Tuesday, 11 October 2022

મમતા સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

મમતા સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ:              

(૭૪૩ શબ્દો)

સૌપ્રથમ અંકની સરસ વાર્તા વિષે:

ફસલ (વલ્લભ નાંઢા): મિત્રના ભોળપણનો ગેરલાભ લેતા આદમીની વાત. જબરદસ્ત રજૂઆત. મૂળ વાત લેખકે એટલી મોઘમ કહી છે કે મઝા આવી ગઈ!  વાર્તાનું સંપૂર્ણ રહસ્ય આ ધ્રુવવાક્યમાં છે: “રણબીરના ભાઈબંધોએ તેના ભોળપણનો અનેક વાર લાભ ઉઠાવ્યો છે.” અફલાતૂન વાર્તા. અનુભવી અને પીઢ લેખકની નીવડેલી કૃતિ. ક્યા બાત!      

રાજીનામુ (મુનશી પ્રેમચંદની મૂળ હિંદી વાર્તા: અનુવાદ વિરાફ કાપડિયા): પરિવારના લાભાર્થે અંગ્રેજ સાહેબની ગાળો સાંભળી લેતા નાયકને જાણ થાય કે એની પત્ની તો કોઈ પણ ભોગે પોતાના પતિની બહાદુરી જોવા ઈચ્છે છે ત્યારે એ રંગ બદલે છે. એ અંગ્રેજ સાહેબ સામે વિદ્રોહ કરે છે. ડરી ગયેલો અંગ્રેજ સાહેબ સુલેહનો વાવટો ફરકાવે છે.

આ વાર્તા ભારતદેશ બ્રિટીશ શાસન હેઠળ હતો એ સમયની છે. વાર્તામાં પ્રેમચંદ સામાન્ય ભારતીય નાગરિકના આત્મસન્માનની જોડે જોડે અંગ્રેજોની લુચ્ચાઈનું પણ ચિત્રીકરણ કરે છે. સરસ વાર્તા.     

વડી નગરીનો વિનાશ (રશિયન લેખક યેફિમ ઝેઝુલ્યા, પ્રસ્તુતિ: યશવન્ત મહેતા): આ એક કાલ્પનિક નગરીની વાત છે. વિદેશી રાજ્યકર્તાઓ આ નગરી પર ચડાઈ કરે છે અને આ નગરી પર આધિપત્ય જમાવી દે છે. તેઓ વડી નગરીની ઉપરના આકાશમાં એક નગરનું બાંધકામ કરે છે. આ વડી નગરીના ગરીબ-તવંગર સહુને  એ નગરનું બાંધકામ કરવા મજૂરીએ જોતરવામાં આવે છે. વડી નગરીનું આકાશ છીનવાઈ જાય છે. રહી રહીને આ બદલાયેલી સ્થિતિમાં વડી નગરીના રહેવાસીઓ વિદ્રોહ કરે છે અને આક્રમણકારીઓને ભગાડી દઈને સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે.

સોન (કિશોર વ્યાસ): લેખક અને પાત્ર વચ્ચે પ્લેટોનિક પ્રેમસબંધની વાત.

સમાધિ (જ્યોતીન્દ્ર મહેતા): થ્રિલરનો અનુભવ કરાવતી અપરાધકથા. 

પ્રતિચ્છાયા (અર્જુનસિંહ રાઉલજી): અધૂરી ગૂઢકથા.                                                                                    

પડછાયા ઝાલવા અઘરા રે લોલ! (બંચિત કૌરની મૂળ પંજાબી વાર્તા, અનુવાદ: સંજય છેલ): લાંબા સમય પછી મળેલી બે સખીઓ શૈશવની મધુર સ્મૃતિઓ વાગોળે છે. મઝાની હળવીફૂલ વાર્તા.

પંજાબી ભાષાની વાર્તાનો સીધો ગુજરાતી અનુવાદ થયો હશે. અથવા ધારો કે હિન્દી/અંગ્રેજી અનુવાદમાંથી ગુજરાતી અનુવાદ થયો હોય તો પણ મધ્યસ્થી અનુવાદકને શ્રેય આપવું જોઈએ એવું અનુવાદક/તંત્રી/સંપાદકને આવશ્યક જણાયું નથી. ગુજરાતી સામયિકોમાં ભાગ્યે જ કોઈ મધ્યસ્થી અનુવાદકને શ્રેય આપે છે. “આ ઠીક નથી થતું.થી વિશેષ તો આપણે શું કહી શકીએ?

ન્યાય (અજય પુરોહિત): ખલનાયકનો જીવલેણ અકસ્માત કરાવીને ધર્મસંકટમાં મૂકાયેલી નાયિકાને અદ્રશ્ય શક્તિ ઉગારી લે છે.

#

આ મહિને શબ્દસૃષ્ટિમાં જે થયું છે તેનું પુનરાવર્તન અહીં મમતામાં થયું છે. અજય પુરોહિતની વાર્તા “ન્યાય” એટલે મમતા વાર્તામાસિકના અગાઉના એક અંકમાં પ્રસિદ્ધ થઈ ગયેલી એક વાર્તાની અનુગામી વાર્તા. મૂળ વાર્તાના લેખકને શ્રેય ના આપવાનો જે શિરસ્તો શબ્દસૃષ્ટિએ અપનાવ્યો છે એનું મમતાએ અનુસરણ કર્યું છે. આ શિરસ્તાને હું માનવસહજ ભૂલ કે સરતચૂક નહીં પણ અક્ષમ્ય લાપરવાહીનું ઉદાહરણ કહીશ.

બંને કિસ્સાઓમાં તંત્રી/સંપાદક જાણે છે કે પ્રસ્તુત વાર્તા કોઈ એક ચોક્કસ વાર્તાની અનુગામી વાર્તા છે. શબ્દસૃષ્ટિના કિસ્સામાં તંત્રી/સંપાદક મૂળ વાર્તાનો સાર આપે છે પણ મૂળ લેખકનું નામ આપવાનું એમને સૂઝતું નથી! મમતાના કિસ્સામાં વાર્તા જોડેની નોંધમાં સામયિકના તંત્રી/સંપાદક મમતા મંડળીના મુખવટા પાછળથી કહે છે કે “...આ વાર્તાનો પ્રથમ ભાગ તો અમે જાણીએ છીએ....” આમ છતાં તેઓ પ્રથમ ભાગના લેખક વિષે કે શીર્ષક વિષે ચૂપકીદી સેવે છે! આવી હરકતને આપણે શું કહીશું?

બંને કિસ્સામાં પીડિત લેખક એક જ છે: ગિરિમા ઘારેખાન. શબ્દસૃષ્ટિના સપ્ટેમ્બર ૨૦૨૨ અંકમાં પ્રગટ થયેલી અજય પુરોહિતની વાર્તા “--અને તુલસીપત્ર” એટલે શબ્દસૃષ્ટિના ડિસેમ્બર ૨૦૨૧ અંકમાં પ્રસિદ્ધ થયેલી ગિરિમાબેનની “ગુલાબ, બારમાસી,  મનીપ્લાન્ટ અને—” ની અનુગામી વાર્તા જયારે મમતાના આ અંકમાં પ્રગટ થયેલી અજય પુરોહિતની વાર્તા “ન્યાય” એટલે મમતાના ઓગસ્ટ ૨૦૨૧ અંકમાં પ્રગટ થયેલી ગિરિમાબેનની વાર્તા “દ્વિધા” ની અનુગામી વાર્તા.  

આ રીતે વાર્તા પ્રસિદ્ધ થાય ત્યારે માહિતીના અભાવે કોઈ વાચક ગેરસમજ કરી શકે કે પહેલો ભાગ પણ આ જ લેખકે લખ્યો હશે.  વાચકનો વાંક કઈ રીતે કાઢી શકાય?

એવું જણાય છે કે આ વાર્તાકાર શ્રીમાન અજય પુરોહિતને અગાઉ પ્રગટ થઈ ચૂકેલી અન્ય લેખકોની વાર્તાઓની અનુગામી વાર્તાઓ લખવામાં  વિશેષ રુચિ છે. આમાં ખોટું કંઈ જ નથી. ખોટું તો ત્યારે થાય છે જ્યારે મૂળ લેખકને શ્રેય મળતું નથી. ખોટું ત્યારે થાય છે જયારે જે તે સામયિક લાપરવાહી દાખવે છે.

વાર્તાકાર અજય પુરોહિતને વિનંતી કે જયારે પણ તમે અનુગામી વાર્તા પ્રસિદ્ધિ અર્થે મોકલો ત્યારે મૂળ લેખકને પણ જરૂરથી શ્રેય આપો. આ વિષે જે તે સામયિકના તંત્રી/સંપાદકને ફોન/ઈમેઈલ/પોસ્ટકાર્ડ/ટેલિગ્રામ/ચિઠ્ઠીથી વિનંતી કરો અથવા રૂબરૂ મુલાકાત લઈને એમની જોડે વાર્તાલાપ કરો.       

આ સમસ્યાનો એક ઉપાય છે શીર્ષક જોડે પેટા શીર્ષક આપવું. દા.ત. અજય પુરોહિતની આ વાર્તાનું શીર્ષક અને પેટાશીર્ષક આવું હોઈ શકે:

શીર્ષક: ન્યાય

પેટાશીર્ષક:  ગિરિમા ઘારેખાન લિખિત “દ્વિધા” ની અનુગામી વાર્તા, લેખક: અજય પુરોહિત

એ જ પ્રમાણે શબ્દસૃષ્ટિ સપ્ટેમ્બર ૨૦૨૨ અંકમાં પ્રકાશિત વાર્તાનું શીર્ષક અને પેટાશીર્ષક આવું હોઈ શકે:

શીર્ષક: --અને તુલસીપત્ર

પેટાશીર્ષક: ગિરિમા ઘારેખાન લિખિત “ગુલાબ, બારમાસી, મનીપ્લાન્ટ અને--” ની અનુગામી વાર્તા, લેખક: અજય પુરોહિત

--કિશોર પટેલ, 12-10-22; 08:59

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

   

No comments: