Monday, 10 October 2022

ઝરુખોમાં નાટયનિર્માતા રાજેન્દ્ર બુટાલા


 

ઝરુખોમાં નાટયનિર્માતા રાજેન્દ્ર બુટાલા

(૪૮૧ શબ્દો)

શનિવાર તા ૮ ઓક્ટોબર ૨૦૨૨ ની સાંજે બોરીવલી, મુંબઈ ખાતે શ્રી સાંઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ દવારા સંચાલિત “એક સાહિત્યિક સાંજ ઝરુખો” કાર્યક્રમમાં મહેમાન હતા ગુજરાતી રંગભૂમિમાં આગેવાન નાટયનિર્માતાશ્રી રાજેન્દ્ર બુટાલા.

કાર્યક્રમનું માળખું તદ્દન અનૌપચારિક રહ્યું. સંચાલકશ્રી સંજય પંડયા અને ઉપસ્થિત શ્રોતાઓ દવારા પૂછાયેલા પ્રશ્નો અને બુટાલાસાહેબ દવારા અપાયેલા ઉત્તરોમાંથી  એમની દીર્ઘ નાટયયાત્રાનો પરિચય મળ્યો. 

રાજેન્દ્રભાઈ મૂળે ગીતસંગીતના કાર્યક્રમોનું કોમ્પેરિંગ (સંચાલન) કરતા. તેઓ મિમિક્રી આર્ટીસ્ટ તરીકે જાણીતા હતા.  

કારકીર્દીની શરૂઆતના દિવસોનો એક મજેદાર અનુભવ એમણે કહ્યો. લગ્ન પછી મધુરજની માટે બહારગામ જવાની તૈયારી કરતા હતા ત્યારે એમને શમશાદ બેગમ નાઈટ પ્રસ્તુત કરવાની ઓફર મળી. એ દિવસોમાં શમશાદ બેગમ મોટાં સ્ટાર હતાં. મધુરજનીનો કાર્યક્રમ મુલતવી રાખીને એમણે શમશાદ બેગમનો કાર્યક્રમ રજૂ કર્યો હતો.

લોકપ્રિય નવલકથાકાર હરકિશન મહેતાની નવલકથા “તરસ્યો સંગમ” પરથી બનેલા નાટકનું એમણે નિર્માણ કર્યું હતું. એ  નાટકમાં મુખ્ય ભૂમિકાઓમાં હતા અરવિંદ ત્રિવેદી અને વિષ્ણુકુમાર વ્યાસ.  

શૈલેશ દવે લિખિત “સંઘર્ષ” નામનું એક નાટક ફક્ત ચાર પ્રયોગોના અંતે બંધ પડી ગયું ત્યારે રાજેન્દ્રભાઈને થયું કે આ નાટક થોડાંક ફેરફાર કરીને રજૂ કરવામાં આવે તો જરૂર સફળતા મેળવી શકે. એમણે શૈલેશ દવેને જરૂરી ફેરફાર સૂચવ્યા અને એ પ્રમાણે સુધારા થયાં એ પછી નાટક જ્વલંત સફળતાને વર્યું. એ નાટકનું નવું નામ હતું: રમત શૂન્ય ચોકડી.

એક પ્રશ્નના ઉત્તરમાં ગુજરાતી રંગભૂમિ પર હાલમાં ચાલતાં નાટકો વિષે એમણે કહ્યું કે અમારે પ્રેક્ષકોની માંગણી મુજબ નાટકો રજૂ કરવા પડે છે. મારી પોતાની ઈચ્છા તો સાંપ્રત સામાજિક સમસ્યાઓ વિષે નાટકો નિર્માણ કરવાની છે પરંતુ પ્રેક્ષકોને કેવળ કોમેડી નાટકો જોવા છે એટલે નાછૂટકે અમારે એવાં જ નાટકો રજૂ કરવા પડે છે.

કોરોના મહામારીના સમયગાળા માટે એમણે કહ્યું કે આપણા સહુ માટે અને વિશેષત: રંગભૂમિ માટે એ કપરો કાળ હતો. કેવળ રંગભૂમિ પરથી જેઓ રોજીરોટી મેળવે છે એવા કલાકાર કસબીઓનો ચૂલો સળગતો રહે એ માટે અમે સહુએ એક થઈને બનતા પ્રયાસ કર્યા હતા. હવે જયારે સરકાર દવારા નાટયપ્રયોગોની ભજવણી ઉપરના પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યાં છે ત્યારે અમે પણ ધીમે ધીમે બેઠાં થઈ રહ્યાં છીએ.     

એમની દીર્ઘ નાટયકારકિર્દી દરમિયાન એમની જોડે દિગ્દર્શક તરીકે અરવિંદ વૈધ, અભિનેતા તરીકે ધર્મેશ વ્યાસ તેમ જ સેજલ શાહે  જેવા કલાકારોને મહત્તમ નાટકોમાં એમનો સાથ નિભાવ્યો છે.

એમના જાણીતાં અને સફળ નાટકોની સૂચિ આ પ્રમાણે છે: સાથિયામાં એક રંગ ઓછો, રમત શૂન્ય ચોકડી, અઢી અક્ષર પ્રેમના, પટરાણી, રાજયોગ, કલાપી, નરસૈયાનો નાથ, મારે જાવું પેલે પાર, ગાંધી વિરુદ્ધ ગાંધી, ગુરુબ્રહ્મા, જો બકા પરણવું તો પડે, ચકરડી ભમરડી.   

કાર્યક્રમ દરમિયાન ત્રણ એકોક્તિ રજૂ થઈ.

૧. દીપ્તિ બૂચ લિખિત એકોક્તિની રજૂઆત કરી ખુશી મશરૂએ જેમાં શિક્ષણની લગની માટે ગૃહત્યાગ કરી જતી એક કન્યાની સંઘર્ષકથાનું નિરૂપણ થયું.

૨. હુસેની દવાવાલા લિખિત એકોક્તિની રજૂઆત કરી  દેવ જોશીએ જેમાં પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીના જીવન અને કાર્યની ઝલક મળી.

૩. હિમાંશી શેલત લિખિત એકોક્તિની રજૂઆત કરી પ્રીતિ જરીવાલાએ જેમાં એક સ્ત્રીની પીડા રજૂ થઈ જે વરસો પછી પિયરમાં આવે છે અને જુએ છે કે એની ખાલી પડેલી જગ્યા તો ક્યારની પૂરાઈ ગઈ છે અને કોઈને એની ગેરહાજરી સાલતી નથી.

ત્રણે કલાકારોએ જીવંત અભિનય દવારા પ્રેક્ષકનું મન મોહી લીધું.

એકંદરે સરસ કાર્યક્રમ અને સરસ રજૂઆત!

--કિશોર પટેલ, 11-10-22; 09:36

###     

      

 

     

 

No comments: