Monday, 18 July 2022

નવચેતન જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવચેતન જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૨૯ શબ્દો)

લીલા તોરણે (અર્જુનસિંહ કે. રાઉલજી):

વર્ણભેદ, દીકરા-દીકરી વચ્ચે ભેદ અને દહેજની સમસ્યા. આમ ત્રણ મુદ્દાઓ સાંકળી, અત્યંત નાટકીય ઘટનાનો પાયો રચીને સંદેશપ્રધાન વાર્તા કહેવાઈ છે. દહેજ ઓછું પડવાથી જે કન્યાને શ્યામ વર્ણની કહીને નકારી એ કન્યા પછીથી ડોક્ટર બનીને એ જ યુવકને જીવલેણ માર્ગ અકસ્માતમાંથી બચાવીને જીવતદાન આપે છે. હવે પેલો યુવક જયારે લગ્નનો પ્રસ્તાવ મૂકે ત્યારે તેને નકારી કાઢીને નાયિકા નારીચેતનાનો પરચો આપે છે.

શા માટે દર બીજા વાક્યના છેડે ત્રણ ટપકાં? શા માટે દર ત્રીજા વાક્યના છેડે આશ્ચર્યચિહ્ન? આવી પ્રાથમિક કક્ષાની રજૂઆત, ત્રણ મુદ્દાની ભેળ અને નાટકીય ઘટનાનું નિરૂપણ: આ લક્ષણોને કારણે વાર્તા સાધારણ બની રહે છે.    

વિનીંગ ટ્રોફી (નિર્ઝરી મહેતા):

કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં ઉજાગર થતી એકપક્ષી પ્રેમની વાર્તા. કોરોના સામેનો જંગ જીતીને ઘેર પાછી આવેલી મમ્મીને એનાં બેઉ બાળકો વિનીંગ ટ્રોફી ગણાવે છે. હોસ્પિટલમાં કામ કરતી નિકિતાએ રાતોના ઉજાગરા કરીને દીપાની સારવારમાં મૂક ફાળો આપ્યો છે. કોલેજમાં જોડે ભણતી નિકિતા મયંક પર એટલી ઓળઘોળ હતી કે મયંક દીપાને પરણ્યો એટલે એ અપરિણીત રહી હતી. આ વાર્તામાં પણ લેખકે છૂટથી આશ્ચર્યચિહનોનો ઉપયોગ કર્યો છે.

અભાગી છોકરી (ચંદ્રકાન્ત પટેલ ‘સરલ’):

બીજા પુરુષ બહુવચન કથનશૈલીમાં કહેવાયેલી ગૂઢકથા. 

શહેરમાં એક મકાનની માલિકણ ચાંદબાઈ નવા આવેલા ભાડૂતને ચેતવે છે કે ધમની નામની જે સ્ત્રી જોડે એણે પરણવાનું નક્કી કર્યું છે તે અભાગી છે. એના ત્રણ વાર લગ્ન થયાં છે અને ત્રણે પતિઓ લગ્ન પછી ટૂંક સમયમાં મૃત્યુ પામ્યા છે. પેલો ભાડૂત મકાનમાલિકણની ચેતવણીને અવગણીને ધમનીને પરણે છે. આ વખતે ધમની પોતે મૃત્યુ પામે છે. ધમનીના મૃત્યુના સમાચાર મળતાં જ ચાંદબાઈ પોતે ઘર બદલીને દૂર જવાની તૈયારી કરે છે.

ચાંદબાઈ પાસે કદાચ કોઈએ લગ્નનો પ્રસ્તાવ  મૂક્યો ન હતો અને ધમનીને પરણવા એક પછી એક ચાર ચાર પુરુષોએ લાઈન લગાવેલી એટલે ચાંદબાઈ કદાચ ધમનીને ધિક્કારવાનું કામ ફૂલટાઈમ કરતી હતી. એ ધમની જ દુનિયામાં ના રહી એટલે ચાંદબાઈને એ વિસ્તારમાં રહેવાનું કોઈ પ્રયોજન જ રહ્યું નહીં! એ ઘર ખાલી કરીને બીજે રહેવા જતી રહે છે.   

આપણે ત્યાં ગૂઢકથાઓ ખાસ લખાતી નથી એવી સ્થિતિમાં પ્રસ્તુત થયેલી આ વાર્તાનું સ્વાગત છે.

વાં...(અશ્વિન જોશી): 

નારીચેતનાની વાર્તા.

લાંબા સમયના લગ્નજીવન પછી પણ સંતાનપ્રાપ્તિ ના થાય ત્યારે આપણા સમાજમાં પુરુષ બીજા લગ્ન કરે છે. પણ આવી સ્થિતિમાં સ્ત્રી બીજા લગ્ન કરે એવા ઉદાહરણો કેટલાં?

આ વાર્તાની નાયિકા પગ પછાડીને સમાજને કહે છે કે સંતાનપ્રાપ્તિ માટે જો પુરુષ બીજા લગ્ન કરી શકતો હોય તો એ જ હેતુ માટે સ્ત્રી પણ બીજા લગ્ન કરી શકે છે!

કાશ્મીરા અને ભરતના સંસારમાં અગિયાર વર્ષ પછી પણ સંતાનનું આગમન થયું નથી. ભરતની માતાને દીકરો-વહુ સરોગસીથી બાળક મેળવે એની સામે વાંધો છે. એ કાશ્મીરાને અંધારામાં રાખી ભરતના બીજા લગ્ન કરાવે છે. કાશ્મીરા વિરોધ નથી કરતી. દોઢ-બે વર્ષ પછી પણ ભરતની બીજી પત્ની શુભ સમાચાર નથી આપતી પણ કાશ્મીરાને સારા દિવસ રહે છે ત્યારે સાસુને આશ્ચર્ય થાય છે. કાશ્મીરા સાસુને જાણ કરે છે કે પોતે ગર્ભવતી છે પણ ભરતથી નહીં. કાશ્મીરાએ સંપૂર્ણ તૈયારી કરીને એવું પગલું લીધું હતું. ઘરમાં જાણ કરતાં પહેલાં જ પોતાના લગ્નબાહ્ય સંબંધનું કારણ આપી એણે ફેમીલી કોર્ટમાં છૂટાછેડાની અરજી આપી દીધી છે. 

કલ્પના નવતર અને ક્રાંતિકારી છે પણ એક દોષ વાર્તામાં રહી જાય છે. જો સરોગેસી જેવા મુદ્દા પર વિચાર થયો હોય તો આ લોકો ભરત-કાશ્મીરાની તબીબી તપાસ કરાવવાની વાત કેમ ભૂલી જઈ શકે? લેખકને આ તપાસવાળી વાતમાં કદાચ સમસ્યા એ લાગી હોય કે ભરતમાં ખામી છે એવું જો જાહેર થઈ જાય તો વાર્તા ધારેલી દિશામાં આગળ ના વધે. પણ આ સમસ્યાનો ઈલાજ છે. તબીબી તપાસમાં ભરતની ખામી પકડાય એ સાચું પણ એવું બતાવી શકાય કે ભરત એ વાત સહુથી દબાવી રાખે છે! આમ પણ પુરુષપ્રધાન સંસ્કૃતિમાં પુરુષ પોતાનો દોષ સહેલાઈથી કબૂલતો નથી. આટલો સુધારો કરી લેવાય તો વાર્તા જડબેસાલક બની જશે.             

--કિશોર પટેલ, 19-07-22; 09:27

### 

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

###

No comments: