એતદ જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૬૯૯ શબ્દો)
ઘર (ગિરિમા ઘારેખાન):
ઘર માટેની માયા. જે ઘરમાં માણસ ઉછર્યો હોય એ ઝટ ભૂલાતું
નથી. એ ઘર ભલે એણે છોડી દીધું હોય પણ ઘર એને છોડતું નથી.
નાયિકા સાથે અહીં આવું જ કંઇક બને છે. મેધાના પિતાના મૃત્યુ
પછી પિયરનું ઘર ખાલી પડયું છે. મેધાનો પતિ ખાલી પડેલા ઘરનો ટેક્સ જરૂર ભરે છે પણ
એને કે એના દીકરાને એ ઘરમાં રસ નથી. એમને રસ હોય પણ ક્યાંથી? એ ઘરમાં તો મેધા મોટી
થઈ છે. મેધાને તો ડગલે ને પગલે ઘર જોડે સંકળાયેલી અસંખ્ય યાદો જીવતી થાય છે. જૂના
ઘેર એ આવી તો છે એક ઘરાકને ઘર દેખાડવા માટે પણ એનો એકંદર અભિગમ જાણે ઘર વેચવું જ
ના હોય એવો જણાય છે. પેલા ઘરાકને ઘર પસંદ પડી ગયું છે ને એણે મનોમન ઘર ખરીદવાનું
નક્કી કરી લીધું છે એ જાણ્યા પછી મેધા એને ઘરની કિંમત કદાચ કંઇક વિચિત્ર લાગે એવી
વધારે કહે છે જે કદાચ પેલા ઘરાકના બજેટની બહાર છે. ટૂંકમાં, મેધા ઈચ્છે છે કે ઘરાક ઘર ખરીદવાની ના પાડી દે.
વાર્તાનું સ્વરૂપ ફાંકડું છે. પિયરનું જૂનું બંધ પડેલું ઘર
વેચવાનું નક્કી થઈ ગયું છે. ઘરાક જોડે નક્કી થયેલા સમયે મેધા શહેરમાંથી જૂનાં ઘેર
આવે છે અને ઘરાકને ઘર બતાવે છે. ઘરની કિંમત જાણ્યા પછી “ફોન કરીને જણાવું છું”
કહીને ઘરાક જતો રહે છે અને મેધા પણ શહેર તરફ પાછી ફરે છે. બસ, આટલી જ ઘટના છે પણ
દરમિયાન ભાવક સતત અનુભવતો રહે છે કે મેધા એ ઘર જોડે કેટલી તીવ્રપણે જોડાયેલી છે. વાર્તાકારની
કમાલ એ છે કે મેધાની મન:સ્થિતિ વિષે ક્યાંય શબ્દોમાં કશું કહ્યું નથી, એના એકંદર
આવિર્ભાવ પરથી, ગ્રાહક જોડેની વાતચીત દરમિયાન એના પ્રતિભાવો અને શારીરિક હલનચલનથી
જ બધું કહેવાઈ જાય છે.
વાર્તાકારની કુશળ કારીગીરીના નમૂનારૂપ, સરસ અને હ્રદયસ્પર્શી
વાર્તા.
નાયિકાનું ન પહોંચવું (વીનેશ અંતાણી):
સંબંધવિચ્છેદની વાત.
એક સમયે નિકટ આવેલાં સ્ત્રી-પુરુષ નોકરી-વ્યવસાય નિમિત્તે
વિખૂટાં પડે. પત્રો-ઈમેઈલ-ફોન દ્વારા સંપર્ક જળવાઈ રહે. છતાં ભૌગોલિક અંતરના અને/અથવા
અન્ય કોઈ કારણે બંને વચ્ચેના સંબંધમાં કંઇક અંતર તો પડે જ છે. અચાનક એક વાર
પુરુષનો ફોન આવે પછી એને મળવા જવા માટે નાયિકા ટ્રેનનું રિઝર્વેશન તો કરાવે છે પણ
જતી નથી.
શારીરિક રીતે પુરુષને મળવા નહીં ગયેલી નાયિકા માનસિક રીતે એ
જ ટ્રેન દ્વારા, એની એ જ આરક્ષિત બેઠકમાં/બર્થમાં પુરુષના શહેર સુધીનો પ્રવાસ કરે
છે. એ ગંતવ્ય સ્થાને પહોંચે પણ છે, પુરુષને મળે છે અને નથી મળતી.
ઘરની બારીમાંથી દેખાયેલો પુલ હવે બંને છેડેથી તૂટેલો દેખાય
છે. પુલ પર અવળી ઊભેલી વ્યક્તિ એની સામે ફરીને જુએ ત્યારે નાયિકા એને ઓળખી જાય છે,
બીજું કોણ? એ સ્વયં!
પોલેન્ડની નોબેલવિજેતા કવિયત્રી વિસ્લાવા શિમ્બોર્સકાના એક
કાવ્ય પરથી પ્રેરિત આ વાર્તા એક સફળ પ્રયોગ કહી શકાય એવી રસપૂર્ણ બની છે.
સૂર્યવતી, એ અને હું (સાગર શાહ):
વિજાતીય આકર્ષણની વાત.
સૃષ્ટિના માનવ સહિત દરેક પ્રાણીમાં કુદરતે વિજાતીય આકર્ષણ
મૂકેલું છે. રાજસ્થાનના કિલ્લાઓ અને મહેલો જેવા સ્થળે પ્રવાસે ગયેલો નાયક ફાજલ
સમયમાં ઐતિહાસિક નવલકથા વાંચે છે જેમાં એક સિપાહી અને એક રાજપૂત રાણીની પ્રેમકથા
વણાયેલી છે. આવી પૃષ્ઠભૂમિમાં રિસોર્ટના સ્વિમિંગ પુલમાં એને એક નવયૌવનાનું દર્શન
થાય છે. એની મુગ્ધતા અને એના સૌંદર્યથી આકર્ષાયેલો નાયક એનું ધ્યાન કરતાં કરતાં
મનોમન એની જોડે દૈહિક નિકટતા પણ અનુભવે છે.
નાયક સભ્યતાની હદ વટાવી ના જાય એ માટે વાર્તાકારે એની પત્ની
ઉપરાંત એક મિત્રદંપતીને પણ જોડે રાખવાની યોજના કરી છે. બંને દંપતી ઉચ્ચશિક્ષિત છે.
મિત્ર વૈભવ વ્યવસાયે આર્કિટેક્ટ છે જે સહુને રાજસ્થાનના મહેલના સ્થાપત્યની બારીકીઓ
સમજાવે છે. મિત્રો વચ્ચે રાજમહેલની રાણીઓ વિષે મસાલેદાર ચર્ચાઓ થાય છે. નાયકને નોકરીના
ભાગરૂપે ઐતિહાસિક નવલકથાનો અભ્યાસ કરવાનો છે. આ બધાં પરિબળોની ઉપસ્થિતિમાં પેલી નવયૌવનાનું
નજરે પડવું નાયકની વિચારપ્રક્રિયાને દિશા અને
આકાર આપે છે.
એક પુરુષના મનોવ્યાપારની પઠનીય વાર્તા.
* * *
આ અંકમાં પ્રગટ થયેલી બે અનુવાદિત વાર્તાઓના વિષયમાં અજબ યોગાનુયોગ+વિરોધાભાસ
છે. એક વાર્તામાં સ્ત્રી વિનાના પુરુષોની કથા છે અને બીજી વાર્તામાં પુરુષ વિનાની સ્ત્રીઓના
વિશ્વની કલ્પના થઈ છે.
સ્ત્રી વિનાના પુરુષો (હારુકિ મુરકામી, અંગ્રેજી
અનુ: ફિલિપ ગેબ્રિયલ, ગુજરાતી અનુવાદ: પ્રિયંકા જોશી): સ્ત્રીપ્રેમિકાથી વિખૂટા પડી ગયેલા પુરુષની
દાસ્તાન.
અનંતનું હું એક ભૂલભર્યું પગલું (માનસી હોળેહુન્નુર
લિખિત મૂળ મરાઠી વાર્તા, અનુવાદ: કિશોર પટેલ): આ વાર્તાની નાયિકા એવી દિશામાં જઈ રહી છે જ્યાં
પુરુષોની જરૂર જ ના હોય.
--કિશોર પટેલ, 31-07-22 09:46
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
# આ લખનારની વાર્તાઓ
અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com
No comments:
Post a Comment