બાલભારતી નાટયશાળામાં બે એકાંકીઓની ભજવણી ૩૧ જુલાઈ ૨૦૨૨
(૫૭૮ શબ્દો)
ઈ.સ. ૨૦૧૮ માં બાલભારતી, કાંદીવલી પશ્ચિમ, મુંબઈ ખાતે
બાલભારતી નાટયશાળાની શરૂઆત થઈ એ સાથે જ મુંબઈના પશ્ચિમના પરાંમાં પ્રાયોગિક
રંગભૂમિની ચળવળની શરુ થઈ એમ કહેવું ઉચિત રહેશે. કોરોના મહામારીના કારણે માર્ચ ૨૦૨૦
પછી દોઢ-બે વર્ષ માટે સ્થગિત થયેલી આ પ્રવૃત્તિ છેલ્લા બેએક મહિનાથી ફરી શરુ થઈ
છે. રવિવાર ૩૧ જુલાઈ ૨૦૨૨ ની સાંજે થયેલો પ્રયોગ ૯૦ મો (નેવુ મો) હતો. બાલભારતી સંસ્થા
વતી ટ્રસ્ટીશ્રી હેમાંગભાઈ તન્નાસાહેબે એમના પ્રાસ્તાવિક ઉદબોધનમાં જણાવ્યું કે બાલભારતી
નાટયશાળા ટૂંક સમયમાં પ્રયોગોની સદી ફટકારવાની તૈયારીમાં છે.
એક સ્પષ્ટતા કરવી જરૂરી છે. બાલભારતી ખાતે નાટયપ્રયોગો જોવા
માટે પ્રેક્ષકો પાસેથી કોઈ પ્રવેશ ફી લેવામાં આવતી નથી. જી હા, અહીં પ્રવેશ
નિ:શુલ્ક છે. વચ્ચે એકાદ-બે નાટયપ્રયોગ માટે પ્રવેશ શુલ્ક રાખવામાં આવ્યું હતું,
પણ એ એક પ્રયોગ હતો, હાલ તુરંત તો પ્રવેશ ફી આકારવાનું કોઈ આયોજન નથી, ટૂંકમાં નજીકના
ભવિષ્યમાં આ પ્રયોગો નિ:શુલ્ક જોઈ શકાશે. અહીં વહેલો તે પહેલોના ધોરણે પ્રેક્ષકોને
પ્રવેશ આપવામાં આવે છે.
હા, વ્યવસાયિક નાટયગૃહોની સરખામણીએ અહીં તખ્તો કદમાં થોડોક
નાનો જરૂર છે પણ નાટકની ભજવણી માટે પર્યાપ્ત કદનો છે. આ વાતાનુકૂલિત થિયેટરમાં
પ્રકાશયોજના અને ધ્વનિવર્ધક યંત્રોની સગવડ પણ ઉપલબ્ધ છે. પ્રેક્ષકગૃહ નાનું છે અને
બેઠકો મર્યાદિત છે એ વાત સાચી. આશરે ૭૦ જેટલાં પ્રેક્ષકો સગવડદાયક રીતે સમાવી શકાય
છે. જો કે રવિવાર તા.૩૧ જુલાઈ ૨૦૨૨ની સાંજે સો ઉપરાંત પ્રેક્ષકો ઉમટી પડયા હતાં. આ
એક વિક્રમ છે. ૯૯ પ્રેક્ષકો માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોડેથી આવેલા દસ-બાર
પ્રેક્ષકોને પણ જાકારો અપાયો ન હતો, એમને ઊભા ઊભા નાટક જોવાનો પર્યાય અપાયો હતો જે
એમણે સ્વીકારી લીધો હતો.
પ્રસ્તુત છે રવિવાર, ૩૧ જુલાઈ ૨૦૨૨ ની સાંજે રજૂ થયેલા બે
નાટકો વિષે ટૂંકમાં:
એકાંકી ૧
તંબાકુથી થતાં નુકસાન
લેખક: એન્ટોન ચેખોવ, રૂપાંતર અને દિગ્દર્શન: હેમાંગ તન્ના. આ
એકોક્તિની ભજવણી કરી હુસેની દવાવાલાએ.
વિશ્વપ્રસિદ્ધ રશિયન વાર્તાકાર ચેખોવ લિખિત આ એકોક્તિ
ઓલટાઈમ હીટ છે. આ પૂર્વે અનેક કલાકારોએ એની ભજવણી કરી છે, હજી પણ વિવિધ ભાષાઓમાં
સમયાંતરે ક્યાંકને ક્યાંક એની ભજવણી થયા કરતી હોય છે.
એક જાહેર સભામાં વ્યાખ્યાન આપવા આવેલા વક્તા તમામ વાતો એને
અપાયેલા વિષય સિવાયની કરે છે. જેમ કે પોતે પત્નીપીડિત પતિ છે અને એની પત્ની એનું
વિવિધ પ્રકારે એનું કેવું શોષણ કરે છે. વક્તાની ભૂમિકામાં હુસેની દવાવાલાએ આંગિક
અને વાચિક અભિનય વડે પ્રેક્ષકોને સરસ મનોરંજન પૂરું પાડયું.
એકાંકી ૨
ઘરજમાઈ સદન
લેખક: હેમંત કારિયા, દિગ્દર્શન: હુસેની દવાવાલા.
રસિકલાલ અને સવિતા પોતાની યુવાન દીકરી શીલા માટે યોગ્ય
મૂરતિયાની તપાસમાં છે. સવિતાની ઈચ્છા છે કે શીલાને પરણાવીને સાસરે ના મોકલતાં એના
માટે ઘરજમાઈ શોધવો. સ્વાનુભવે રસિકલાલ એવું ઈચ્છે છે કે કોઈ યુવાને ઘરજમાઈ થઈને
જિંદગી બરબાદ કરવી જોઈએ નહીં. આમ પતિ-પત્ની વચ્ચે સંઘર્ષ થયાં કરે છે. એમાં વળી
સવિતાને લાગે છે કે કોઈ ઉમેદવાર સ્વેચ્છાએ ઘરજમાઈ થવા તૈયાર થાય એમાં શું મઝા? જે
ઉમેદવાર ઘરજમાઈ રહેવા તૈયાર ના હોય એવાને જ ઘરજમાઈ બનવા મજબૂર કરીએ તો ખરી મઝા
આવે. પાડોશી શાંતિલાલ પોતાના દીકરાનું ચોકઠું શીલા જોડે ફીટ કરવા ઉત્સુક છે પણ એની
વાતને કોઈ ગણકારતું નથી. લગ્નોત્સુક કન્યા શીલાએ પોતાના માટે રમેશ નામના યુવાનને
ઘરજમાઈ બનાવવા પટાવી લીધો છે. દરેક વાતમાં “હાસ્તો વળી!” કહીને હોંકારો આપતા
રમેશમાં ઘરજમાઈ બનવાના સર્વ ગુણ દેખાઈ આવે છે. સવિતાની બાને ઓછું સંભળાય છે જે
વારંવાર પૂછયા કરે છે કે “મને કોઈક તો કહો કે શું થયું?” દરેક વખતે રસિકલાલ સાસુને
કહ્યા કરે છે કે “પણ તમે ચૂપ રહોને!”
ઘરજમાઈ જેવો વિષય આમ તો જૂનો કહેવાય પણ અહીં વૈવિધ્યપૂર્ણ
પાત્રો જોડે વિનોદી પરિસ્થિતિ નિર્માણ થાય છે. સફાઈદાર પ્રસ્તુતિને કારણે અંદાજે
કલાક જેટલા સમયગાળાનું આ દીર્ઘ એકાંકી પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં સફળ રહે છે.
આ પ્રયોગમાં કલાકારોની પાત્રસૂચિ: રસિકલાલ=રાજન સોરઠિયા, સવિતા=માનસી
પંડયા, શીલા=વિશ્વા ઘરછ, બા=પ્રજ્ઞા ભીમજિયાની, રમેશ=અર્પિત શેઠ, અને શાંતિલાલ=દેવ
જોશી.
--કિશોર પટેલ; 02-08-22; 10:01
###
No comments:
Post a Comment