Thursday, 27 October 2022

એક મૂંઝવણ

 

એક મૂંઝવણ

(૧૨૫૮ શબ્દો) 

સામયિકમાં પ્રસિદ્ધ થતી સામગ્રી માટે જે તે લેખકોને પુરસ્કાર મળવો જોઈએ કે નહીં?

મિત્રો, આપ સહુ જાણો છો એમ આપણા સામયિકોમાં પ્રસિદ્ધ થતી ટૂંકી વાર્તાઓ વિષે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી હું ફેસબુક પર નોંધ મૂકતો આવ્યો છું. પ્રવૃત્તિ પર અસર થાય એવી એક મૂંઝવણ મારી સામે ઊભી થઈ છે

ભૂતકાળમાં ગામડે ગામડે ફરતાં કથાકારોને કથા કરવા બદલ ગ્રામજનો દ્વારા અનાજ/વસ્ત્રો/રોકડ રકમ રૂપે પુરસ્કાર/બક્ષિસ/મહેનતાણું મળતું. રાજારજવાડાના સમયમાં રાજા દ્વારા રાજકોષમાંથી પુરસ્કાર/બક્ષિસ/વર્ષાસન અપાતું. હવે લોકશાહીમાં મુક્ત વ્યાપાર પધ્ધતિમાં સામયિક ક્ષેત્રે સામયિકના પ્રકાશક/માલિક અને પુસ્તકપ્રકાશન ક્ષેત્રે પ્રકાશક દ્વારા રોકડ રકમ રૂપે પુરસ્કારની ચૂકવણી થાય છે. લેખક પોતે પ્રકાશન કરતો હોય ત્યારે પુસ્તકનાં વેચાણની રકમ એ સીધી મેળવતો હોય છે.

એક મરાઠી વાર્તાના અનુવાદની મને મંજૂરી આપતાં એ મરાઠીભાષી લેખકે ઈચ્છા વ્યક્ત કરી કે અનુવાદના પુરસ્કારમાંથી અડધી રકમ મારે એમને આપવી. અનુવાદિત વાર્તા સાથે એ મંજૂરીપત્ર બીડીને એક સામયિક પર પ્રસિદ્ધિ અર્થે મોકલી ત્યારે તંત્રી/સંપાદકે મૂળ લેખકનો મંજૂરી-પત્ર જોયો/વાંચ્યો હશે. એમને ખ્યાલ આવ્યો હશે કે મૂળ લેખકે પુરસ્કારમાંથી અડધી હિસ્સાની માંગણી કરી છે. વાર્તા વાંચતા પહેલાં જ એ તંત્રી/સંપાદકે મને ફોન કરીને મને પૂછ્યું કે લેખક જોડે પૈસા બાબતે કોઈ વાત તો થઈ નથીને? એમણે ચોખવટ કરી કે તેઓ કોઈ લેખકને પુરસ્કાર આપતા નથી. એમના સામયિકની એવી નીતિ નથી.

મને આઘાત લાગ્યો. પ્રમાણમાં મારી વાર્તાઓ ઓછી પ્રસિદ્ધ થઈ છે પણ આજ સુધી આવું કોઈ તંત્રી/સંપાદકે મને કહ્યું ન હતું. આ વાત જ મારા માટે નવી હતી. મને આ વાત ઘણી જ અકારી લાગી. મેં એમને કહ્યું કે પુરસ્કાર ના આપવાના હો તો મેં મોકલેલ અનુવાદ  પ્રસિદ્ધ ન કરશો.

પુરસ્કાર ના આપવાની વાતનો મને એવો ઝટકો લાગ્યો કે એના પ્રત્યાઘાતરૂપે એક પોસ્ટ મેં ફેસબુક પર મૂકી. એમાં મેં લખ્યું કે હું આ સામયિકનો બહિષ્કાર કરીશ અને એમાં પ્રગટ થતી વાર્તાઓની નોંધ હું નહીં લઉં.

આ પોસ્ટને સારો પ્રતિસાદ મળ્યો. ઘણા મિત્રોએ ટિપ્પણી કરી કે લેખકોના પક્ષે ઊભા રહેવું સરાહનીય બાબત છે. તો વળી કેટલાક લેખકોએ ટિપ્પણી અને ઇનબોક્સમાં જણાવ્યું કે ભાગ્યે જ કોઈ સામયિક વાર્તા માટે પુરસ્કાર આપે છે!

એક વરિષ્ઠ લેખકે મને ફોન પર કહ્યું કે કિશોરભાઈ, તમે આવો અભિગમ રાખશો તો સાંપ્રત ટૂંકી વાર્તાઓની નોંધ લેવાની વાત તમારે ભૂલી જવી પડશે. કારણ કે આપણે ત્યાં મોટાભાગના સામયિકો પુરસ્કાર આપતાં નથી.

મિત્રો, હું દુવિધામાં પડ્યો છું. મારે શું કરવું જોઈએ?

પુરસ્કાર ના આપતા સામયિકોનો મારે બહિષ્કાર કરવો જોઈએ કે નહીં?

આમ તો આ એક જ પ્રશ્ન લાગે છે

પણ આ પ્રશ્ન પોતાનામાં અનેક પેટાપ્રશ્ન ધરાવે છે

) સાહિત્યનું સર્જન (વાર્તા/કવિતા/સમીક્ષા/નિબંધ/રસાસ્વાદ કોઈ પણ વિધા) કરતા લેખકોને પુરસ્કાર મળવો જોઈએ કે નહીં?

અહીં પુરસ્કાર સંજ્ઞા ગેરમાર્ગે દોરે છે. પુરસ્કારનો અર્થ ઈનામ કે ઉત્તેજન આપવું એમ થાય છે. સાહિત્ય કર્મ કરનારને ઇનામ કે ઉત્તેજન આપવાની વાત પછી પહેલા તેના કામ બદલ તેને મહેનતાણુ મળવું જોઈએ. ઈનામ કે ઉત્તેજન માટે થતી પ્રવૃત્તિ અને મહેનતાણા યોગ્ય થતી પ્રવૃત્તિ એક સમાન નથી હોતી. પહેલાં એ સમજી લઈએ કે સાહિત્યસર્જન એ મહેનતનું કામ છે કે નહીં? અને જો મહેનતનુ કામ હોય તો એ કામ બદ્દલ મહેનતાણુ મળવું જોઈએ કે નહીં

પુરસ્કાર એ નસીબની વાત છે. ઉત્તેજન આપવામાં કોઈ પ્રતિબદ્ધતા નથી. કોઈ માણસ કશુંક કામ કરે અને તે ઈનામને યોગ્ય હોય તો એને ઈનામ મળે અને ઈનામને યોગ્ય ન લાગે તો ઇનામ ન પણ મળે. કોઈ માણસ કોઈ કામ કરે અને તે ઉત્તેજન આપવા યોગ્ય લાગે તો લોકો તેને ઉત્તેજન આપે અને એવું ન લાગે તો ઉત્તેજન ન પણ આપે. આમ થાય ત્યારે કામ કરનાર માણસ સ્પષ્ટ હોય છે કે તેને ઈનામ/ઉત્તેજન મળી પણ શકે અને ન પણ મળી શકે. કશું પણ સંભવ છે.  

પણ જ્યારે કોઈ માણસ મહેનત કરે ત્યારે એમાં એના વળતરની સ્થિતિ ‘સંભાવના’ તરીકે નથી હોતી. એક કઠિયારો જ્યારે લાકડા કાપે ત્યારે તેની પાસે લાકડા કપાવનાર મજૂરી ચૂકવતી વખતે તેણે કાપેલા લાકડાની ડિઝાઇન જોઈ તેને પૈસા ચૂકવવા જોઈએ અથવા ના ચૂકવવા જોઈએ એવો ફેંસલો લેતો નથી. એને લાકડા કાપવાનો પુરસ્કાર નથી અપાતો, મહેનતાણું ચૂકવાય છે. અથવા ઘરે રસોઈ કરવા આવનારની પાકકળાના આધારે તેના કાર્ય/શ્રમનું મૂલ્ય અંકાતું નથી

પણ સાહિત્ય કે કળાને  આપણે આમ કૌશલ (સ્કિલ્ડ) સંબંધિત કામ સાથે સરખાવી શકીએ નહીં. કળાકારને એની કળાના દર્જા અનુસાર આર્થિક વળતર મળે છે અને કૌશલ કાર્ય કરનારની મજૂરી કરતાં તે અનેકગણું વધુ હોય છે. માન્ય. તેમ છતાં અહીં સંદર્ભ લેવાનું કારણ છે. કળાકારની કળાક્ષમતા સિદ્ધ થયા બાદ જ તેને મ્હોં માગ્યા દામ મળે છે. એની કળાક્ષમતા સિદ્ધ થાય ત્યાં સુધી એને મજૂરી જેટલા પણ પૈસા નથી મળતા! અહીં સંતુલન ખોરવાય છે. કળાકાર જ્યારે કોઈ કળાકૃતિ સર્જે છે ત્યારે એની કળાકીય ગુણવત્તા સાબિત થાય ત્યારે જ તેનું મૂલ્ય થઇ શકે એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે કલાકાર કળાકૃતિ  સર્જે છે ત્યારે એની કળાક્ષમતા ઉપરાંત એનો સમય અને શારીરિક શ્રમ પણ એમાં ખર્ચાય છે. માટે કળાકારની કૃતિની કળાકીય ગુણવત્તા સાબિત થાય ત્યારે ભલે એને કળાની  દ્રષ્ટિએ ઉચિત માનધન મળે પણ એ સાબિત થાય ત્યાં સુધી એના સમય અને શ્રમનું તો મૂલ્ય ચૂકવાવું જોઈએ. અન્યથા એ આ વિશ્વમાં ટકશે કઈ રીતે? ટકવા માટે જો એણે કળા સિવાયની પ્રવૃત્તિ કરવી પડશે તો એની કળા માટે એ સમય અને શક્તિ કઈ રીતે બચાવશે? કેટલી બચાવશે? માટે કળાકારને મહેનતાણું (પુરસ્કાર નહીં, મહેનતાણું) મળે એ આવશ્યક છે.  

આપણા વિષય સાથે આ વાતનું અનુસંધાન કરતાં: જો નવોદિત લેખકને સામયિક કે જે કોઈ પણ તેમની કૃતિ પ્રકાશિત કરે તેણે  મહેનતાણું ચૂકવવું જોઈએ. ખરેખર તો જ્યારે કોઈ લેખકની વાર્તા કોઈ પ્રકાશન છાપવાનું નક્કી કરે છે ત્યારે જ જે તે વાર્તાનું કળામૂલ્ય સ્વીકારીને એવો નિર્ણય લે છે. તો જે લેખકની કૃતિ કળાના ધોરણે ઉત્તીર્ણ થાય છે તે રચનારને કળાનું મૂલ્ય તો ઠીક પણ તેના સમય કે શ્રમનું મૂલ્ય પણ ચૂકવાતું નથી! વક્રતા અને અસંતુલન નથી

બીજો પ્રશ્ન : લેખક કે કવિને તેની કૃતિનું મહેનતાણું ન ચૂકવવાનો નિર્ણય કઈ ભૂમિકાએ લઇ શકાય

કોઈ પણ પ્રકાશનના મુખ્ય પાસાં બે હોય છે : ૧. પ્રકાશનનું તાંત્રિક પાસું અને ૨. સર્જનાત્મક પાસું. તાંત્રિક પાસું એટલે પ્રકાશનના મુદ્રણ અને વિતરણ-વેચાણને લગતી તાંત્રિક વ્યવસ્થા. અને સર્જનાત્મક પાસું એટલે એ પ્રકાશનમાં જે કંઈ મુદ્રિત થાય તે સામગ્રી ( કન્ટેન્ટ). 

હવે તાંત્રિક પાસાને લગતા ખર્ચ દરેક સામયિક કરે જ છે. જેમ કે છપાઈ અને વિતરણ. સર્જનાત્મક પાસા બાબત સામયિક એવી અપેક્ષા શા માટે રાખે કે એના માટે કોઈ ખર્ચ ન કરવો જોઈએ

જવાબ છે : તાંત્રિક પાસા (પ્રિન્ટર અને વિતરક) મફતમાં સેવા આપવા ‘ના’ પાડી શકે છે અને ના જ પાડે. પરંતુ સર્જનાત્મક પાસાની પૂરવણી કરનારા એટલે કે લેખકો અને કવિઓ ‘ના’ પાડવાની સ્થિતિમાં નથી હોતા કેમ કે એમને એમની કૃતિ છપાય એની આવશ્યકતા છે માટે ‘વગર મહેનતાણે તો વગર મહેનતાણે છપાય તો છે!’ જેવા આશ્વાસન સાથે તેઓ પોતાની કૃતિ મફતમાં છપાવા દેતા હોય એમ બને. પણ એ થઈ  લેખક/ કવિઓની બાજુ. આ બાબતમાં પ્રકાશકોનું વલણ શું છે? શું હોવું જોઈએ? કોઈ કઠિયારો પોતાની અંગત વિવશતાને કારણે મફતમાં લાકડા કાપી આપવા તૈયાર થાય કે કોઈ રસોઈયો રસોઈ બનાવવાના મજૂરીના પૈસા કોઈક કારણોસર માંગવાની સ્થિતિમાં ન હોય તો શું આપણે એમની સેવા મફતમાં લઈશું? લેવી જોઈએ? કોઈ વિવશ વ્યક્તિનું એ શોષણ ન કહેવાય? અને કળાપ્રવૃત્તિ શોષક નીતિથી ચાલવી જોઈએ

ત્રીજો પ્રશ્ન : લેખક /કવિને આપણે ‘મફતિયા’ તરીકે મૂલવશું, એમના કળાકર્મને કોડીના મૂલ્યને લાયક પણ નહીં ગણીશું તો તેઓ જે કૃતિઓ આપશે તે કેવી હશે! અને એ ગુણવત્તા માટે જવાબદાર કોણ ગણાવું જોઈએ

મૂળ પ્રશ્ન મારો અંગત પ્રશ્ન લાગે છે પણ સંકળાયેલા પેટા પ્રશ્નો સહુ લેખકો અને વાચકોને સ્પર્શે છે. માટે અંગત લાગતો આ પ્રશ્ન મેં જાહેરમાં મૂક્યો છે. ખરેખર તો મૂળ પ્રશ્નમાંથી ઉદ્ભવેલા આ પેટા પ્રશ્નો વધુ અગત્યના છે. મારે કોઈ વાર્તાની નોંધ લખવી કે નહીં લખવી એ મુદ્દો સાવ નગણ્ય છે. પણ એ નિમિત્તે પ્રકાશમાં આવેલા આ પેટાપ્રશ્નો અતિ મહત્વનાં છે, તમને, મને, આપણા સમાજને અને ગુજરાતી સાહિત્યને એમ સહુને સ્પર્શે છે

માટે મિત્રો, મારી વિનંતી છે કે આપ સહુ આપનું મંતવ્ય જણાવો. અહીં આ પોસ્ટ નીચે ટિપ્પણીના ખાનામાં અથવા ઇનબોક્સમાં (મેસેન્જરમાં).

ક્યા સામયિકો પુરસ્કાર નથી આપતા એની માહિતી પણ તમે મને ઇનબોક્સમાં (મેસેન્જરમાં) જણાવી શકો છો.

મંતવ્ય/માહિતી આપનાર મિત્રો પોતાના નામ ગુપ્ત રાખવા ઇચ્છે તો તે અર્થાત ગુપ્ત રહેશે.

--કિશોર પટેલ, 28-10-2022; 09:05

###

(સંલગ્ન ચિત્રસૌજન્ય: Google Images)


No comments: