)

ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. નાનકડી પણ મઝાની હાસ્યકથા.

નવા મકાનનો પાયો નાખતાં નાખતાં પિતા-પુત્રને ખાડામાંથી પાણીને બદલે પેટ્રોલ મળ્યું. બંને મનોમન હવામહેલ ચણવા લાગ્યા, નવા મકાનનું નામ “ટેક્સાસ” રાખવું એવું પણ ઠરાવી દીધું. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પેટ્રોલનાં ઘણાં કૂવા છે. કોઈને ખબર પડે અને હોહા થઈ જાય એ પહેલાં બંદોબસ્ત કરવા વહેલી સવારે પિતા-પુત્ર સાઈટ પર જાય ત્યાં એમનાથી પણ પહેલાં બે મજૂરો પહોંચી ગયા હતા ને પોતાની રીતે કશુંક શોધતાં હતાં. વિગત જાણ્યા પછી પેટ્રોલનો પરપોટો ફૂગ્ગામાં બદલાય છે કે ફૂટી જાય છે? વરિષ્ઠ વાર્તાકાર પાસેથી મળેલી રસપ્રદ હાસ્યવાર્તા.

(વિશેષ નોંધઃ આ વાર્તા વાંચતાં મારા મગજમાં કશુંક ક્લિક થયું. થોડુંક ખોદકામ કરતાં મને પેટ્રોલનો કૂવો તો ના મળ્યો, પણ ચર્ચા માંગી લે એવો એક મુદ્દો મળ્યો છે, મિત્રો, હવે પ્રતિક્ષા કરે મારી એક સ્વતંત્ર પોસ્ટની. દરમિયાન મારી જેમ અન્ય કોઈને પણ કશુંક ક્લિક થયું હોય એ મારી જોડે ઈનબોક્સમાં ચર્ચા કરી શકે છે.) 

પુણ્યતિથી (કેશુભાઈ દેસાઈ)

માતાનું ઋણ ના ચૂકવી શક્યાનો પુત્રને થયેલા અફસોસની વાત.

વિધવા માતાએ પાંચ દીકરીઓને અવગણીને એકના એક દીકરાને ભણાવ્યો, લાડકોડથી ઉછેર્યો, એ દીકરો વિદેશ જઈ સહુને ભૂલી ગયો. જતી અવસ્થાએ માતાની પુણ્યતિથિએ માતાને અન્યાય કર્યાનું ભાન થતાં નાયક અફસોસ કરે છે.  

અનન્યા (ડો. ચંદ્રકાન્ત મહેતા)

બાહ્ય રુપને પ્રાધાન્ય આપતો અર્ણવ પોતાની ગુણવાન પત્ની અનન્યાને અન્યાય કરી બેસે છે. પણ અનન્યા ધીરજપૂર્વક પતિને સન્માર્ગે વાળે છે.

આ લેખક બોધપ્રધાન ઉપદેશાત્મક સામાજિક વાર્તાઓ લખવા માટે જાણીતા છે. આ વાર્તાએ એમની આ ઓળખ જાળવી રાખી છે. 

દીપંકરની વિદાય પછી (યશવન્ત મહેતા)

એક્સરે રિપોર્ટ અન્ય દર્દી જોડે બદલાઈ જતાં થયેલી ગેરસમજ. નાયિકાની પીડાનું આલેખન સારું. જૂના વિષયવસ્તુ અને નાવીન્ય વિનાની રજૂઆતથી આ વરિષ્ઠ લેખક નિરાશ કરે છે.

ખેવના (રાઘવજી માધડ)

મા-દીકરીની એકબીજા માટેની ખેવના.

ત્રણ પાત્રોઃ મા-દીકરી અને માસ્તર. માતા વિધવા, એની દીકરી ગામની નિશાળમાં ભણાવતા ને બહારગામથી આવેલા માસ્તરને ઘેર નાનુંમોટું કામ કરે. આ ત્રણેનાં માનસિક આંદોલનોને ઝીલતી-આલેખતી સરસ મઝાની વાર્તા. બે ઘડી તો પન્નાલાલની શૈલી યાદ આવી જાય. વારે વારે શંકા જાય કે પાત્ર બોલે છે કે મનમાં વિચાર કરે છે?

વાર્તાકારે એક જ નાનકડી ઘટના આલેખી છે.  સવારના પ્હોરમાં પ્રભા માસ્તરને ઘેર આવી છે મનની વાત કરવા. એની દીકરી સંતાતીલપાતી માતાની પાછળ પાછળ આવી છે એ જાણવા કે ભળતા જ સમયે માતા માસ્તરને ત્યાં શું કરે છે. સંયમી માસ્તર પ્રભાથી શરૂઆતથી જ છેટા રહ્યા છે. પ્રભા જ્યારે પોતાની દીકરીનું માગું માસ્તર પાસે નાખે ત્યારે માસ્તર જે વાત કરે એમાં એના ગુણ અને સ્વભાવ ઝળકી ઊઠે છે. માસ્તર કહે છે, “દીકરીને ભણવા દ્યો, એનું સમયસર થઈ રહેશે.” જ્યારે પ્રભા પોતાની વાત ફરી ફરી ઘૂંટે છે ત્યારે માસ્તર કહે છે, “પહેલાં તમારું વિચારો, તમે સુખી થાવ, દીકરી આપમેળે સુખી થશે!” અહીં માસ્તર મોઘમ રીતે પ્રભા સામે પોતે પ્રસ્તાવ મૂકે છે એ વાર્તાક્ષણ સરસ પકડાઈ છે. ને બધું સ્પષ્ટ થઈ જતાં એ જ ક્ષણે પ્રભાની દીકરી પણ વિનાસંકોચ પોતાની હાજરી છતી કરી દે છે. સરસ વાર્તાનુભૂતિ. ત્રણેનાં પાત્રાલેખન દીવા જેવા સ્પષ્ટ થાય છે. નોંધનીય વાર્તા.

અગ્નિદાહની અધિકારી (કલ્પના જિતેન્દ્ર)

માતાની સેવા કરતી દીકરીને ગૃહિત ગણી લેવાની માનસિકતા.

અપરિણીત રહેલી સંધ્યાએ માતાની સેવા કરી શકાય એવા હેતુથી નોકરીમાંથી સ્વેચ્છાનિવૃત્તિ લઈ લીધી અને એના ભાઈ-ભાભીને ફાવતું મળી ગયું. બાળકોની સ્કૂલ દૂર પડે છે એવા બહાને જૂદું ઘર લઈ બહાર નીકળી ગયાં ને પથારીવશ બિમાર માતાનો સંપૂર્ણ બોજો સંધ્યા પર આવી પડ્યો. ઘરમાં સંધ્યાને ગૃહિત ગણી લેવામાં આવે છે, એણે આપેલાં બલિદાનની નોંધ લેવાતી નથી એટલે સ્વાભાવિકપણે સંધ્યાને ઘરનાં સહુ પ્રત્યે ઓછું આવે છે. એની પરવશ માતા પોતાના મૃત્યુપશ્ચાત અગ્નિદાહનો અધિકાર કોને આપે છે? સંધ્યાની સ્થિતિ વણસે છે કે સુધરે છે? પઠનીય વાર્તા. સંધ્યાના મનોભાવોનું સરસ આલેખન.

ન્યાય (ગિરિમા ઘારેખાન)

ન્યાયાધીશ હેમંતભાઈના પુત્ર પર અણધારી આફત આવી પડે છે. ડોકટર તરીકે ખાનગી પ્રેકટિસ એમના પુત્ર ગૌરાંગને પૂર્વી નામની એક સ્ત્રીદર્દીએ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી છે. થાય છે એવું કે પૂર્વી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી શકે એ પહેલાં માર્ગ અકસ્માતમાં એનું મૃત્યુ થઈ જાય છે. 

પૂર્વીનો અકસ્માત સાચે જ અકસ્માત હતો કે પછી એ અકસ્માત કોઈની સૂચનાથી થયો હતો?

સવારે ટીવી પર પૂર્વીના અપમૃત્યુના સમાચાર બ્રેકિંગ ન્યૂઝમાં આવે એ પછી હેમંતભાઈના મોંએથી નીકળેલા ઉદગારો અર્થસૂચક છે. આગલી રાતે જ હેમંતભાઈએ નક્કી કર્યુ. હતું કે પૂર્વીની ધમકીને હકીકતમાં પલટાતી રોકવા “પોતાનાથી થાય એવું એ કરી છૂટશે.”

અંતથી શરુ થતી નવી વાર્તા. નાટ્યાત્મક પ્રસંગયોજના.     

જિંદગીભર (સુષ્મા શેઠ)

સ્ત્રીના જીવનમાં સૌથી મુશ્કેલ ફેંસલોઃ જીવનસાથી તરીકે યોગ્ય કોણ?

ચારુ સામે આ પ્રશ્ન ઊભો થાય છે ત્યારે જેનું માંગુ આવ્યું છે એ મધ્યમવર્ગીય આલાપની સરખામણીએ એનું મન સ્માર્ટ અને શ્રીમંત ધ્વનિત તરફ ખેંચાય છે પણ પછી એ વિચાર કરે છે કે બેમાંથી અન્યોની લાગણી પ્રત્યે કોણ બેફિકર છે અને કોણ સંવેદનશીલ છે.

ચારુની મૂંઝવણનું સારું આલેખન. 

ઈનફ ઈસ ઈનફ (નીલમ હરીશ દોશી)

અનાથાશ્રમમાંથી આવેલા બાળક પ્રતિ સમાજના ભેદભાવયુક્ત અભિગમ અંગે.

ઈરા મા બનવા અક્ષમ હતી એટલે અંકિત-ઈરા લવને અનાથાશ્રમમાંથી લાવ્યા પણ અંકિતની માતાને અનાથ લવ પ્રત્યે સૂગ હતી. જેવું નિદાન થયું કે ઈરા મા બની શકશે, ઇરાના સાસુને લવની હાજરી અસહ્ય થઈ પડી. દત્તક પુત્ર લવ અને સાસુ વચ્ચે પીસાતી ઈરા છેવટે શું કરે છે? વાર્તામાં માનવીય લાગણીના આટાપાટા સરસ ખેલાયા છે.

ઉડાન (નીલેશ રાણા)

પ્રેમ, લગ્ન, છૂટાછેડા, બીજા લગ્ન...ક્યારેક એવી ઘટનાઓ આકાર લેતી હોય છે કે એવું લાગે કે દુનિયા ઘણી નાની છે. અંશિતા ધીરજ જોડેના લગ્નજીવનમાંથી લગભગ છૂટી થઈને જેને પરણવાની હતી પણ પરણી ના શકી એ હેમંત અંશિતાને નવેસરથી મળી જાય છે.  હવે અંશિતાની દીકરી નિકિતા પ્રશાંતથી છૂટી થઈને હેમંતના જ દીકરા સાથે બીજું લગ્ન કરવાની છે, એટલે કે પતિ-પત્ની તરીકે જોડાઈ નહીં શકેલાં અંશિતા અને હેમંત વેવાઈ-વેવાણ બનશે! બદલાતાં સામાજિક નીતિમૂલ્યોની અવનવી અસર.

વિદેશની સંસ્કૃતિમાં આકાર લેતી વાર્તા.

વિસર્જન (ડો. પિનાકિન દવે)

વરિષ્ઠ નાગરિકની સમસ્યા.

પત્નીના મૃત્યુ પછી એકલા પડી ગયેલો રજનીકાન્ત પુત્રો અને તેમના પરિવારની લાગણીશૂન્ય વ્યવહારથી દુઃખી થઈને જીવનમાંથી રસ ગુમાવી દે છે. ગંગા નદીમાં ડૂબી મરવાના ઈરાદે એ ઘરબાર છોડીને ચાલી નીકળે છે.

આજ કે “આનંદ” કી જય! (સંજય થોરાત “સ્વજન”)

મ્યુનિસિપલ હોસ્પિટલમાં નોકરી કરતા એક ડોક્ટરના ભલાઈની કામનો અહેવાલ. હા, આ રચના વાર્તા નથી, વાર્તાના સ્વરુપમાં અહેવાલ છે. પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રથી કહેવાયેલી આ વાર્તામાં કથક એક બેકાર ગરીબ યુવાનને આર્થિક મદદ કરી ધંધો શરુ કરાવી સ્થિર થવામાં મદદ કરે છે. એક  યુવાન ભિક્ષુક સ્ત્રી જોડે એનો પરિચય કરાવી એ બંનેને લગ્ન કરી લેવાનું સૂચવે છે. આમ આ વાર્તા એક ડોક્ટરના ભલાઈના કામની કથા છે.

--કિશોર પટેલ, 07-11-23 08:35

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

 

###

 

No comments: