મમતા એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૬૬૦ શબ્દો)
ટીન એજ વાર્તાઓના આ વિશેષાંકમાં ખાસું વિષયવૈવિધ્ય છે.
વાર્તાઓના ચયન માટે નિમંત્રિત સંપાદક નીલમ દોશી અને વિશેષાંકની પ્રસ્તુતિ માટે
મમતાના સંચાલકો અભિનંદનના અધિકારી છે.
ઓળખ (સુષ્મા શેઠ):
જૂની વિચારસરણીનાં માતાપિતાનો શિસ્તપાલનનો આગ્રહ અને બાહ્ય
જગતમાં કોલેજિયન સહપાઠીઓની આધુનિક જીવનશૈલી વચ્ચે ભીંસાતી પીસાતી એક તરુણીની
પીડાનું આલેખન.
બારી (શ્રધ્ધા ભટ્ટ):
એક તરુણ કન્યા પિતાની ઉંમરના પરિણીત કથક સમક્ષ પ્રેમનો
એકરાર કરે અને શરુ થાય એક હા-ના વચ્ચેની સંઘર્ષસભર
પ્રેમકહાણી. કથકના મનોભાવોનું યથોચિત આલેખન. ઉપરાછાપરી ગ્લાસ ભરી ભરીને આખી બોટલ
સ્કોચ પીવા બાબતમાં અતિશયોક્તિ થઇ ગઈ. ખેર, સર્જનાત્મક છૂટ તરીકે આવું ક્યારેક ચલાવી
લેવાય.
સોગંદનામું (વંદના શાંતુઇન્દુ):
એક જુદા જ પરિવેશની વાર્તા. કથક અદાલતમાં ન્યાયાધીશ છે.
ક્યારેક સામે આવેલા પુરાવા એક વાત કહેતાં હોય છે અને વાસ્તવિકતા કંઇક બીજી જ હોય
છે. પિતાની થતી રીબામણી અટકે એ માટે તડપતા તરુણની વાત. રસપ્રદ વાર્તા.
કોઈક તો સમજાવો! (ગિરા પિનાકીન ભટ્ટ):
તરુણાવસ્થામાંથી યૌવનપ્રવેશ કરતા એક છોકરાની વાત. અસંવેદનશીલ
સ્વભાવની માતાને કારણે એની અવ્યક્ત લાગણીઓ ડાયરીના પાને ઠલવાતી રહે છે. એના પ્રશ્નો
અને મૂંઝવણોનું સરસ આલેખન.
સોનેરી ઝાંયવાળી માછલી (રેના સુથાર):
આ વાર્તાના કથનમાં પ્રયોગ થયો છે. ઘરમાં રખાતાં માછલીઘરની એક માછલીના પોઈન્ટ ઓફ
વ્યુથી મિશા નામની તરુણીને ઉદ્દેશીને બીજા પુરુષ એકવચનમાં વાર્તા કહેવાઈ છે. સતત
ઝઘડતા માતાપિતાના કારણે આ મિશાને ઘરમાંથી સ્નેહ મળ્યો નથી. પરિણામે એ ડ્રગ્સમાં
સુખચેન શોધે છે. કેફી દ્રવ્યોની બંધાણી મિશા આત્મવિનાશના માર્ગે ધસમસતી જઈ રહી છે.
સંપૂર્ણ વાર્તા નૈરાશ્યભાવથી લથબથ છે.
નિર્લજ્જ (રાજુલ કૌશિક):
ભિન્ન જાતીય ઓળખની વાત. પ્રસ્તુત વાર્તામાં પુત્રની પસંદગી
જુદી છે એ જાણ્યા પછી આઘાત પામેલા પિતાએ પુત્રને “નિર્લજ્જ” જાહેર કરી દીધો! આપણા
દેશમાં એક સમયે જેને ગુનો ગણવામાં આવતો એવા સમલિંગી સંબંધો પ્રત્યે સમાજનો
દ્રષ્ટિકોણ હવે બદલાયો છે પણ હજી લાંબી મજલ કાપવાની છે.
ત્રીજો પુરુષ એકવચન (લીના વછરાજાની):
એક ટ્રાન્સજેન્ડરની વાત. પુરુષ તરીકે જન્મેલું બાળક તરુણ
વયમાં પ્રવેશતાં શરીરમાં પરિવર્તન અનુભવે અને સ્ત્રી બની જાય! એક મનોચિકિત્સક જોડે
પાંચ બેઠક કરીને કામ તમામ! કોઈ ઓપરેશન નહીં, કોઈ અન્ય ઉપચાર નહીં! આ કામ આટલું સહેલું
હશે એની તો અમને ખબર જ ન હતી! શ્રીમંત માતાપિતાએ સામાજિક સંસ્થા સ્થાપી અને શહેરના
બીજા અનેક ટ્રાન્સજેન્ડરોનો ઉધ્ધાર કર્યો! ક્યાંય કોઈ સમસ્યા નહીં, કોઈ સંઘર્ષ
નહીં! આ રચના વાર્તા નથી, અહેવાલ છે.
દયા યાચિકા (બકુલ ડેકાટે):
બળાત્કારનો ગુનો કરનાર સગીર વયનો એક અપરાધી દયાની અરજીમાં દયાને
બદલે કડક સજાની માંગણી કરે છે. પોતે આચરેલા ગુના માટે એ પોર્નોગ્રાફીને જવાબદાર
ગણાવી તેની ઉપર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરે છે. આવી સુફિયાણી વાતોને બદલે જે
ક્ષણોમાં ગુનો આચર્યો તે સમયના અને આગળ પાછળની ઘટના સમયના મનોવ્યાપારનું આલેખન થયું
હોત તો અપરાધી માનસ વિષે કંઇક જાણવા મળ્યું હોત. ખેર, એક અછૂતા વિષયને ન્યાય
આપવાનો પ્રયાસ થયો છે.
શોર્ટ ફિલ્મ (મનોજ સોલંકી):
કન્યાઓ/સ્ત્રીઓ માસિક ઋતુચક્રમાંથી પસાર થાય એ કુદરતી પ્રક્રિયા
માટે શબ્દ “શોર્ટ ફિલ્મ” પ્રયોજાયો છે. વાર્તાનું શીર્ષક સૂચક છે. પુરુષમિત્રને
નાયિકા ગમે છે, એ એને પ્રેમ કરે છે, બધી વાત સાચી પણ એનું આ માસિક ચક્રવાળું આ એક
લક્ષણ એને નથી ગમતું. નાયિકા આ વાત જાણે છે ને એટલે જ એ સમયગાળામાં એ પુરુષમિત્રને
રૂબરૂ મળવાનું ટાળે છે પણ આ પુરુષ મિત્ર ટિપિકલ ભારતીય પુરુષ છે. એને નાયિકા પર
વિશ્વાસ નથી. એને એમ છે કે નાયિકા બહાના કાઢે છે. એ સાબિતીઓ માંગે છે. જ્યાં
વિશ્વાસ નથી ત્યાં પ્રેમ નથી! નાયિકાની આ જ પીડા છે. પ્રેમમાં પણ “ટી એન્ડ સી
એપ્લાય્ઝ” થવા માંડે તેનો શો અર્થ?
આ લેખકની અગાઉની એક વાર્તા “બાઈની જાત” માં પણ સ્ત્રીઓના
માસિક ચક્રની વાત હતી. એમાં આ મુદ્દા પ્રતિ બે પેઢીના ભિન્ન અભિગમ વચ્ચે
સંઘર્ષ હતો. અહીં પુરુષમિત્રના સગવડિયા અભિગમના કારણે થતાં સંઘર્ષની વાત છે.
પાત્રોના મનોવ્યાપારને અભિવ્યક્ત કરવા સોશિયલ મીડિયાની
પરિભાષાનો વાર્તામાં સુંદર વિનિયોગ થયો છે. સરસ અને મઝેદાર વાર્તા!
એકંદરે સરસ વાર્તાનુભવ! મઝાનો વિશેષાંક!
--કિશોર પટેલ, 11-05-22; 09:17
તા.ક. મમતા વાર્તામાસિક સાચે
જ નવોદિત વાર્તાકારોના લાડ લડાવે છે. વાર્તા જોડે છબી/પરિચય નિયમિતપણે પ્રગટ કરવાં
એટલું જ નહીં, મોકો મળ્યો નથી કે મુખપૃષ્ઠ પર વાર્તાકારોની રંગીન છબી ચમકાવી નથી! વાહ!
દાદ તો દેની પડેગી!
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment