કુમાર ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ
(૪૭૪ શબ્દો)
કેન્વાસ પરના સૂરજમુખી (દીના પંડ્યા)
વરિષ્ઠ નાગરિકોએ આનંદમય
જીવન કેમ જીવવું એની સમજણ આપતી શિબિરની વાત.
હળવી શૈલીમાં કાવ્યમય
ભાષામાં રજૂ થયેલી આ રચના અહેવાલ વધુ અને વાર્તા ઓછી છે. પાત્રોનાં સંવાદોમાં અરાજકતા
છે, કોણ કોને ઉદ્દેશીને બોલે છે એની સ્પષ્ટતા થતી નથી. એકાદ વાર તો બે પાત્રોનાં
સંવાદ એક જ ફકરામાં સાથે જ લખાયાં છે. આમ આ રચના ક્લિષ્ટ છે.
તેનું સુખ (ગિરીશ ભટ્ટ)
પરિણીત સખીઓની વાતો
સાંભળી દેવકી પોતાનાં ભાવિ લગ્નજીવનનાં મધુરાં સ્વપ્નાં જોતી થઈ જાય છે. એવામાં
કોઈ કન્યા પર ગેંગરેપની ખબર આવ્યા પછી શહેરમાં આક્રોશ ફાટી નીકળે છે. આ ઘટના સામે
વિરોધ દર્શાવતા સરઘસમાં દેવકી સામેલ થવા ઈચ્છે છે પરંતુ એની એક પણ સખી એની સાથે જોડાવા
તૈયાર નથી. સખીઓનાં પતિઓ પોતપોતાની પત્નીઓને એવા સરઘસમાં
જોડાવાની મંજૂરી આપતાં નથી. દેવકી ગભરાય છે, શું એનો ભાવિ પતિ પણ એવો અસંવેદનશીલ
હશે?
સરસ પઠનીય વાર્તા,
નીવડેલી કલમ પાસેથી મળેલી આસ્વાધ્ય વાર્તા.
સ્ટ્રેસ (કેશુભાઈ દેસાઈ)
નાયકની એકની એક દીકરી
વિધવા થઈ પિતાને ઘેર પાછી આવી છે. દોહિત્ર વિદેશ જઈ ત્યાંની કન્યાને પરણી ત્યાં જ સ્થિર
થઈ ગયો છે. પત્ની મૃત્યુ પામી છે. હવે ઘરમાં કેવળ નાયક અને એની વિધવા દીકરી એમ
ફક્ત બે જણાં છે. મોટી ઉંમરે એકલતા અનુભવતા નાયકને હવે કદાચ આત્મરતિમાં સુખ મળવા
લાગ્યું છે. પણ હવે નાયકને દોષભાવના સતત સતાવે છે. એ દોષભાવનાનાં સ્ટ્રેસના કારણે
નાયક કાયમ ચિંતિત રહે છે.
નાયકની સમસ્યાનું નામ
પાડ્યા વિના ઈંગિતો દ્વારા અસરકારક આલેખન. સંપૂર્ણ વાર્તા નાયકનાં મનોવ્યાપારની
છે. એક ઓર વરિષ્ઠ વાર્તાકાર પાસેથી મળેલી વાચનક્ષમ વાર્તા.
લઘુકથાઓ
ઢગી (મનુભાઈ પરમાર)
જમનીની માતાને જ્યારે ખબર મળે છે કે સગાંમાંની એક કન્યા કોઈક છોકરા જોડે ભાગી
ગઈ છે ત્યારે પાણી પહેલાં પાળ બાંધવા એ પોતાની દીકરીનાં લગ્ન મોટી ઉંમરના એક એવા
મૂરતિયા જોડે ગોઠવી કાઢે છે જે જમનીને બિલકુલ પસંદ પડ્યો નથી. વિદ્રોહરુપે જમની
શું કરે છે?
ચોટદાર લઘુકથા. તદ્દન ઓછાં શબ્દોમાં સરસ પાત્રાલેખન, કથાની સરસ માંડણી,
ઉપર્યુક્ત અલંકારો, નાટ્યાત્મક પ્રસંગયોજના અને અસરકારક પરાકાષ્ઠા.
સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી એક સરતચૂકઃ
જે છોકરી કોઈ છોકરા જોડે ભાગી ગઈ એના માટે વાર્તામાં એમ કહેવાય છે કે એ હરખા
(જમનીની માતા) ની “મોટી બેનની ભાણી” થતી હતી. હવે આ “મોટી બેનની ભાણી” એટલે શું?
હરખાની મોટી બેનની ભાણી હરખાની પણ ભાણી જ થાય કે નહીં?
રજ (દિવ્યા જાદવ)
અફવાઓના પરિણામે
નાયિકાને શંકા થાય છે કે ક્યાંક એના પતિનાં લગ્નબાહ્ય સંબંધ બંધાયા તો નહીં હોય ને?
ઘરની નજીક ચાલતાં બાંધકામને લીધે ઊડતી રજ આંખોમાં જતાં નાયિકાને થતી તકલીફને પતિ
અંગેની અફવાઓ સાથે સાંકળી લેવામાં આવી છે.
સરસ, ચોટદાર લઘુકથા.
ચહેરો (ગિરિમા ઘારેખાન)
મણિપુરની ઘટનામાંની
સ્ત્રીઓ જોડેના દુષ્કર્મ કરનાર ગુનેગાર પુરુષોમાં અને પોતાનામાં કશીક સમાનતા જોઈને
નાયક અપરાધભાવ અનુભવે છે. એવું જણાય છે કે એનાં હાથ પણ ક્યાંક ખરડાયેલાં હોવા
જોઈએ. અર્થપૂર્ણ લઘુકથા.
--કિશોર પટેલ, 20-09-23 10:46
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment