કુમાર એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૨૦૯ શબ્દો)
હરિનો મારગ (રાઘવજી માધડ):
ગામડામાં પશુપાલન કરતા હરિનો પરિચય કથકને એક ભલા માણસ તરીકે
થયો છે. અશિક્ષિત હરિ શિક્ષિત વહુનું આણું કરવા પોતાની માલિકીના પશુઓ વેચી દે છે
પણ શિક્ષિત પત્ની જોડે સંસારરથ કદાચ સફળતાપૂર્વક ચલાવી શકતો નથી. ભલા માણસ જોડે
બધું ભલું જ થાય એવું જરૂરી નથી. વાર્તાકાર ક્યાંય વિગતવાર માહિતી આપતા નથી,
પાત્રોના પ્રતિભાવોથી વાર્તાનો પ્રવાહ ઓળખવાનો છે. “હરિનો મારગ છે શૂરાનો...” કાવ્યનો ભાવ અહીં હરિના દાંપત્યજીવન માટે
અભિપ્રેત છે.
હાલાજી! તારા હાથ વખાણું ? કે પટી તારા પગ વખાણું
(લોકકથા, અરવિંદ બારોટ):
શીર્ષક એક જાણીતા લોક્ગીતનું મુખડું છે. કચ્છમાંથી સૌરાષ્ટ્ર પર આક્રમણ કરવા આવેલા જામ
રાવળની શૌર્યકથા અહીં રજૂ થઇ છે. પટી નામની ઘોડી પર સવાર જામ રાવળના એક શૂરવીર
યોદ્ધાએ ભાગી છૂટેલા દગાબાજ શત્રુ પર ભાલાનો એવો વાર કર્યો કે શત્રુ અને તેનો ઘોડો
બંનેને વીંધતો ભાલો ભોંયમાં જડાઈ ગયો! પટી નામની ઘોડીની અજબ દોડ અને યોધ્ધાના
હાથની ગજબ કરામતની પ્રસંશા આ ગીતમાં થઇ છે. ગીતના મૂળમાં રહેલી એ ઘટનાને આ જાણીતા
લોકકથાકારે શબ્દદેહ આપ્યો છે.
--કિશોર પટેલ, 12-05-22; 09:17
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment