બુદ્ધિપ્રકાશ
જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૩૨૭ શબ્દો)
ત્રણ જુદાં જુદાં અંકોની ત્રણે વાર્તાઓ સ્ત્રીકેન્દ્રી છે. ત્રણે
વાર્તાઓમાં સ્ત્રીનું અલગ અલગ રૂપ જોવા મળે છે.
ઘર (લતા હિરાણી): પરણ્યા પછી ખાસો સમય શારીરિક અને માનસિક બંને રીતે
સ્ત્રી-પુરુષ એકબીજાંથી દૂર રહે છે. પુરુષના સૂચનથી સ્ત્રી પિયરને ગામડે જાય છે.
અર્થહીન લગ્નજીવનથી કંટાળીને સ્ત્રી કાયમ માટે ગામ રહેવાનું વિચારે છે ત્યાં એને
ફોન પર વોઈસ મેસેજમાં પુરુષનો એકરાર સાંભળવા મળે છે. એબ છુપાવીને એની જોડે લગ્ન કરી
એણે જે છેતરપીંડી કરી એ માટે એ માફી માંગે છે. સ્ત્રી ઉદાર દિલે એને માફ કરી દે
છે, એની પાસે શહેર પાછા જવાનું નક્કી કરે છે પણ ત્યાં પુરુષ પોતે જ એના પિયરના ગામ
પહોંચી જાય છે. સ્વચ્છ મનનાં નિર્મળ
માણસોની વાત. પ્રવાહી અને પ્રભાવી રજૂઆત. (જુલાઈ
૨૦૨૨)
કાપો (પારુલ ખખ્ખર): સ્ત્રીને દ્વિતીય નાગરિક ગણી કાઢવાની પુરુષપ્રધાન
માનસિકતા સામે વિદ્રોહ કરતી નારીની વાત. વર્ષોથી સૂક્ષ્મ ઘરેલુ હિંસાનો શિકાર બનેલી
નાયિકા એક અસહાય બાળકીની મદદે મક્કમપણે ઊભી રહે છે. નારીચેતનાની વાર્તા. (ઓગસ્ટ
૨૦૨૨)
એંધાણી (કંદર્પ ર. દેસાઈ): બીજા પુરુષ બહુવચન કથનશૈલીમાં એક સ્ત્રીના પોઈન્ટ
ઓફ વ્યુથી કહેવાયેલી એક પ્રેમકથા. કથક નાયકના એકપક્ષી પ્રેમમાં છે. નાયક
સ્ત્રીમાત્રને બીજા દરજ્જાની ગણે છે. આમ છતાં એની એક અમીનજર માટે કથક આખું જીવન તલસે
છે. નાયકના મનમાં શું છે તે કળાતું નથી. છેવટે એ કથક સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે
ખરો પણ એ ચોક્કસ હેતુથી મૂકાયેલો પ્રસ્તાવ છે. જેમનાં માટે સામાજિક કાર્ય કરવું છે
એ સ્ત્રીઓ નાયક અપરિણીત હોવાથી એની ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકતી નથી. ખેર, કથક મનોમન
આશ્વાસન લે છે કે એ અન્ય કોઈને પણ પસંદ કરી શક્યો હોત, સહુને છોડીને એની પાસે
આવ્યો એ શું ઓછું છે?
અંતમાં ક્થકે નાયક્ના પ્રસ્તાવને ફગાવી દીધો હોત તો કંઇક
જૂદું, કંઇક અણધાર્યું બન્યું હોત.
નારીચેતનાની ના બનતાં સ્ત્રીસમસ્યાની બની રહેલી એક સક્ષમ
વાર્તા. (સપ્ટેમ્બર ૨૦૨૨)
--કિશોર પટેલ, 25-10-22; 09:45
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment