બાલભારતીમાં વાર્તાપઠન ૨૩ જુલાઈ ૨૦૨૨
(૬૨૨ શબ્દો)
“મુંબઈમાં અનેક શિક્ષણસંસ્થાઓની સ્કુલ/કોલેજ છે, દરેકની
પાસે મકાન છે, જગ્યા છે, સાહિત્યિક પ્રવૃત્તિ કરવાની સગવડ આ દરેક સ્કુલ/કોલેજ પાસે
છે, પણ કોઈને આવી પ્રવૃત્તિ કરવામાં રસ નથી, સિવાય કે બાલભારતી.”
શનિવાર તા.૨૩ જુલાઈ ૨૦૨૨ ની સાંજે જાણીતા
સાહિત્યકાર/પ્રકાશક ભાઈશ્રી સતીશ વ્યાસે ઉપરોક્ત શબ્દોથી “બાલભારતી વાર્તાવંત”ના ઉપક્રમે
વાર્તાપઠનના કાર્યક્રમની શરૂઆત કરી. બાલભારતી શિક્ષણસંસ્થાના ટ્રસ્ટી શ્રી
હેમાંગભાઈ તન્નાસાહેબને એમણે અભિનંદન આપ્યા અને આભાર માન્યો.
સૌ પ્રથમ વાર્તા “કાળુ” ની રજૂઆત કરી જાણીતી યુવા વાર્તાકાર
કુસુમ પટેલે.
નોકરી કરતી વાર્તાની નાયિકાના દૈનિક જીવનમાં એક અજાણ્યો
માણસ પ્રવેશ કરે છે. મુંબઈ શહેરમાં જાહેર
પરિવહનના અનેક સાધનો ઉપલબ્ધ છે પરંતુ ધસારાના સમયે માંગની સામે પૂરવઠો ખૂટી પડતો હોય
છે. આમ છતાં નાયિકાને રોજ સવાર-સાંજ કોઈક
રીતે રીક્ષા મળી રહેતી હોય છે. વરસાદ હોય, ભીડભાડ હોય પણ એક રીક્ષા એને જરૂર મળી
જાય છે. થોડાક દિવસો પછી એના ધ્યાનમાં આવે છે કે રોજેરોજ એક ચોક્કસ રીક્ષા જ એને
મળે છે! જાણે એની જ માલિકીની રીક્ષા હોય અને એની જ રાહ જોતી ઊભી હોય! શરૂઆતમાં ભય
અને પછી કુતૂહલની લાગણીથી નાયિકા રીક્ષાડ્રાઈવર જોડે વાતચીત શરુ કરે છે. કાળુ
નામનો એ રીક્ષાવાળો આખરે છે કોણ? જેમ વાર્તા આગળ વધે એમ કાળુનું રહસ્ય ઘેરાતું જાય
છે. છેક અંતમાં રહસ્યસ્ફોટ થાય છે. સાદ્યંત જકડી રાખતી સરસ વાર્તા!
બીજી રજૂઆત કરી કિશોર પટેલે એમની વાર્તા “ભદ્રંભદ્રની
મેટ્રોસવારી” ની.
ગાંધીયુગના સાહિત્યકાર રમણભાઈ નીલકંઠની નવલકથા “ભદ્રંભદ્ર” ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ હાસ્યનવલકથા ગણાય
છે. પ્રસ્તુત વાર્તામાં એવી કલ્પના થઈ છે કે ભદ્રંભદ્ર અને એનો સાથીદાર અંબારામ
આજના સમયમાં મુંબઈમાં આવ્યા છે. એમનો કામચલાઉ ઉતારો વર્સોવામાં છે અને એક ધર્મસભાનું
આયોજન થયું છે ઘાટકોપરમાં. વરસોવાથી ઘાટકોપર જવા તેઓ મેટ્રો ટ્રેનમાં સફર કરે છે.
ભદ્રંભદ્રની આ સફરમાં એટલી ધમાચકડી થાય છે કે જાહેર સ્થળે આતંક ફેલાવવાનો આરોપ
મૂકી રેલ્વે પોલીસ એમની ધરપકડ કરીને લોકઅપમાં નાખી દે છે.
હળવી શૈલીની આ રજૂઆતને શ્રોતામિત્રોનો સરસ પ્રતિસાદ મળ્યો.
કોફી બ્રેક પછી ત્રીજી રજૂઆત કરી અમદાવાદથી પધારેલા જાણીતા વરિષ્ઠ
વ્યંગકાર સ્વાતિબેન મેઢે. એમની વાર્તાનું શીર્ષક હતું: “ટપાક ટપાક ટપાક ટપ.”
વાર્તાની રજૂઆત પહેલાં પ્રસ્તાવના કરતાં સ્વાતિબેને કહ્યું
કે તેમની વાર્તાના કેન્દ્રમાં મુખ્યત્વે સ્ત્રીઓ જ રહે છે પણ ક્યારેય તેઓ સ્ત્રીઓની
સમસ્યા કે દુઃખ/પીડાની વાતો કરતાં નથી. સ્ત્રીઓની હળવી બાજુને પ્રકાશમાં લાવવાનું
એમને ગમે છે.
પ્રસ્તુત વાર્તામાં વિષય હતો સ્ત્રીઓની કેટલીક ખાસિયત. આ વાત
કહેવા વાર્તાકારે આલંબન લીધું છે રાંધણકળાનું.
નાયિકા અને એની ભાભી વચ્ચેના મૈત્રીસભર સંવાદોથી વાર્તા શરુ
થાય છે. નાયિકા અને એની ભાભીમાંથી એક ચોક્કસ પ્રકારની ચટણી અને બીજી એક ચોક્કસ
પ્રકારનો સોસ બનવવામાં પારંગત છે. નાયિકા જેમાં પારંગત છે એ ચટણી ભાભી બનાવવા
માંગે છે અને ભાભી જેમાં પારંગત છે એ સોસ નાયિકા બનાવવા માંગે છે. અત્યંત સહજ અને
સરળ લાગતી આ બાબત માનવીય સ્વભાવની આંટીઘૂંટી રજૂ કરવામાં સફળ રહે છે. સંપૂર્ણ
વાર્તા હળવી શૈલીમાં સરસ રીતે રજૂ થઈ.
ચોથી અને છેલ્લી રજૂઆત હતી સભાના સંચાલકશ્રી સતીશ વ્યાસની વાર્તા
“પણ પહેલાં મારી વાત સાંભળો” ની.
આ એક કપોળકલ્પિત (ફેન્ટસી) વાર્તા હતી. એક સ્ત્રીને એના
સાસરિયાંએ સળગાવી મારી છે. મર્યા પછી એનો આત્મા પોતાને ન્યાય અપાવવા આપ્તજનોને વિનંતી
કરે છે પણ કોઈ એનું સાંભળતું નથી.
એક ગંભીર સમસ્યાની અહીં હળવી શૈલીમાં સરસ રજૂઆત થઈ. સ્વજનના
મૃત્યુ પછી માણસો કેટલી સહજતાથી પોતપોતાના દૈનંદિન જીવનમાં વ્યસ્ત થઈ જાય છે એ
અંગે વાર્તાકારે કટાક્ષ કર્યો છે.
આમ વિષય અને રજૂઆતમાં ચારે વાર્તાઓ વૈવિધ્યપૂર્ણ હતી!
કાર્યક્રમના પ્રારંભમાં પ્રાસ્તાવિક ઉદબોધન કર્યા બાદ
બાલભારતીના મુખિયા હેમાંગભાઈએ સતીશભાઈને મંચ સોંપ્યો ત્યારે સતીશભાઈએ એમની
ઝોળીમાંથી આઠ-દસ દળદાર પુસ્તકોનો ઢગલો ટેબલ પર કર્યો. આ લખનારના મનમાં દહેશત વ્યાપી
ગઈ કે એસએનડીટીના આ પૂર્વપ્રાધ્યાપક સહુ શ્રોતાઓનો ક્લાસ લેશે કે શું? પણ એમણે તો
ટૂંકી વાર્તા વિષે મઝેદાર વાતો કરી. સંચાલન દરમિયાન બે વાર્તાઓની વચ્ચે સતીશભાઈએ સામગ્રી
અને રજૂઆતની દ્રષ્ટિએ વિશિષ્ઠ કહી શકાય એવી બે વાર્તાઓ અને એક એકાંકીની ચર્ચા કરી.
આ વાર્તાઓ હતી: ધૂમકેતુની “એક ટૂંકી મુસાફરી”, ઉમાશંકર
જોશીની “મારી ચંપાનો વર” અને વિદેશના એક લેખક પોલ ગેલિકો લિખિત મૂળ અંગેજી
ભાષાનું એકાંકી “The Witness” (સાક્ષી).
ટૂંકમાં, એક અવિસ્મરણીય સાંજ!
--કિશોર પટેલ, 26-07-22; 10:05
###
No comments:
Post a Comment