Thursday, 6 October 2022

પરબ સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

પરબ સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૧૨ શબ્દો)

રાત આખી (બ્રિજ પાઠક):

હોસ્પિટલમાં દર્દી ગંભીર સ્થિતિમાં બિછાને હોય ત્યારે બહારના ખંડમાં એનાં સ્નેહીજનો અનિશ્ચયની સ્થિતિમાં બેઠાં હોય છે. રાહ જોયા કરવા સિવાય એમનાં નિયંત્રણમાં કશું જ હોતું નથી. પ્રસ્તુત વાર્તા દર્દીના જમાઈના પોઈન્ટ ઓફ વ્યુથી કહેવાઈ છે. કહેવાય નિકટના સ્વજન પણ ઘરના જમાઈ એટલે એક રીતે આ બે જણા વચ્ચે અંતર હોવું સ્વાભાવિક છે.  દર્દીના બંને પુત્રોના વારા આવી ગયા પછી રાતના ઉજાગરો કરવાનો વારો જમાઈનો આવ્યો છે. નાયકને શ્વસુર જોડેના એક-બે અંતરંગ પ્રસંગો યાદ આવે છે. આની સમાંતરે ત્યાં ઉપસ્થિત એક અન્ય વૃદ્ધની વાત પણ થાય છે જેની પત્ની અંદર વોર્ડમાં ગંભીર સ્થિતિમાં છે. એ કુટુંબની આર્થિક સ્થિતિ કફોડી છે અને પુત્ર કદાચ માતાપિતાની અવગણના કરી રહ્યો છે. 

હોસ્પિટલના પરિવેશનું તાદશ આલેખન. ચોટદાર અંત. પઠનીય વાર્તા.        

સરપ્રાઈઝ (અન્નપૂર્ણા મેકવાન):

માતાપિતાની ઈચ્છાવિરુદ્ધ લગ્ન કરીને ગૃહત્યાગ કરી ગયેલી નાયિકા દસ વર્ષે ઘેર પાછી ફરે છે. એની ઈચ્છા તો સ્વજનોને સરપ્રાઈઝ આપવાની છે પણ અંતમાં એને જ સરપ્રાઈઝ મળે છે.

સંપૂર્ણ વાર્તા નાયિકાના મનોવ્યાપારની છે. અપેક્ષિત અંત.

વાર્તા તો ઓકે ઓકે છે પણ આલેખનમાં નવોદિત લેખક કરે એવી ભૂલો જોવામાં આવી છે.  

૧. // અને તે વાતની સત્યતા એ હતી કે... // સત્યતા?  સત્ય જોડે “તા” નહીં લાગે. “અગત્યતા” ની જેમ જ “સત્યતા”  પણ ખોટો શબ્દપ્રયોગ છે.  આ વાક્યની શરૂઆત આમ હોઈ શકે: // અને એ વાતનું સત્ય એ હતું કે...//

૨. // હું તો ઓળખી જ જવાનું છું. // એટલે શું? લખ્યા પછી લેખકે એક પણ વાર તપાસ્યું નથી કે શું? આવી ભૂલ કેવી રીતે રહી જાય?  આ વાક્ય આમ હોઈ શકે:  // હું તો ઓળખાઈ જ જવાની છું. //

૩. એક કરતાં વધુ ઠેકાણે એક જ વાક્યમાં આશ્ચર્યચિહ્ન અને પ્રશ્નાર્થચિહ્ન એમ બબ્બે ચિહ્નો એક સાથે મૂકાયાં છે. ક્યાંક તો બબ્બે, ત્રણ ત્રણ ચિહ્નો સાથે મૂકાયાં છે. આમ કરવાથી શું સિદ્ધ થાય?

પરબ જેવા સામયિકમાં આવી ભૂલો રહી જાય એ આશ્ચર્યજનક બાબત છે. સોશિયલ મીડિયામાં જોવા મળે તેવું લખાણ એક સાહિત્યિક સામયિકમાં જોઇને આઘાત લાગે છે. તંત્રી કે પ્રૂફરીડર કોઈએ જોયું નહીં એ પણ આશ્ચર્યની વાત છે. હવે અહીં કેટલાં પ્રશ્નાર્થચિહ્નો અને આશ્ચર્યચિહ્નો લગાડવા જોઈએ એક સાથે?

પગરખાં (ભાનુભાઈ અધ્વર્યુ):

નાનકડો રમણ કાયમ ઉઘાડા પગે ફર્યો છે. એના પિતાએ લાવી આપેલાં નવાં પગરખાં એ પોતાના મિત્રોને હોંશથી બતાવે છે.  ખેતર ખેડતાં સાથીની છોકરીને પગરખાંના અભાવે વૃક્ષના પાંદડા પગમાં બાંધીને ચાલતી જોઇને એનું હ્રદય દ્રવી ઊઠે છે. એ છોકરીની સગવડ માટે એ પોતાના નવાં પગરખાં જાણીજોઈને એના ઘર પાસે ભૂલી જાય છે. છોકરીનો ગરીબ પણ સ્વમાની પિતા એ પગરખાં રમણને પાછાં આપે છે. હ્રદયસ્પર્શી વાર્તા.      

આ વાર્તામાં પણ એક નાનકડી ભૂલ છે.

વાર્તામાં જણાવ્યું છે કે ગામમાં એકલો રમણ જ નિર્ધન હતો એવું ન હતું, રમણ જેવા ઘણાં છોકરાં ઉઘાડાં પગે જ રખડતાં.  વાડીમાં અનુભવાતી ઠંડક વિષે મિત્રોમાં વાત નીકળે થાય ત્યારે સુભાષ નામનો છોકરો બોલે છે, “ઠંડક તો એવી કે જાણે એરકંડીશન જોઈ લ્યો.”

પ્રશ્ન એ થાય છે કે આ સુભાષને આવી ઉપમા કઈ રીતે સૂઝે? એણે એરકંડીશનનો અનુભવ ક્યાં અને ક્યારે લીધો હશે?

--કિશોર પટેલ, 07-10-22, 09:12

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

  


No comments: