પરબ એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૨૯૩ શબ્દો)
ચિતારો (વંદના શાંતુઇન્દુ):
શું વધુ મહત્વનું? કળા કે જીવન?
પ્રસ્તુત વાર્તામાં જીવન અને વાસ્તવિકતાની સેળભેળ થાય છે. ફેન્ટેસી એવી છે કે ચિત્રકારે દોરેલાં ચિત્રની નાયિકા જીવંત
થાય છે. નાયિકા વાવનું પાણી લાવીને ચિત્ર પર છાંટે એટલે ચિત્રમાંની માછલી જીવતી
થાય છે. એ જોઇને ચિત્રકારને એની પ્રેમિકાનું સ્મરણ તાજું થાય છે.
તરત જ ચિત્રકાર સાવધ થાય છે. કળા અને જીવન વચ્ચે અંતર
રાખવાનું એ સમજે છે. પિતાએ માતાને અન્યાય કર્યો હતો તેવો અન્યાય પોતાની પ્રેમિકા સાથે
નહીં થવા દે એવું એ નક્કી કરે છે.
ચિત્રમાંની નાયિકા સજીવન થાય એ ભાગ રોમાંચક છે. સરસ રજૂઆત.
વાર્તા-કલહ (દીવાન ઠાકોર):
પરિવારમાં સંવાદનો અભાવ. પિતા-પુત્ર, પતિ-પત્ની અને ઈતર
સર્વે માનવીય સંબંધોમાં એક ફરિયાદ આપણે ત્યાં સામાન્ય છે કે ‘તમે મને ઓળખ્યો/ઓળખી
જ નથી.’ બિલકુલ આ રીતે સામી કબૂલાત પણ એટલી જ સામાન્ય હોય છે કે ‘હું તમને ઓળખી
શક્યો/શકી નથી.’ આ વાર્તામાં નાયકની
ફરિયાદ છે કે એ પોતાના પિતાને ઓળખી શક્યો નથી. આ સિલસિલો આગળ ચાલે છે. નાયકની
પત્નીની ફરિયાદ કરે છે કે એ પોતાના પતિને ઓળખી શકી નથી. આ સ્થિતિ માટે બહુધા કારણ
પણ ઘણું સામાન્ય છે: સંવાદનો અભાવ. વિજ્ઞાનની ઝડપી પ્રગતિના આ સમયમાં દુનિયા જેટલી
સાંકડી થઇ ગઈ છે માણસો એટલાં જ એકબીજાથી દૂર થવા માંડ્યા છે. ચોવીસ કલાક જોડે
રહેતાં માણસો પણ એકબીજા માટે આવી ફરિયાદ કરતાં હોય છે. એક વૈશ્વિક લાગણીને શબ્દબદ્ધ
કરતી સરસ વાર્તા.
જો કે આ વાર્તા અપ્રકાશિત નથી, આ અગાઉ શબ્દસૃષ્ટિના જૂન
૨૦૨૧ અંકમાં આ વાર્તા પ્રસિદ્ધ થઇ ચૂકી છે. ફરક એટલો કે ત્યાં એનું શીર્ષક કેવળ
“કલહ” હતું, અહીં “વાર્તા-કલહ” છે.
--કિશોર પટેલ, 10-05-22; 08:58.
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment