Wednesday, 30 August 2023

બાલભારતીમાં વાર્તાપઠન ૨૬ ઓગસ્ટ ૨૦૨૩





બાલભારતીમાં વાર્તાપઠન ૨૬ ઓગસ્ટ ૨૦૨૩

(585 શબ્દો)

It was out & out all ladies show!

શનિવાર તા. ૨૬ ઓગસ્ટ ૨૦૨૩ ની સાંજે મુંબઈનાં પશ્ચિમ પરાંમાં કાંદિવલી ખાતે બાલભારતીમાં વાર્તાવંત કાર્યક્રમોમાં ચારેચાર વાર્તોનું પઠન મહિલાઓ દ્વારા થયું.

સૌપ્રથમ રજૂઆત હતી સ્મિતા શુક્લની. એમણે પઠન કર્યુ  સ્વ. સાહિત્યકાર પવનકુમાર જૈન લિખિત એક વાર્તા તરસ્યા કાગડાની વાર્તા”નું.

વિક્રમ-વેતાળની કથાના સ્વરુપમાં લખાયેલી આ વાર્તા સરસ બોધકથા છે. મૂળ વાર્તા તો ખૂબ જાણીતી છે. ઘડાના તળિયે રહેલા પાણી સુધી તરસ્યા કાગડાની ચાંચ પહોંચે એમ હતું નહીં. કાગડો શાણો હતો. એણે આસપાસ પડેલાં કાંકરા ચાંચ વડે ઉંચકીને એક પછી એક ઘડામાં નાખ્યા એટલે પાણીની સપાટી ઉપર આવી  અને પછી એણે પોતાની તરસ છીપાવી. આજના સમયમાં કાગડા સામે અવનવી અણધારી કસોટીઓ ઊભી થાય છે. બોધ એવો છે કે માણસે હિંમત હારવી નહીં અને યથાશક્તિ ઉપાય શોધવા રહ્યા.

સ્મિતા શુક્લ સારાં ગાયિકા છે. એમના કંઠેથી અનેક વેળા ગીતો સાંભળ્યા છે, વાર્તાની એમણે ભાવવાહી રજૂઆત કરી.

બીજી રજૂઆત હતી કિરણ બૂચની. એમણે પઠન કર્યું સ્વલિખિત વાર્તા  “પોટલું” ની.

ગોરધન પટેલના દીકરા જોડે  પરણતાં પહેલાં વહુએ જોયું કે ખાતુંપીતું ખોરડું છે ને વળી સાસુ-સસરા ઘરડાં અને અશક્ત છે એટલે સાસરે તો પોતાનું રાજ ચાલશે. પરણીને સાસરે આવ્યાં પછી સાસુની કડવી વાણી સાંભળી સાસરે રાજ કરવાનું સ્વપ્નું રોળાઈ જતું લાગ્યું. એનું જીવવું મુશ્કેલ થઈ પડ્યું. એક વરસાદી રાત્રે સાસુને ચાદરમાં બાંધી પોટલું બનાવીને એ કૂવે પધરાવી દે છે.  વર્ણનાત્મક શૈલીની વાર્તાની લેખક દ્વારા નાટ્યાત્મક રજૂઆત થઈ.

ગયા મહિને બોરીવલી પશ્ચિમ ખાતે પ્રબોધનકાર નાટ્યગૃહમાં એક એકાંકીમાં કિરણ બૂચને અભિનય કરતાં નિહાળ્યાં હતાં. તેઓ મુંબઈની એક ઈન્ટરનેશનલ સ્કૂલનાં નિવૃત આચાર્યા છે.

ઈન્ટરવલમાં બાલભારતીની સિગ્નેચર સમાન અફલાતૂન સ્વાદસભર કોફીને સહુ રસિક શ્રોતાજનોએ ન્યાય આપ્યા પછી સમીરા પત્રાવાળાએ પઠન કર્યું સ્વલિખિત વાર્તા “વરસતા વરસાદમાં ટ્રેન.”

મુંબઈની લોકલ ટ્રેનમાં એક મોટી ઉંમરનો આદમી લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ચઢી જાય છે. આમ લેડીઝ ડબ્બામાં પુરુષ પ્રવેશે તો સામાન્ય રીતે ડબ્બામાંની સ્ત્રીઓ હોહા કરી મૂકે પણ એ દિવસે એવું થયું નહીં. રસપ્રદ વાર્તા અને એટલી જ સરસ રજૂઆત.

સમીરા પત્રાવાળાની વાર્તાઓ નવનીત સમર્પણ અને એતદ જેવાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થઈ છે. હાલમાં તેઓ ગુજરાતી મિડ-ડે માં નિયમિતપણે વિવિધ વિષયો પર લેખ લખે છે. આ ઉપરાંત તેઓ સારાં ચિત્રકાર પણ છે.

છેલ્લે કાર્યક્રમનાં સંચાલિકા જાગૃતિ ફડિયાએ રજૂ કરી સ્વલિખિત વાર્તા “રાતનો ચહેરો.

તરુણ વયનાં પ્રિયા અને આયુષ નામનાં બે જોડિયા ભાઈબહેનને પાડોશમાં રહેતી એમની જ ઉંમરની ત્રિશા અને પોતાના પપ્પાનાં મૈત્રીપૂર્ણ સંબંધ જોઈને આશ્ચર્ય થાય છે. એમાં વળી એક વાર “પોતે મિટિંગમાં વ્યસ્ત છે.” એવું ફોન પર કહેનારા પોતાના પપ્પાને હકીકતમાં એ જ વખતે ત્રિશા જોડે એક રેસ્ટોરાંમાં બેઠેલાં જોઈને બંને ભાઈબહેન આઘાત અનુભવે છે. ત્રિશાનો નાકનકશો પિતા જોડે મળતો આવતો હોવાથી એમને શંકા જાય છે કે શું ત્રિશાની મમ્મી જોડે પિતાના લગ્નબાહ્ય સંબંધ હશે? આ અંગે મમ્મી કેમ મૌન રહે છે એ પણ એમને સમજાતું નથી. આ વાતનો ફેંસલો લાવવા એક ફેમિલી પિકનિક પર તેઓ પિતાને કોર્નર કરે છે.

માનવીય સંબંધની સરસ વાર્તા, એટલી જ સરસ ભાવપૂર્ણ રજૂઆત.  

પ્રસ્તુત વાર્તાપઠનનું સંચાલન કરતાં કરતાં જાગૃતિ ફડિયાએ વચ્ચે વચ્ચે સાહિત્યજગતનાં મઝાનાં સંસ્મરણો શેર કર્યાં. તેઓ લેખિની સંસ્થાનાં સક્રિય સભ્ય છે અને નિયમિતપણે સાહિત્યસર્જન કરતાં રહે છે.

બેઠકનું સમાપન કરતાં વાર્તાવંતના મુખિયા હેમંતભાઈ કારિયાએ આગામી કાર્યક્રમની જાણકારી આપી. એમણે કહ્યું કે સપ્ટેમ્બર મહિનાનો કાર્યક્રમ પચીસમો એટલે કે બાલભારતી વાર્તાવંતનો રજતજયંતિ કાર્યક્રમ છે. એમાં દ્વિભાષી વાર્તાપઠન થશે. મરાઠી ભાષાની બે નીવડેલી વાર્તાઓનાં ગુજરાતી અનુવાદ તેમ જ મૂળ મરાઠી વાર્તાઓ પણ રજૂ થશે. આ વાર્તાઓનું પઠન મુંબઈની ગુજરાતી અને મરાઠી રંગભૂમિનાં કલાકારો દ્વારા થશે. વધુમાં એમણે એમ પણ કહ્યું કે વાર્તાનાં મૂળ મરાઠી લેખકો પણ ઉપસ્થિત રહેશે.

મિત્રો! આ રંગારંગ કાર્યક્રમ ચૂકશો નહીં કારણ કે બાલભારતીનાં વાર્તાપઠનના કાર્યક્રમોનું ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ ક્યારેય થતું નથી.

--કિશોર પટેલ, 29-08-23 15:03

* * *

     

 

 

 

No comments: