માટુંગામાં વાર્તાપઠન અને પરિસંવાદ ૧૦ સપ્ટેબર ૨૦૨૩
(૩૮૭ શબ્દો)
રવિવાર તા. ૧૦
સપ્ટેમ્બર ૨૦૨૩ ની સાંજે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનાં ઉપક્રમે
પ્રિમીયર સ્કુલ, માટુંગા (પૂર્વ) ખાતે વાર્તાપઠન અને પરિસંવાદનો એક ભવ્ય કાર્યક્રમ
યોજાઈ ગયો. આ કાર્યક્રમ માટેની સહયોગી સંસ્થાઓ
હતીઃ માટુંગા પ્રિમીયર સ્કુલ અને કલમના કસબી સાહિત્ય પરિવાર.
મરાઠી પ્રજાનાં
સ્વાભિમાનને વ્યક્ત કરતાં એક ગીત “જય જય મહારાષ્ટ્ર માઝા ગરજા મહારાષ્ટ્ર માઝા...”
સાથે કાર્યક્રમનો આરંભ થયો.
સહયોગી સંસ્થા કલમના
કસબી વતી જિજ્ઞાબેન કપૂરિયાએ આમંત્રિત વાર્તાકારો અને શ્રોતાઓનું સ્વાગત કર્યું. એક
તરુણ વિધ્યાર્થી પાર્થ પટેલે પણ સ્વાગતવચનો કહ્યાં. કાર્યક્રમનાં સંચાલક ભાઈશ્રી
સંજય પંડ્યાએ કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી.
સૌપ્રથમ રજૂઆતકર્તા
હતાં ગુજરાતી મિડે-ડેનાં કન્ટેન્ટ રાઈટર અને ચિત્રકાર સમીરા પત્રાવાળા.
એમણે પઠન કર્યું એમની એક વાર્તાઃ “રોજ રાતે.”
બાહ્ય લક્ષણોથી લોકોનો ન્યાય કરવાની આપણા સમાજની રીતરસમ
અંગે વાર્તાકાર એક વિધાન કરે છે.
પઠન પછી શ્રોતાઓએ
રસપ્રદ પ્રશ્નો પૂછ્યાં જેના સમીરાએ યથાયોગ્ય ઉત્તરો આપ્યાં. સંચાલક ભાઈશ્રી સંજય
પંડ્યાએ ત્રણે વાર્તાકારોને એક સામાન્ય પ્રશ્ન પૂછ્યો કે “તમને વાર્તા ક્યાંથી મળે
છે?” આનાં જવાબમાં ત્રણે વાર્તાકારોએ
પોતપોતાનાં ખુલાસાઓ ટૂંકમાં કહી સંભળાવ્યાં. ત્રણે વાર્તાકારોનાં સ્રોત એકમેકથી
ભિન્ન ભિન્ન હતાં.
દ્વિતીય ક્રમે
વાર્તાપઠન કર્યું આ લખનારે. એમણે રજૂ કરી વાર્તાઃ “ના, આ વાર્તા નહીં લખાય!”
અહીં પણ બાહ્ય દેખાવ પરથી સ્ત્રીઓનો
ન્યાય કરવાની પુરુષોની માનસિકતા અંગે કટાક્ષ થયો છે.
પઠન પછી
શ્રોતામિત્રોએ અનેક પ્રશ્નો પૂછ્યાં જેનાં ઉત્તરો આ લખનારે પોતાની સમજ પ્રમાણે આપ્યાં.
છેલ્લે વાર્તાપઠન
કર્યું જાણીતા કવિ અને અસંખ્ય પુસ્તકોની કવર ડિઝાઈન બનાવનારા સંદીપ ભાટિયાએ.
એમણે રજૂ પોતાની એક વાર્તા “મેઘધનુષ.”
અનેક વિટંબણાઓથી ત્રસ્ત હાંસિયામાં રહેતાં માણસો
કેવી રીતે પોતાનું જીવન સુસહ્ય બનાવે છે એની વાત આ વાર્તામાં થઈ છે.
પઠન પછી
શ્રોતામિત્રોનાં પ્રશ્નોનાં ઉત્તરો આપતાં સંદીપભાઈએ પ્રસ્તુત વાર્તા વિશે પોતાની
ભૂમિકા સ્પષ્ટ કરી.
યજમાન સંસ્થા વતી
રીટાબેને આભારવિધી કર્યો અને કાર્યક્રમ સમાપ્ત થયો.
શ્રોતાઓની હાજરીથી
સભાગૃહ છલકાઈ ગયું હતું. મોડા પડનાર શ્રોતાઓએ ઊભા રહેવું પડ્યું હતું. વિશેષ વાત એ
કે કાર્યક્રમમાં સ્કુલનાં આઠદસ વિધ્યાર્થીઓ પણ ઉપસ્થિતિ હતાં. એ જોઈને ગુજરાતી
ટૂંકી વાર્તાનું ભવિષ્ય ઉજ્જવળ છે એવો વિશ્વાસ પ્રગટે છે.
શ્રોતામિત્રોએ
દાખવેલા અદમ્ય ઉત્સાહનું વર્ણન કરવા હું અસમર્થ છું. કાર્યક્રમ પછી અમને ત્રણે
લેખકોને અનેક મિત્રો ઘેરી વળ્યા અને સહુની સાથે વન ટુ વન સરસ સંવાદ થયો. સંદીપભાઈએ
તો તરૂણ વિધ્યાર્થીઓ જોડે લગભગ એક નાનકડી વર્કશોપ કરી નાખી. વાહ. ક્યા બાત!
કાર્યક્રમના સર્વાંગસુંદર
આયોજન માટે યજમાન માટુંગા પ્રિમીયર સ્કુલનાં
ચેરમેનશ્રી પ્રહ્લાદ આચાર્ય અને ટ્રસ્ટીઓ રીટા આચાર્ય જોશી અને ભાવના આચાર્ય દેસાઈનો
આભાર.
--કિશોર પટેલ, સોમવાર, 11 સપ્ટેમ્બર 2023, 12:49
*
No comments:
Post a Comment