Friday, 10 November 2023

ચંદ્રકાન્ત શાહઃ સ્મરણાંજલિ




 

ચંદ્રકાન્ત શાહઃ સ્મરણાંજલિ

(૭૩૫ શબ્દો)

ગયા અઠવાડિયે ગુજરાતી કળાજગતે એક પ્રતિભાવંત કલાકારને ગુમાવ્યો.

ચંદ્રકાંત શાહ (૨૨ જુલાઈ ૧૯૫૬-૪ નવેમ્બર ૨૦૨૩) કવિ અને નાટ્યકાર હતા. નોકરી-વ્યવસાય અર્થે તેઓ બોસ્ટન, અમેરિકા ખાતે સ્થાયી થયા હતા પણ ગુજરાતી ભાષાથી દૂર ક્યારેય ગયા નહોતા. એટલે દૂર રહીને પણ એમની સાહિત્યસાધના ચાલુ રહી હતી.

મારો એમની જોડે સાવ અલ્પ પરિચય હતો. એક વાર દક્ષિણ મુંબઈ ખાતે યોજાયેલા કવિસંમેલનમાં હાજરી આપી રાત્રે  પાછાં ફરતાં ટ્રેનમાં જોડે પ્રવાસ કર્યાનું યાદ છે. ગોરેગામમાં જ  રહેતા અન્ય એક કવિમિત્ર જોડે પણ હતા. એ બંને વચ્ચે સંમેલનમાં રજૂ થયેલી કવિતાઓની ચર્ચા ચાલતી રહી અને બંદા સાંભળતા રહ્યા. કવિતા જોડે આપણું ઝાઝું બન્યું નથી.

એ પછી તો  અભ્યાસ પૂરો કરી ચંદ્રકાંત શાહ વિદેશ જઈ વસ્યા.

ત્યાં રહીને પણ તેઓ કવિતા લખતા રહ્યા. બ્લ્યુ જિન્સ કવિતાઓથી તેઓ ખાસી ચર્ચામાં રહ્યા હતા. ફિરોઝખાનના મ્યુઝિકલ નાટક “એવા મુંબઈમાં ચાલ જઈએ.” થી એમણે નાટ્યલેખક અને ગીતકાર તરીકે એક ઓળખ મેળવી. કોલેજના અભ્યાસ દરમિયાન કદાચ એમણે મહેન્દ્ર જોશી જોડે થિયેટર કર્યું હતું.  

મારે  એમને મળવાનું થયું જ્યારે તેઓ અમેરિકાથી એકપાત્રી નાટ્યપ્રયોગ “નર્મદઃ મારી હકીકત” લઈને સ્વદેશ આવ્યા. આ નાટકથી એમની અભિનયપ્રતિભા પ્રકાશમાં આવી. એ દિવસોમાં હું ગુજરાતી મિડ-ડે માટે નાટકોની સમીક્ષાની અઠવાડિક કટાર લખતો હતો.

એ દિવસે પ્રયોગ પહેલાં અને પછી એમની જોડે થોડીક ઔપચારિક વાતો થઈ હતી.

જાણીતા કવિ શોભિત દેસાઈની ઉપસ્થિતિમાં એક વાર અલપઝલપ મળ્યાનું યાદ છે.

પ્રસ્તુત છે ગુજરાતી મિડ-ડે માં પ્રગટ થયેલી  “નર્મદઃ મારી હકીકત” ની નાટ્યસમીક્ષા.

*

નર્મદઃ મારી હકીકત

નોંધપાત્ર એકપાત્રી પ્રયોગ / કિશોર પટેલ

ચીલો ચાતરીને કામ કરવું સહેલું નથી. વ્યાવસાયિક રંગભૂમિની ફોર્મ્યુલાવાળાં ડઝનબંધ નાટકોની વચ્ચે એક વિશિષ્ટ, વિલક્ષણ પ્રયોગ થઈ જાય તો ચોક્કસ કંઈક જૂદું જોયાનો-થયાનો આનંદ આવે. અમેરિકાસ્થિત ઈન્ડિયા ફાઉન્ડેશન અને કલાગુર્જરીની રજૂઆત “નર્મદઃ મારી હકીકત” આવો જ એક વિશિષ્ટ પ્રયોગ છે.

એકપાત્રી પ્રયોગની આપણા પ્રેક્ષકોને ટેવ નથી, મરાઠી  રંગભૂમિ પર આચાર્ય અત્રે તેમ જ પુ.લ. દેશપાંડેના એકપાત્રી પ્રયોગો ખૂબ જાણીતા થયાં છે. આપણે ત્યાં પચીસ-ત્રીસ વર્ષ પહેલાં મધુકર રાંદેરિયાએ “તું અલ્યા કોણ?” નાટક દ્વારા એકપાત્રી પ્રયોગ કર્યો હતો. જયંતિ પટેલ “રંગલો” એકપાત્રી પ્રર્યોગો માટે જાણીતા છે. તાજેતરના ભૂતકાળમાં સરિતાએ “ઝલક” દ્વારા એકપાત્રી પ્રયોગ કર્યો છે. “નર્મદઃ મારી હકીકત” દ્વારા કવિ ચંદ્રકાંત શાહ એક અભિનેતા તરીકે આગળ આવે છે.

ઓગણીસમી સદીના અગ્રણી કવિ નર્મદની આત્મકથા “મારી હકીકત” ના આધારે આ એકપાત્રી પ્રયોગની સંહિતા હરીશ ત્રિવેદીએ લખી છે. લેખકે નર્મદની આત્મકથા ઉપરાંત નર્મકવિતા, નર્મગધ્ય તેમ જ કવિ નર્મદ વિશે અન્યોનાં આધારભૂત લખાણોનો પણ આધાર લીધો છે.

કોઈ એક વ્યક્તિનું સંપૂર્ણ જીવનચારિત્ર કોઈ એક નાટક ક્યારેય સંપૂર્ણપણે ઝીલી શકે નહીં.  અહીં કવિ નર્મદના જીવન અને કાર્ય વિશે થોડીક ઝલક મળે છે.

રજૂઆતની વાત કરીએ તો દોઢ કલાકનો આ એકપાત્રી પ્રયોગ સાવ નવો તો ના કહી શકાય પણ વિશિષ્ટ જરુર છે. નાટકમાં રેકોર્ડેડ મ્યુઝિક ઉપરાંત સ્લાઈડ્સનો પણ ઉપયોગ થયો છે. નાટક સંપૂર્ણપણે નર્મદના મુંબઈ ખાતેના ઘરમાં આકાર લે છે.   ડેરિલ એન્ડરસન અને છેલ-પરેશના કલાનિર્દેશનમાં અહીં સજેસ્ટીવ સંન્નિવેશ છે. નર્મદનું લખવાનું મેજ અહીં એકમાત્ર મુખ્ય લોકેશન બની રહે છે. બાવીસ નાનાં નાનાં દૃશ્યોમાં અભિનેતા ચંદ્રકાંત શાહ દૃશ્ય પ્રમાણે પહેરવેશમાં નાનામોટા ફેરફાર કરતા રહી પ્રયોગની મોનોટોની તોડે છે. બોસ્ટનની શ્રુતિ મહેતાના વસ્ત્રપરિકલ્પના ઈતિહાસને વફાદાર રહે છે. નર્મદની ઓળખ બની ગયેલી એની મોટી પાઘડી, તે સમયે પહેરાતા લાંબા ડગલા વગેરેનું આલેખન અહીં ચોકસાઈપૂર્વક થયું છે. પ્રકાશરચના શરદ વ્યાસની છે અને નિર્માણનિયામક હની છાયા છે.

કવિ નર્મદની ભૂમિકામાં ચંદ્રકાંત શાહનો અભિનેતા તરીકે નવો જ પરિચય થાય છે. ચંદ્રકાંત શાહ “ખેલૈયા” અને “એવા મુંબઈમાં ચાલ જઈએ” ના લેખક તરીકે ગુજરાતી રંગભૂમિ પર પરિચિત છે. કવિ નર્મદનો “જુસ્સો” ચંદ્રકાંતના અભિનયમાં જરુર પ્રગટે છે. નર્મદના કાવ્યો પ્રલંબ લયમાં રજૂ કરી ચંદ્કાંત પ્રેક્ષકોમાંથી તાળીઓની ઉઘરાણી અધિકારપૂર્વક કરી લે છે. આ થઈ કાવ્યપઠનની વાત જે કવિ ચંદ્રકાંત માટે નવી નથી. પણ વિવિધ પ્રસંગોની રજૂઆતમાં ચંદ્રકાંત પોતાના અભિનયમાં વૈવિધ્ય લાવી શકે છે. સુરત શહેરમાં લાગેલી આગ અને પરિણામે શહેરની તારાજીની વાત, પ્રથમ પત્નીને થયેલી મૃત પુત્રની પ્રસૂતિની વાત તેમ જ પત્નીના મૃત્યુની વાત કરતાં કરૂણ રસની રજૂઆત, બાળલગ્નના વિરોધમાં કે વિધવાવિવાહના સમર્થનમાં નર્મદના જોસ્સાદાર ભાષણો દ્વારા વીરરસની રજૂઆત કે નાગરોની સભામાં રૂઢિપ્રથા વિરુધ્ધ બોલીને લોકોને ઉશ્કેરવા અને લોકો મારવા દોડે ત્યારે ભાગીને પલાયન થઈ જવું વાળી વાતથી હાસ્યરસની રજૂઆત, તે જ પ્રમાણે વિવિધ સ્ત્રીઓ અને વિધવાઓમાં નર્મદનું રસ લેવું વગેરે પ્રસંગે શૃંગારરસની રજૂઆત કરવામાં ચંદ્રકાંત સફળ રહે છે.

“નર્મદઃ મારી હકીકત” એક વિશિષ્ટ વિલક્ષણ પ્રયોગ છે. લેખક-દિગ્દર્શક હરીશ ત્રિવેદી અને અભિનેતા ચંદ્રકાંત શાહ આ પ્રયોગ દ્વારા બંધિયાર થઈ ગયેલી ગુજરાતી રંગભૂમિ પર એક નવી ચેતના, એક નવી તાજગી લાવે છે.

પંચલાઈનઃ

આપણો જન્મ થાય છે ત્યારે આપણે રડીએ છીએ. શા માટે? એટલા માટે કે આપણો પ્રવેશ મૂર્ખાઓના મોટા રંગમંચ પર થયો હોય છે.—શેક્સપિયર. (કિંગ લિયર, અંક ચોથો, દૃશ્ય છઠ્ઠું)

###

(ગુજરાતી મિડ-ડે, શુક્રવાર, ૮ માર્ચ ૧૯૯૬, પૃ ૧૨, અઠવાડિક કટાર “થર્ડ બેલ” માં પ્રગટ થયેલો રિવ્યુ.)

 

  

No comments: