Monday, 11 September 2023

શબ્દસૃષ્ટિ ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

શબ્દસૃષ્ટિ ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૬૬૬ શબ્દો)

અરુણોદય (પ્રિયંકા જોશી)

સ્ત્રીઓ પ્રતિ અન્યાયી વલણની વાત.

એક તરફ ભારતી છે જેનાં પેટેથી અવતરનારી દીકરી ઘરમાં કોઈને જોઈતી નથી. બીજી તરફ એક રામી છે જે  પોતાને થયેલાં કડવા અનુભવોને કારણે સમગ્ર પુરુષજાતને ધિક્કારતી રહી છે.

રામી દાયણ તરીકે નજીકના ગામડાંમાં જાણીતી છે. એના ગામની દીકરી ભારતીની પ્રસૂતિ કરાવવા રામીને જ બોલાવવામાં આવી છે. રામીને જાણ થાય છે કે ભારતીના પેટમાંનું બાળક દીકરી છે એવી તપાસ કરાવવામાં આવી છે. ઘરનાં તો સહુ એનો ગર્ભપાત કરાવવા માંગે છે પણ ભારતીએ વિરોધ કરેલો હોય.  બનવાકાળ બને છે એવું કે ત્યાં પહોંચતા પહેલાં રસ્તામાં જ કોઈ લફંગાએ રામી સાથે બળજબરી કરીને પોતાની વાસના સંતોષી હોય. એટલે રામી આમ પણ ખરાબ મૂડમાં હોય. વળી ભારતીના પેટે દીકરી નહીં પણ દીકરો અવતરેલો જોઈને એને થાય છે કે આ પુરુષજાતને જન્મવા દેવો એટલે એક ગુંડા મવાલીને જન્મવા દેવો. એ ક્ષણે એ બાળકને ગળે ટૂંપો આપી દે તો પણ કોઈને જાણ થવાની નહોતી.  વળી, છોકરી આવી, તેને મારી નાખી એવું કહે તો પણ કોઈ સમસ્યા નહોતી, રામી શું કરે છે?

વાર્તાની ચરમસીમાની ક્ષણોમાં વાચકોનો જીવ પડીકે બાંધી દેવામાં વાર્તાકાર સફળ રહે છે. રજૂઆત પ્રવાહી અને પ્રભાવી. નવી પેઢીની આ આશાસ્પદ વાર્તાકારની આ રચના પુખ્ત જણાય છે.    

કેલેન્ડરનું પાનું (અજય સોની)

એકલા પડી ગયેલા માણસની પીડા.

મોટા શહેરમાં સંઘર્ષ કરીને જીવતાં અસંખ્ય માણસોની જેમ આંનદકુમાર પણ જીવન વેંઢારતો આવ્યો છે. ઓફિસમાં જોડે કામ કરતી મિસ આશના પ્રતિ આકર્ષણ અનુભવતો નાયક એની જોડે મૈત્રી વિકસાવવામાં નિષ્ફળ જાય છે. એના સંજોગો અને જીવન પ્રતિ એનો અભિગમ એને એકલો જ રાખે છે.  પોતાના સ્ટેશને ઉતરવાનું ભૂલી જવાની એની ઈચ્છાથી બે પરસ્પર વિરોધી અનુમાન કરી શકાય કે કાં તો અજ્ઞાત ભય સામે લડી લેવાની એની તૈયારી છે અથવા એને આત્મઘાતી વિચારો આવ્યા કરતાં હોવા જોઈએ.

અંતમાં કેક કાપવાના દ્રશ્યથી સ્પષ્ટ થાય છે કે એણે એકલા હોવા/રહેવાની પોતાની નિયતિ સ્વીકારી લીધી છે અને એ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

વાર્તાકારની વાર્તાઓમાં એક સામાન્ય લક્ષણ નજરે પડ્યું છે, સ્થિતિનું સ્થગિત હોવું. અંગ્રેજીમાં stand-still કહેવાય એવી સ્થિતિનું નિરુપણ એમની એક કરતાં વધુ વાર્તાઓમાં જોવા મળ્યું છે.

એકંદરે પઠનીય વાર્તા.

ભટ્ટસાહેબ (કેશુભાઈ દેસાઈ)

આ લખાણ લેખકનાં કાર્યકાળનાં સંસ્મરણ છે. ભટ્ટસાહેબ તરીકે જાણીતા થયેલા એક સહકાર્યકર્તાનું રેખાચિત્ર છે. સરતચૂકથી આ રચના વાર્તાના વિભાગમાં મૂકાઈ ગઈ હોય એવું જણાય છે. 

લઘુકથાઓ

ગુરુદક્ષિણા (મયુરિકા લેઉવા-બેન્કર)

વર્ણભેદની વાત.

આ રચનામાં કટાક્ષ છે, નાયકના મનમાં રહેલી દહેશત પ્રગટ થાય છે પણ છતાં વાચકના માનસ પર ધારી અસર કરવામાં નિષ્ફળ રહે છે કારણ કે રજૂઆત તદ્દન સરળ અને સપાટ છે.

શરુઆતમાં જ એક પૌરાણિક ઘટના વિસ્તારથી કહેવાઈ છે એટલે ખરેખરી કથામાં શું કહેવાશે એનું રહસ્ય છતું થઈ જાય છે. આ લઘુકથા આ રીતે ચોટદાર બની શકેઃ

એકલવ્ય અને દ્રોણાચાર્યના પ્રસંગની જરુર જ નથી. નાયકનું નામ રમેશમાંથી રમલો રાખી શકાય, એની માતાનું નામ મંછી હોઈ શકે.

આ લઘુકથાનો એક મુસદ્દો આવો હોઈ શકેઃ

//// ગામમાં સહુ હેરાન છે કે ગ્રામપંચાયત દ્વારા આયોજિત તરણસ્પર્ધામાં રમલો ઉતર્યો નથી.

“લ્યા રમલા, ભરચોમાસે બે કાંઠે વહેતી તોફાની નદીમાં પડીને તું માછલીની જેમ તરીને બીજા કાંઠેથી ગાય વાળી લાવે છે! મારા દીકરા, આજે કેમ તું પાણીમાં બેસી ગયો છે?”

રમલાનું માથું નકારમાં ધૂણતૂં રહ્યું. છેવટે મંછી બોલી, “બીજું કંઈ નહીં તો તારા બાપનું નામ ઉજળું કરવા પણ તું કાઢાકાઢીમાં પડ.”

આખરે રમલો ધીમેથી બોલ્યો, “મા,  યાદ છે ને એક વાર તેં મને એકલવ્યની વાર્તા કરેલી? આ કાઢાકાઢીમાં હું જીતી જઈશ પણ પછી મારા જનોઈધારી ગુરુજીને પગે લાગવા જાઉં ત્યારે તેઓ ગુરુદક્ષિણામાં ક્યાંક મારા હાથ માંગી લે તો?” ////

(ફ્કત ૯૮ શબ્દો, આ લખનાર કુલ સો શબ્દોથી નાની રચનાને સૂક્ષ્મકથા કહે છે.)       

સાદ-પ્રતિસાદ (આબિદ ભટ્ટ)

આ લઘુકથાનો ધ્વનિ સ્વયં વિરોધાભાસી છે.

દીપકભાઈને રોજની પ્રભુપ્રાર્થનામાં ખલેલ પડે તો તેઓ કોપાયમાન થઈ જાય છે. જે માણસને રડતાં શિશુમાં પ્રભુ ના દેખાયા એને તકલીફમાં મૂકાયેલી પોતાની વૃધ્ધ બામાં પ્રભુ દેખાયા! ભગવાને બાના મુખેથી એમને સાદ કર્યો તો પછી રડતાં બાળકના મુખેથી સાદ કરવાનું શું ભગવાન ભૂલી ગયા હતા? શું ભગવાન પણ ભેદભાવ કરે? દીપકભાઈનો આ કેવો સગવડિયો અભિગમ?

--કિશોર પટેલ, 09-09-23 09:23 

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

No comments: