શબ્દસૃષ્ટિ સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ
(૬૯૨ શબ્દો)
--અને તુલસીપત્ર (અજય પુરોહિત):
એક મહિનાના પ્રવાસેથી પાછા આવેલા નાયકને જાણ થાય છે કે એની
ગેરહાજરીમાં પાડોશીની દીકરી કુસુમના લગ્ન લેવાઈ ગયાં છે. કુસુમે મોકલાવેલા ફોટાઓમાં
થોરની છબી જોઇને નાયક અનુમાન લગાવે છે કે કુસુમ દુઃખમાં હોઈ શકે. રુક્ષ સ્વભાવના
એના પિતાએ કુસુમને કોણ જાણે કેવી જગ્યામાં પરણાવી દીધી હશે એવું વિચારી નાયક દુઃખી
થાય છે. કુસુમની તપાસ પણ ક્યાં કરવી? પાડોશીના ઘેર તાળું છે. કુસુમે ઉછેરેલા
બાગમાં સહુ ફૂલછોડ સૂકાઈ ગયાં છે.
પાડોશીના ઘેર આવેલી ટપાલ પરથી મળેલા સરનામાંની તપાસ કરતાં
નાયકને એક પછી એક બે ગામની મુલાકાત લેવી પડે છે. અંતે એને જાણવા મળે છે કે
કુસુમનું લગ્ન તો એની ઈચ્છા વિરુદ્ધ થયેલું પણ સાસરિયાં અને પતિ એવા ભલાં મળ્યાં છે
કે કુસુમને છૂટાછેડા આપીને એનું મન જ્યાં
મળી ગયું છે ત્યાં એને પરણાવી આપવાની કવાયત ચાલી રહી છે.
કુસુમ સુખમાં રહેશે એ જાણી નાયકને અને વાચકને પણ આનંદની
લાગણી થાય છે. સુખાંત વાર્તા.
# આ વાર્તા “--અને
તુલસીપત્ર” પ્રગટ થઈ એ પછી છેલ્લા એક મહિનામાં મને ત્રણ-ચાર ફોન આવ્યા. “કિશોરભાઈ,
જુઓ તો ખરા, શબ્દસૃષ્ટિમાં એક વાર્તાની નકલ છપાઈ છે!”
તપાસ કરતાં મને ખ્યાલ આવ્યો કે પ્રસ્તુત વાર્તા તો
શબ્દસૃષ્ટિના ડિસેમ્બર ૨૦૨૧ અંકમાં પ્રગટ થયેલી ગિરિમા ઘારેખાનની વાર્તા “ગુલાબ,
બારમાસી, મનીપ્લાન્ટ અને—ની અનુગામી વાર્તા છે!
આ વાર્તા જોડે પ્રસ્તાવનામાં “ગુલાબ, બારમાસી, મનીપ્લાન્ટ
અને—વાર્તાનું કથાનક” નોંધ સાથે એ વાર્તાનો સારાંશ અપાયો છે અને લખાયું છે: હવે
આગળ વાંચો:
આના પરથી ફક્ત એટલો ખ્યાલ આવે છે કે કોઈ એક પ્રસિદ્ધ થયેલી
વાર્તાને લેખકે આગળ ચલાવી છે.
મારા નમ્ર અભિપ્રાય મુજબ અપાયેલી માહિતી અધૂરી છે.
જયારે આ રીતે પ્રયોગ થયો હોય ત્યારે વાર્તા જોડે સંપૂર્ણ
આનુષાંગિક માહિતી આપવી જોઈએ. વાર્તાનું શીર્ષક, લેખકનું નામ, જે તે વાર્તા ક્યા
સામયિકમાં અને ક્યારે પ્રગટ થઈ હતી એની માહિતી પણ આપવી જોઈએ. આવી માહિતીના અભાવે બિનજરૂરી
ગેરસમજો થતી હોય છે.
એક ઉદાહરણ આપું. આ જ લેખક અજય પુરોહિતની એક વાર્તા
“ત્રાજવું” શીર્ષક હેઠળ મમતા વાર્તામાસિકના જૂન ૨૦૨૧ અંકમાં પ્રગટ થઈ હતી. એક
ઉંમરલાયક કન્યાના લગ્નની વાત ચાલતી હોય એવામાં ખબર પડે કે કન્યાની ત્વચા પર તો
ડાઘા છે! કન્યાના વડીલો મૂંઝાઇ જાય, કરવું શું? મમતામાં આ વાર્તા પ્રગટ થયા પછી
ખૂબ મોટો હોબાળો થયો કે આ વાર્તા તો પ્રતિષ્ઠિત વાર્તાકાર કિરીટ દૂધાતની વાર્તા
“બાયું” ની નકલ છે!
હકીકતમાં લેખક અજય પુરોહિતે બાયું ની અનુગામી વાર્તા લખી
હતી. એ વાર્તા મમતાને મોકલતી વેળા એની જોડે માહિતી પણ આપી હતી કે વાર્તા
“ત્રાજવું” એ કિરીટ દૂધાતની વાર્તા “બાયું”ની અનુગામી વાર્તા છે પણ સરતચૂકથી આ
માહિતી વાર્તા “ત્રાજવું” જોડે પ્રગટ ના થઈ અને ગેરસમજનો મોટો દાવાનળ સળગ્યો. અજય પુરોહિતના માથે ખૂબ માછલાં ધોવાયા.
#
લેખકે તો અનુગામી વાર્તા જોડે મૂળ વાર્તાનું શીર્ષક અને
લેખકનું નામ આપ્યું હોય પણ જેમ “ત્રાજવું” જોડે બન્યું એમ સરતચૂકથી એવી માહિતી પ્રગટ ના થઈ તો?
આવા સંજોગોમાં એક બીજો રસ્તો છે. અગાઉથી જ સાવધાની રાખીને લેખકનું
નામ અને મૂળ વાર્તાનું શીર્ષક અથવા મુખ્ય પાત્રનું નામ જો વાર્તામાં જ વણી લેવાય
તો આપમેળે સ્પષ્ટતા થઈ જાય. આવું કેવી રીતે થઈ શકે એના બે ઉદાહરણ હું આપું છું.
૧. ઉર્દુ ભાષાના એક વાર્તાકાર સુરેન્દ્ર પ્રકાશે મુનશી
પ્રેમચંદની જાણીતી નવલકથા “ગોદાન” ના નાયક હોરીને લઈને એક ટૂંકી વાર્તા લખી
“બિજુખા.” બિજુખા એટલે ચાડિયો. મમતા
સપ્ટેમ્બર ૨૦૧૮ અંકમાં આ વાર્તાનો અનુવાદ પ્રગટ થયો છે. આ વાર્તાનું પહેલું વાક્ય
છે:
// પ્રેમચંદની વાર્તામાંનો હોરી એટલો ઘરડો થઇ ગયો હતો કે
એની પાંપણ અને ભ્રુકુટિના વાળ પણ સફેદ થઇ ગયાં હતાં. //
૨. સુંદરમની એક વાર્તા “માને ખોળે” ખૂબ જાણીતી છે. જયારે આ
વાર્તાની અનુગામી વાર્તા “બાપની છોડી”
(જલારામદીપ, જૂન ૨૦૨૦) મેં લખી ત્યારે
સુરેન્દ્ર પ્રકાશ પાસેથી પ્રેરણા લઈને મેં એમાં પહેલું વાક્ય આ પ્રમાણે લખ્યું
હતું:
// સુંદરમની વાર્તામાંની શબૂને શ્વાસ લેવામાં તકલીફ પડતી
હતી. //
આ રીતે લખ્યું હોય તો લેખકે આપેલી મૂળ વાર્તાની /મૂળ
લેખકની માહિતી ના પણ છપાય તો પણ વાચકને
ખ્યાલ આવી જાય કે આ વાર્તા કોઈ જાણીતા લેખકની કોઈ વાર્તાના પાત્રને લઈને લખાઈ છે.
પહેલાંના સમયમાં કવિઓ પોતાની રચનામાં પોતાનું નામ વણી લેતા. જેમ કે “ભણે
નરસૈંયો...” અથવા “કહેત કબીર સુન ભાઈ સાધો...” આજના સમયમાં પણ કવિઓ ગઝલમાં પોતાનું
નામ/તખલ્લુસ વણી લે છે ને!
--કિશોર પટેલ, 05-10-22; 09:31
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment