Thursday, 28 September 2023

એતદ જૂન ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

એતદ જૂન ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૬૮૪ શબ્દો)

પ્રસ્તુત અંકની પાંચે વાર્તાઓ રસપ્રદ અને પઠનીય છે. ખાસ વાત એ કે એકને બાદ કરતાં અન્ય સર્વે વાર્તાકારો અલ્પખ્યાત છે. 

નિઃશેષ વીનેશ (અંતાણી)

સ્વને પામવાની મથામણ.

રસપ્રદ રજૂઆત. કથક એક વ્યક્તિના અજાણી દિશામાં પ્રવાસનો આંખે દેખ્યો અહેવાલ આપે છે. વાર્તામાં એકથી વધુ સંકેતો અપાયાં છે કે કથક બીજા કોઈની નહીં પણ પોતાની જ વાત કરે છે.

કથકના એ પ્રવાસ અથવા પ્રયાસનો હેતુ પોતાને જ પામવાનો છે. એક ક્ષણ એવી આવે છે કે એ અશરીરી બની જાય છે. જીવનનો હેતુ એને સાંપડી ગયો હોય એવું બને.

આવી રચનાનાં એકથી વધુ અર્થઘટન થઈ શકે. અહીં એક દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે, ભાવક પોતપોતાની રીતે આ વાર્તાને જોઈ-સમજી શકે છે.

વરિષ્ઠ અને નીવડેલા વાર્તાકારની એક નોંધનીય વાર્તા.

સાથ આપીશ ને મને? (દીના રાયચુરા)

અપરાધબોધની વાત.

નાયિકાના પતિ જીતેશને પેટનું કેન્સર થયું છે. એ મરણપથારીએ પડ્યો પડ્યો બેહોશીમાં જે વ્યક્તિનું નામ લે છે તે સાંભળીને નાયિકાનો ભ્રમ ભાંગી જાય છે. એને તો એમ હતું કે પોતાનાં લગ્નબાહ્ય સંબંધ વિશે જીતેશ અજાણ છે. પતિ દ્વારા અભાનપણે બોલાયેલી વાતથી નાયિકા હચમચી જાય છે. એને ખ્યાલ આવે છે કે પતિ તો ઝેર પચાવીને બેઠો છે. કદાચ એ ઝેર જ આજે એનું મારણ બન્યું છે.

વાર્તાનું સ્વરુપ ફાંકડુ છે. હોસ્પિટલમાં બીમાર પતિની પાસે નાયિકા બેઠી છે ને પતિની એક વાત સાંભળ્યા પછી શરૂ થયેલી વાર્તા ગણતરીનાં સમયમાં પૂરી પણ થઈ જાય છે. આમ રજૂઆત લક્ષણીય બની છે. નાયિકાના લગ્નબાહ્ય સંબંધના આરંભ અને અંત બંને માટે અપાયેલાં કારણો તાર્કિક છે. નાયિકાના મનોવ્યાપારનું આલેખન પ્રતીતિજનક થયું છે. બંને મુખ્ય પાત્રો સિવાય અન્ય ચાર-પાંચ ગૌણ પાત્રોનો ઉલ્લેખ વાર્તામાં થયો છે પણ એક પણ સંદર્ભ બિનજરુરી લાગતો નથી. આમ સંપૂર્ણ વાર્તા સંઘેડાઉતાર બની છે. લેખકે ક્યાંય કોઈ છેડો ઢીલો મૂક્યો નથી. સ્તુત્ય પ્રયાસ. પ્રમાણમાં ઓછા જાણીતા વાર્તાકાર પાસેથી મળેલી એક નમૂનેદાર પુખ્ત વાર્તા.

વરાપ (નેહા અનિષ ગાંધી)

સ્ત્રીના મનનાં અંતરદ્વંદ્વની વાત.

સંસારમાં સર્વ વાતે સુખી નાયિકાનાં સુષુપ્ત મનમાં કશોક અસંતોષ છે. ચોક્કસ કઈ વાતનો અસંતોષ છે એની એને જાણ નથી. યોગ શીખતી વેળા અક્સમાતપણે યોગશિક્ષકનું કસાયેલું સ્નાયુબધ્ધ શરીર નજરે પડતાં નાયિકા અભાનપણે પોતાના પતિના બેડોળ જણાતા શરીર સાથે એની સરખામણી કરીને હતાશા અનુભવે છે. અસંતોષનું કારણ જડ્યા પછી નાયિકા શું કરે છે? અન્ય સર્વ રીતે એની ભાવનાઓની કદર કરતા પતિ સાથે એ કેવો વ્યવહાર કરે છે? શું એ કોઈ જોખમી સાહસ કરે છે? વાર્તાનો વિકાસ બેનમૂન થયો છે.

આ વાર્તાકાર પણ ઓછાં જાણીતા છે, આ એક પુખ્ત વાર્તા આ વાર્તાકારને એમની લેખનસફરમાં અધિકારપૂર્વક ઉપલા ધોરણમાં બઢતી મેળવી આપે છે.

(સાર્થ જોડણીકોશ અનુસાર “વરાપ”=તલપ, આતુરતા (૨) વરસાદ આવી ગયા પછી થોડા દિવસ ઉઘાડ નીકળતા પાણી ચૂસાઈ અને જમીન વાવણીલાયક થાય તેવી સ્થિતિ (૩) ફુરસદ, નવરાશ)

રાસ (છાયા ઉપાધ્યાય)

પ્રયોગાત્મક વાર્તા.

પૃથ્વી ગ્રહ પર માનવસંસ્કૃતિનો ઉદય થયો તે જ ક્ષણથી વિજ્ઞાનનો પણ ઉદય થયો. આજે વિજ્ઞાનની સફર આર્ટિફિસિયલ ઈન્ટેલિજેન્સ સુધી પહોંચી છે, આવતી કાલે કોણ જાણે ક્યાં સુધી પહોંચશે.

વાર્તાની નાયિકા માયા અતિવિકસિત યંત્રો સાથે એક રમત રમી રહી છે. એમાં ચિત્રકળાનું, રંગોનું, ગાણિતિક સંજ્ઞાઓનું, સંગીતનું, ભાષાનું વગેરે વગેરે અનેક કળાપ્રકારોનું સંયોજન કરીને એ નવી રમત બનાવી રહી છે. આ રમત જોનારા પ્રેક્ષકો પણ છે. એમનો પણ ભાવક તરીકે એ રમતમાં સહભાગ છે.  માયાની અવનવી અટપટી ચાલો સહુને ચોંકાવી રહી છે. માયા પોતાની રમત ક્લાઈમેક્સ પરથી એન્ટીક્લાઈમેકસ સુધી લઈ જાય છે. રમતનાં નિર્ણાયકો દ્વારા એને વધુ પડતા પ્રયોગો કરવા વિરુધ્ધ ચેતવણી સુધ્ધાં આપે છે, પણ એ પોતાની મસ્તીથી રમતને નવી રીતે રમવા કટિબધ્ધ છે.

માયાની આ રમતને કોઈ પણ ક્ષેત્રમાં પરપંરાગત રજૂઆત સામેના વિદ્રોહ તરીકે જોઈ શકાય. આ વાર્તા બહુઆયામી છે. હા, વાર્તાનું કદ સ્હેજ મોટું જણાય છે, એને ઘટાડીને વધુ પ્રેઝેન્ટેબલ બનાવી શકાયું હોત. પણ એકંદરે નવી વાત, નવી રજૂઆત. આ વાર્તાકાર તરફથી  આ અગાઉ પણ સારી વાર્તાઓ મળી છે.  પ્રસ્તુત પ્રયાસ અપવાદાત્મક અને નાવીન્યપૂર્ણ છે.    

મહાનલ (નરેન્દ્રસિંહ રાણા)

સ્મશાન જેવા એક અસામાન્ય પરિવેશની વાર્તા. માણસોનાં મૃતદેહ આરોગીને જીવતાં પ્રાણીની વાત.

માણસોનાં મૃતદેહ જ જેનો ખોરાક છે એને પીડે છે પોતાની અંદર સતત સળગતો અગ્નિ. એ અગન ઠારવાની એને એક તક મળે છે. શું અંદરની આગ બુઝાવીને એ મોક્ષ મેળવવામાં સફળ થાય છે ખરો?

આજના સમયનાં એક આશાસ્પદ વાર્તાકાર તરફથી મળેલી એક “હટ કે” વાર્તા. પ્રસંશનીય પ્રયાસ.

(સાર્થ જોડણીકોશ અનુસાર “મહાનલ”= મહાન મોટો અનલ-અગ્નિ, પરમાત્મા.)

*

અંકમાં એકથી એક ચડિયાતી વાર્તાઓ રજૂ થઈ છે. આવું બનવું વિરલ છે. સામયિકનાં તંત્રી/સંપાદક અભિનંદનના અધિકારી છે.

--કિશોર પટેલ, 29-09-23 09:06

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

No comments: