શબ્દસર જૂન ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ
(૪૦૧ શબ્દો)
કાચની આરપાર ઝરમરિયાં (દ્રષ્ટિ સોની):
નિષ્ફળતાની વાત.
તૂટેલાં સ્વપ્નાંની વાત. રાત્રે જમ્યા પછી ચાલવા જતાં રોજના જોડીદાર દયારામ
પાસે કથક સમય પસાર કરવા એક માણસની વાર્તા કહે છે. એ માણસને જે ટયુશન ક્લાસમાં નોકરી
જોઈતી હતી ત્યાં નોકરી મેળવવામાં એ નિષ્ફળ ગયો એવી વાર્તા એ કહે છે.
વાર્તાની અંદર વાર્તાની પ્રયુક્તિનો સુંદર ઉપયોગ થયો છે.
અંત સરસ કર્યો છે. વાર્તા શરુ થતાં પહેલાં એનું વાતાવરણ સારું જમાવ્યું છે. કથકના
બંને જોડીદાર પાત્રોનું ઓછા શબ્દોમાં ત્રિપરીમાણીય પાત્રાલેખન કરવામાં આવ્યું છે.
વાર્તાકારે ઓછા શબ્દોમાં સંકેતો દ્વારા મહત્વની વાતો કરી છે. પ્રારંભમાં કહેવાયું છે કે કથક વન બીએચકે માંથી ટુ બીએચકેમાં રહેવા ગયો છે. એનો અર્થ એવો થાય કે એણે જીવનમાં ભૌતિક પ્રગતિ કરી છે. અંતમાં કથક કહે છે કે “...મારી સામે અંનત કાળું આકાશ પથરાયેલું છે.” આનો અર્થ એવો થઇ શકે કે ભૌતિક પ્રગતિ કર્યા પછી પણ કથક પોતાના જીવનમાં કદાચ સુખી નથી. દયારામને એણે જે વાર્તા કહી એ એની પોતાની જીવનકથા હતી. એણે જે સ્વપ્ન જોયું હતું એ સાકાર થયું નથી. એને કદાચ ભૌતિક સફળતા જોઈતી ન હતી. એ જે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતો હતો એમાં એ સફળ થઈ શક્યો નહીં એનો અફસોસ એને હંમેશા રહેશે.
“ઝરમરિયું” શબ્દનો અર્થ= ૧. આછા વણાટનું, ૨. આછા વણાટવાળું
વસ્ત્ર. (સંદર્ભ: ગુજરાતી લેક્સિકોન)
ઝરમરિયુંનું બહુવચન ઝરમરિયાં. વાર્તાના ક્થકને ટયુશન
ક્લાસની ઓફિસના કાચની આરપાર ઝરમરિયાં દેખાય છે, માણસોના ઓળા દેખાય છે. એમાંનો એક
તો એના જેવો જ દેખાય છે! એ ઓફિસમાં એને ટયુશન ટીચરની નોકરી મળી નથી, એને
ઇન્ટરવ્યુમાં નાપાસ કરવામાં આવ્યો છે, છતાં એનો જીવ ત્યાં અટકી રહ્યો છે! એને એ
નોકરી જોઈતી હતી! એણે ટયુશન ટીચર બનવાનું સ્વપ્નું જોયું હતું!
અંતમાં દયારામ ક્થકને પૂછે છે: “તું પણ ટયુશન કરાવે છે ને?”
અહીં દયારામ આડકતરી રીતે કન્ફર્મ કરે છે કે જે વાર્તા ક્થકે કરી એ કથકની પોતાની જ
જીવનકથા હતી. કથક હા પાડે ત્યારે એ ચૂપચાપ પોતાને ઘેર જતો રહે છે, ક્થકનું
આત્મસન્માન જાળવવા એ નથી એને કંઈ વધારે પૂછતો કે નથી એને કોઈ દિલાસો આપતો.
વાર્તામાં એની ગર્લફ્રેન્ડના પાત્રની જરૂરિયાત શું છે?
માર્ગઅકસ્માત પછી ગર્લફ્રેન્ડની મદદથી જ એ તૂટેલા સ્વપ્નામાંથી બહાર આવી શકે છે
અને પછી જ પોતાના પર કાબૂ મેળવે છે.
સરસ, પઠનીય અને નોંધનીય વાર્તા!
--કિશોર પટેલ, 16-07-22; 09:01
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
# આ લખનારની વાર્તાઓ
અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com
###
No comments:
Post a Comment