શબ્દસર જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ
વિષે નોંધ
(૩૯૫ શબ્દો)
જુલાઈ અંકમાં એક સરસ વાર્તા રજૂ થઈ છે.
સળિયા (વંદના શાન્તુઈંદુ):
મધુબેન નામનાં વયસ્ક મહિલાએ આખી જિંદગી સાસુનો તાપ સહન
કર્યો છે. પાછલી જિંદગીએ એમનાં મગજ પર અસર થઈ ગઈ છે. સળિયા કે સળિયા જેવું કંઈ
દેખાય તેની ગણતરી કરવા માંડે છે. મધુબહેનના દીકરો-વહુ અમેરિકા રહે છે. એમણે મધુબહેનની
દેખરેખ માટે ચોવીસ કલાકની એક કેરટેકર રાખી છે.
એક નિયમિત મુલાકાતમાં મધુબહેનના ડોક્ટર કહે છે કે મધુબહેનને
હવે સારું છે અને કેરટેકરે એમની જોડે રહેવાની હવે જરૂર નથી.
ડોક્ટરને એ ખબર નથી કે મધુબહેનને કેરટેકરની જરૂર ભલે ના
હોય, કેરટેકર બહેનને મધુબહેનની જરૂર વધારે છે.
વાર્તામાં રહસ્ય સરસ ગૂંથાયું છે, છેવટે તો પ્રશ્ન એ ઊભો
થાય છે કે કોણ કોનું કેરટેકર હતું? શીર્ષક સૂચક છે. સળિયા એટલે માણસોને કોઈ એક ચોકઠામાં
મૂકી દેવાની આપણી માનસિકતા. સરસ રીતે કહેવાયેલી રસપ્રદ વાર્તા.
#
ઓગસ્ટ ૨૦૨૨ અંકમાં ત્રણ લઘુકથાઓ રજૂ થઈ છે:
૧. અહોભાવ (ગિરા પિનાકિન ભટ્ટ): પોતાનું માણસ કહીને
બસમાં ઓળખીતાં પ્રવાસીની ટિકિટ કઢાવીને વળતા પ્રવાસમાં એની પાસેથી બમણી વસૂલી
કરવાની જાળમાં સપડાવતી એક સ્ત્રીની લુચ્ચાઈની વાત.
૨. બે રૂપિયા (નસીમ મહુવાકર): સમય સાથે ચલણી નાણાના
બદલાતાં મૂલ્યોની વાત.
૩. જીર્ણોધ્ધાર (રેખાબા સરવૈયા): જૂનાં મકાનોની જેમ શું
જૂના સંબંધોનો પણ જીર્ણોધ્ધાર થઈ શકે?
#
સપ્ટેમ્બર ૨૦૨૨ માં પ્રગટ થયેલી વાર્તા અન્યત્ર પ્રગટ થઈ
ચૂકી છે જેની કદાચ શબ્દસર સામયિકને જાણ નથી.
એક અધરાતે (નગીન દવે): એક
બહારવટિયાની ગેરહાજરીમાં એની પત્નીની અવદશા જોઇને શિવુભાને પોતાનાં પત્ની-બાળકો
યાદ આવે છે જેમને કહ્યાકારવ્યા વિના છોડીને પોતે પરદેશ નાસી આવ્યો હતો. એ ભૂલનું
પ્રાયશ્ચિત કરવા હવે એ કૃતનિશ્ચયી બને છે. સરસ, હ્રદયસ્પર્શી વાર્તા. આ વાર્તા આ
અગાઉ મમતા ઓગસ્ટ ૨૦૨૨ માં પ્રગટ થઈ ચૂકી છે.
એક જ વાર્તા બબ્બે સામયિકમાં?
વાર્તા એક સામયિકને મોકલ્યા પછી વાજબી સમયમાં
સ્વીકાર-અસ્વીકારનો ઉત્તર ના મળે ત્યારે લેખકો પોતાની એ વાર્તા અન્ય સામયિકમાં
મોકલતા હોય છે. પછી ઘણી વાર થાય છે એવું કે બંને ઠેકાણે વાર્તા પ્રગટ થઈ જાય છે.
તંત્રી/સંપાદકો લેખકોને વાર્તાના સ્વીકાર/અસ્વીકારનો ઉત્તર
વાજબી સમયમાં આપી દેતા હોય તો આવા ગોસમોટાળા ના થાય. કોઈ વાર નિર્ણય લેતાં મોડું
થાય તો લેખકને ફોન કરીને પૂછી લેવાય કે વાર્તા બીજે ક્યાંય મોકલી તો નથી ને? પણ
આપણા મોટા ભાગના તંત્રીઓ/સંપાદકો પાસેથી આવા સૌજન્યની આશા રાખવી આકાશકુસુમવત
છે.
--કિશોર પટેલ, 23-10-22; 09:32
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment