કુમાર ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ
(૮૨૨ શબ્દો)
પ્રસ્તુત અંક
દીપોત્સવી વિશેષાંક છે.
થાપણ (દીના પંડ્યા)
દીર્ઘ નવલકથાનું બીજ
ધરાવતી વાર્તા.
સુનાલી, સોમેશ અને
તપન ત્રણ મુખ્ય પાત્રો. વિષયઃ પ્રેમની ખોજ અને માનવજીવનનો હેતુ, આધ્યાત્મિક ચિંતન.
સુનાલી અને તપન એકમેકના
પ્રેમમાં હતા પણ ભારતીય પરંપરા મુજબ સંતાનોની પસંદગીને અવગણી માતાપિતાની પસંદ
પ્રમાણે સુનાલીના લગ્ન ઉચ્ચશિક્ષિત અને સારા કુટંબના સોમેશ જોડે થાય છે. મહત્વાકાંક્ષી
વૈજ્ઞાનિક સોમેશના જીવનમાં પત્ની માટે સમય કે સ્થાન નથી. એણે તો પોતાની માતાની
ઈચ્છાપૂર્તિ કરવા લગ્ન કરેલાં. સોનાલીની ઈચ્છાઓને હસી કાઢે છે. સંસારસુખ અને
સંતાનસુખથી અતૃપ્ત રહેલી સુનાલી પતિત્યાગ કર્યા બાદ માનસિક શાંતિ માટે માસી જોડે
જાત્રાએ જાય છે. અહીં સાધુવેશમાં મળી ગયેલા પૂર્વપ્રેમી તપનની પણ એક કથા છે. તપને
પણ લગ્ન કરેલાં પણ એક શારીરિક અને માનસિક બીમાર પુત્રને જન્મ આપી તપનની પત્ની
મૃત્યુ પામી છે. અક્ષમ પુત્રને પોતાની થાપણ તરીકે સુનાલીને સોંપીને તપન આધ્યાત્મિક
ઉન્નતિ કરવા સ્વતંત્ર બને છે. નવલકથાની વસ્તુને ચારે તરફથી દબાવીને વાર્તા તરીકે
રજૂ કરવામાં આવી છે.
ભરપૂર ઘટનાઓ અને
અજબગજબ વળાંકો ધરાવતી વાર્તાની ભાષા સંસ્કૃતપ્રચૂર અને કૃત્રિમ જણાય છે.
રાહ જોજે (ચેતન શુક્લ, “ચેનમ”)
પ્રણયસંબંધમાં અમોલી
છેતરાઈ છે. પ્રેમી જોડેના સંબંધથી એ ગર્ભવતી થઈ ગઈ છે ને પ્રેમી પલાયન થઈ ગયો છે. એ
ચિઠ્ઠી લખતો ગયો છે કે “રાહ જોજે.” ધીરજ ગુમાવી બેઠેલી અમોલી આત્મહત્યાના ઈરાદે નદી
પરના પુલ પર જાય છે. કંઈક એવી જ માનસિક સ્થિતિમાંથી પસાર થતો મલય પણ એ જ ક્ષણે
આપઘાતના ઈરાદે પુલ તરફ જઈ રહ્યો હતો.
છેવટની ક્ષણે પુલ પર
એક નાનકડા બાળકને હસતોરમતો જોઈને અમોલીનો નિર્ણય બદલાય છે. એ જિંદગી સાથે લડી
લેવાનું નક્કી કરે છે ને પ્રેમીના પત્રને ફાડીને ફેંકી દે છે. પત્રના ટુકડા મલયના હાથમાં આવે છે જેમાંનાં
“રાહ જોજે” શબ્દો વાંચી મલયને નવું બળ મળે છે, એ પણ આત્મહત્યા કરવાનું માંડી વાળે
છે.
એક જ વાતની જુદી
જુદી અસરઃ જે બે શબ્દો વાંચી એક વ્યક્તિ આત્મહત્યા કરવા નીકળે એ જ બે શબ્દો
વાંચીને બીજી વ્યક્તિ આત્મહત્યા કરવાનું માંડી વાળે છે.
અમોલીના મનોભાવોનું
આલેખન સરસ. જે કહેવાનું છે તે સીધી રીતે ના કહેતાં અન્ય રીતે વાર્તાના આરંભના
હિસ્સામાં કહેવાયું છે. આને જ કહેવાય વાર્તાની કળા.
એક નાનકડી ક્ષતિઃ
“...અમોલીએ પોતાની
બે આંખો વિસ્ફારિત કરી.” આ વાક્યનો અર્થ શું થાય? “વિસ્ફારિત” એટલે પહોળું, ફાટેલું. (સંદર્ભઃ
સાર્થ જોડણીકોશ) જે ઓલરેડી પહોળું થયેલું છે તેને કેવી રીતે પહોળું કરશો? પ્રસ્તુત
વાક્યના સ્થાને “...એની આંખો પહોળી થઈ ગઈ.” અથવા “...એ વિસ્ફારિત આંખોથી જોઈ રહી.”
જેવો પ્રયોગ ઠીક રહેશે.
નવી મોમ (ગિરીશ ભટ્ટ)
બાર-તેર વર્ષની નેત્રાએ માતા ગુમાવી દીધી એટલે પિતાએ એને દૂર હોસ્ટેલમાં મૂકી દીધી. મમતાળુ શિક્ષિકાઓ અને અન્ય સમવયસ્ક કન્યાઓ જોડે રહીને પણ નેત્રાને પોતાની માતાની ખોટ સાલ્યા કરે છે. પિતાના ક્રોધી સ્વભાવને કારણે જ માતાનું મૃત્યુ થઈ ગયું એવી ગ્રંથિ એને પિતા માટે થઈ જાય છે. એમાં વળી પિતા એક વિડીયોકોલ દ્વારા એને ખબર આપે છે કે પોતે બીજાં લગ્ન કર્યાં છે. નેત્રાની “નવી મોમ” નો પરિચય તેઓ વિડીયો ફોનમાં જ કરાવે છે. પુરુષો કેવા હ્રદયહીન અને સ્વાર્થી હોય છે જેવી ચર્ચા હોસ્ટેલમાં સખીઓ વચ્ચે થવા માંડે છે.
એવામાં એક દિવસ
નેત્રા પર નવી મોમનો વિડીયો ફોન આવે છે. નવી મોમની વાત સાંભળી નેત્રા પર શું અસર
થાય છે? એ વધુ દુઃખી થાય છે? નવી મોમ
વિશે એના પર કેવી છાપ પડે છે?
વરિષ્ઠ વાર્તાકાર
પાસેથી મળેલી માનવીય સંબંધોની હ્રદયસ્પર્શી વાર્તા. આ લેખકે આ પ્રકારની એકથી એક
ચડિયાતી વાર્તાઓ આપી છે એમાં એકનો ઉમેરો. હા, એક કિશોરીના પોઈંટ ઓફ વ્યુથી વાર્તા
કહેવાઈ છે એ નાવીન્યની નોંધ લેવી રહી.
અકસ્માત (આર.કે. લક્ષ્મણ, અનુવાદઃ પરાગ ત્રિવેદી)
અંધારી આલમની એક
ઝલક.
અપરાધની દુનિયામાં
દાગા નામના ખૂંખાર માણસના સાથી તરીકે લાંબો સમય કામ કર્યા પછી કૈલાસ નક્કી કરે છે
કે ક્રૂર દાગાથી દૂર ભાગી જવું. ભાગી છૂટેલા કૈલાસને એક દિવસ દાગા શોધી કાઢે છે.
પછી કૈલાસનું શું થાય છે? રસપ્રદ રજૂઆત.
વિશ્વખ્યાત
કાર્ટુનિસ્ટ આર.કે. લક્ષ્મણે ટૂંકી વાર્તાઓ પણ લખી હશે એવી જાણ નહોતી. ભાવકને
અંધારી આલમમાં એક ડોકિયું કરવાની તક આ વાર્તા થકી મળે છે.
લઘુકથાઓ
અડવા હાથ (નગીન દવે)
શીલાના પતિની સરકારી
નોકરીની આવક ટૂંકી છે પણ એ અન્યોની મદદ કરે છે. શીલાની સાસુ ગામડે રહે છે ને
આત્મનિર્ભર છે. એ દીકરા-વહુની ઓશિયાળી નથી, ઉલ્ટાની પુત્રના સ્વભાવથી પરિચિત માતા
પોતાનું રર્હ્યુસહ્યું ઘરેણું વેચીને એની જાત્રાએ જવાની વ્યવસ્થા કરી આપે છે. પતિના
પરગજુ સ્વભાવને કારણે શીલા ઘરખર્ચમાં ખૂટતાં નાણાં પોતાની બંગડીઓ ગીરવે મૂકીને
લાવે છે. કોઈ કંકાસ કરતું નથી, એકમેક જોડે એમણે સમભાવ કેળવી લીધો છે.
એકબીજાથી જુદાં
પડતાં ત્રણ પાત્રોનો સરસ પરિચય તદ્દન ઓછાં શબ્દોમાં લેખકે કરાવ્યો છે. અસરકારક
લઘુકથા.
એકલી છું (પ્રફુલ્લ રાવલ)
ઓફિસરની રુએ રીતિએ
વિનયનું ટેન્ડર ભલે નકારી કાઢ્યું હોય પણ એ નિમિત્તે એ વિનયની પુનઃ મુલાકાત ઈચ્છતી
હતી, એને જાણ કરવા માગતી હતી કે પોતે હજી એની રાહ જુએ છે.
ગણતરીના શબ્દોમાં
ચોટદાર લઘુકથા.
ધૈર્ય (ધર્મેન્દ્રસિંહ રાઠોડ)
અન્ય સ્ત્રી જોડે
સંબંધ રાખી પોતાને અન્યાય કરતા પતિ જોડે સંઘર્ષમાં ઉતરવાને બદલે પતિત્યાગ કરી
નાયિકા આત્મનિર્ભર બની આત્મસન્માન સાચવી લે છે.
પણ આટલી સરસ
લઘુકથામાં કથનશૈલીનો લોચો? પ્રથમ વ્યક્તિ કેન્દ્રશૈલીમાંથી અચાનક સર્વજ્ઞ કથનશૈલી?
ઈતની સી કહાનીમેં ઈતના બડા લોચા?
--કિશોર પટેલ, 16-11-23
09:07
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment