Wednesday, 6 September 2023

નવચેતન ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

 




નવચેતન ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૫૩૦ શબ્દો)

જોયું? મેં નહોતું કહ્યું? (એકતા નીરવ દોશી)

સ્ત્રીઓના માસિક ચક્ર અંગે જાગૃતિની વાત.

સ્ત્રીઓના માસિક ચક્ર સમયે રાખવાની સાવધાની અંગે હજી પણ દેશના કેટલાંક ભાગોમાં જાણ નથી.  એકનું એક કપડું ફરી ફરી વાપરવાથી ચેપ લાગવાનું જોખમ છે એ વાત કેટલાંક લોકો સમજતા નથી. વળી, કોઈ કશું નવું કરે એટલે એનો વિરોધ થાય છે.  

વાર્તાની રજૂઆત ડાયરીના સ્વરુપમાં થઈ છે. વાર્તામાં બનતી ઘટનાઓમાં અતિશયોક્તિ જણાય છે. નવી વાતનો વિરોધ થાય એ સમજાય પણ નવી વાત કરનારા જોડે હિંસા થાય, એને ટેકો આપનાર વ્યક્તિને માનસિક અસ્થિર ગણાવી દેવાય એ ચોક્કસ મુદ્દો ધ્યાનમાં લેતાં જરા વધારે પડતું લાગે છે. ખેર, વાર્તા પઠનીય બની છે એ જમાપાસું.

ઉત્ક્રાંતિની અફર ગતિ (નરેન્દ્રસિંહ રાણા)

એક શોષિતની પીડાનું આલેખન.  શોષક અને શોષિતના સંબંધની વાર્તા.

શહેરના વગદાર શેઠિયા સુરેશભાઈ નગરપાલિકામાં પટાવાળાની જગ્યા માટે પોતાની ભલામણ કરશે એવું ધારીને દિનેશ લાંબો સમય સુરેશભાઈની ગુલામી કરતો રહ્યો પણ અંતે એને નિરાશા જ હાથ લાગી. ઉલ્ટાનું હવે સુરેશભાઈની દીકરી પણ એનું શોષણ કરવાનું શરુ કરે છે. પરિશ્રમ કરીને સ્નાયુબધ્ધ બનાવેલું એનું શરીર હવે એની નબળી કડી બની જાય છે.

દિનેશને હતાશા ઘેરી વળે છે, એ વિચારે છે કે સમયની સાથે વરુમાંથી કૂતરો બનેલું પ્રાણી ફરીથી વરુ કેમ બની શકતું નથી?

સરપ્રદ વાર્તા. પ્રસંગયોજના, દિનેશના પાત્રની પાર્શ્વભૂમિ સમજાવવામાં અને એની વર્તમાન સ્થિતિ સ્થાપિત કરવામાં અનિલ નામના પાત્રનો સારો ઉપયોગ. વાર્તાનો કેન્દ્રિય વિચાર જણાવવા એક પુસ્તકના શીર્ષકનો યથોચિત ઉપયોગ.

આ થઈ વાર્તાની સબળી બાજુ. હવે જોઈએ વાર્તાની નબળી બાજુ, રજૂઆતમાં નજરે ચડેલી એક નાનકડી ક્ષતિઃ

કૂતરાએ લાઈબ્રેરીમાં કરેલી ગંદકી જોઈને દિનેશ વિચારે છે કે “...સુરેશભાઈને આ જાળી વચ્ચેની જગ્યા બંધ કરાવવાનું કહેવું પડશે.”

આ ક્ષણ સુધીનું લખાણ એવી અસર ઊભી કરે છે કે જાણે દિનેશ આ લાઈબ્રેરીનો કર્તાહર્તા છે.

“સુરેશભાઈને...કહેવું પડશે” એવું જ્યારે એ વિચારે ત્યારે એવી ધારણા થાય છે કે સુરેશભાઈ લાઈબ્રેરીના એક મોટી ઉંમરના ચપરાસી હશે.

વાર્તા આગળ વાંચતાં સમજાય છે કે બંને પાત્રો અંગેની ધારણા ખોટી હતી.  આ માટે દિનેશના વિચારો રજૂ કરવા પસંદ થયેલાં શબ્દો ખોટાં છે. એ વાક્ય આમ હોઈ શકેઃ “...આ જાળી નીચેની ખુલ્લી જગ્યા બંધ કરાવવાની રજૂઆત સુરેશભાઈ પાસે કરવી પડશે.” અથવા, “...ની મંજૂરી સુરેશભાઈ પાસેથી લેવી પડશે.” 

કહેવાની જરુર નથી કે ટૂંકી વાર્તામાં એક એક શબ્દ આગવું મહત્વ ધરાવે છે.

લઘુકથાઓ

સરાસરીનો સિતમ (તુલસીભાઈ પટેલ) આ રચનામાં કટાક્ષ થયો છે કે આંકડાઓ પરથી દેશમાં ભલે આર્થિક ક્ષેત્રે પ્રગતિ થયેલી જણાય પણ હકીકત એ છે કે  છેવાડાનો માણસ તો જ્યાંનો ત્યાં જ છે.

નિબંધ (જેસંગ જાદવ) આરંભમાં શિક્ષકે કયા વિષય પર નિબંધ લખવાનું કહ્યું છે એ કહેવાતું જ નથી. જો લઘુકથાકારે નિબંધનો વિષય સ્પષ્ટ કરવો ના હોય તો “એક વિષય” અથવા “એક સહેલો વિષય” એવો ઉલ્લેખ કરવો જોઈએ. તો અંત વધુ ચોટદાર બનશે. 

કસબ થોડો જ ભૂલાય! (યશવન્ત મહેતા) રાત્રે દુકાનનાં તાળા કોઈકે ખોલ્યાં હતાં, ખાસ કંઈ ગયું નહોતું, ઉલ્ટાનું કેટલોક માલ વેચાયો હતો, જેનું પેમેન્ટ જે તે માલના કબાટમાં દુકાનના માલિકની રાહ જોતું હતું! રસપ્રદ લઘુકથા. શીર્ષક કેવળ “કસબ” જ રાખવું જોઈતું હતું.

સ્ટ્રોંગ ગર્લ (ધર્મેશ ગાંધી) એક નાનકડી છોકરી મકાનના ધાબા પરથી નીચે કૂદી પડે છે! શા માટે? એનું શું થાય છે?  એક યંત્રમાં સજીવારોપણની રસપ્રદ લઘુકથા.

--કિશોર પટેલ, 07-09-23, 09:04

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: