Sunday, 8 May 2022

શબ્દસૃષ્ટિ એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

શબ્દસૃષ્ટિ એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૬૦ શબ્દો)

ખારોપાટ (ગોરધન ભેસાણિયા):

દોષભાવના. નાયકને મનના ખૂણે ગુનાહિત ભાવના છે કે પોતે પહેલી પત્ની સંતોકને અન્યાય કર્યો છે. એમાં વળી સંતોકના પિયરના છોકરાએ જે ખબર આપ્યા એનાથી એ ધ્રુજી ઉઠ્યો છે. પોતાના હાથે મોટી ભૂલ થઇ ગઈ છે એની એને ખાતરી થઇ ગઈ છે. પાંચ-છ વર્ષમાં સંતાનપ્રાપ્તિ થઇ નહીં છતાં સવજીએ પોતે તબીબી તપાસ ના કરાવતાં સંતોક પાસે ખોટું બોલીને એનામાં જ ખોટ છે એવું ઠસાવ્યું. છૂટી થયેલી સંતોક બીજે પરણીને વરસમાં જ માતા બની જયારે સવજી જે બીજી પત્ની લાવ્યો છે તેને જન્મેલું સંતાન કદાચ સવજીનું પોતાનું ના પણ હોય એવી શક્યતા ઊભી થઇ છે. સંતોક માટે સવજીની માતાએ કહેલાં કડવા વેણ હવે પોતાને, પોતાની નવી પત્નીને, તેના થયેલાં સંતાનને જ લાગુ પડશે કે શું એવી ભીતિથી સવજી ભયગ્રસ્ત થઇ ગયો છે.  કશું જ સીધું ના કહેતાં સંકેતોમાં કહેવાની કળા આ વાર્તાકારને હસ્તગત છે. શીર્ષક ખારોપાટ સૂચક છે.

પ્રારંભમાં અપાયેલી ખેતીવિષયક માહિતી વાર્તા માટે કેટલે અંશે ઉપકારક છે તે અલગ ચર્ચાનો વિષય છે.  એક વાત માત્ર નોંધવાલાયક છે કે લેખક પોતે ખેતી જોડે સક્રિયપણે સંકળાયેલા હોવાથી આવી અધિકૃત માહિતી આપી શકે છે. ગ્રામસંવેદનની આપણી વાર્તાઓમાંથી ગામડાના વિવિધ વ્યવસાયો અંગે આ રીતે માહિતી મળવી જોઈએ.         

ગુલાબી મોજડી (પરબતકુમાર નાયી):

જે વાત પર નાયકે મનમાંને મનમાં મહેલ બનાવ્યો એ મહેલનો પાયો જ કાચો નીકળ્યો. બસપ્રવાસમાં એક રૂપાળી છોકરીની સેન્ડલ હાથ લાગતાં વાર્તાનો નાયક દલજી મનોરથ ઘડે છે કે આવી સેન્ડલ પહેરનારી લઇ આવું ને જીવનભર મોજ કરું. કન્યાનો ફોટો મોબાઈલમાં જોઇને  દલજી લગ્ન માટે હા પાડે છે. શહેરની આખી બજાર ફરીને નવોઢા માટે એ રૂપાળી સેન્ડલ ખરીદે છે. પણ અફસોસ, લગ્ન પછી દલજીને ખબર પડે છે કે એની સાથે દગો થયો છે, કન્યાનો એક પગ બનાવટી છે. વાંઢા રહી ગયેલા યુવકો જોડે આ પ્રકારે થતી છેતરપીંડી પર આ વાર્તા પ્રકાશ પાડે છે.

બદલો (વિજ્ઞાનકથા, રવીન્દ્ર અંધારિયા):

સાયફાય (સાયન્સ ફિક્શન) વાર્તા. દેશમાં જંગલો આડેધડ કપાઈ રહ્યાં છે, પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે. પ્રકૃતિ ચૂપચાપ કેટલું સહન કરે? ફેન્ટેસી એવી થઇ છે કે સ્વરક્ષણ માટે વૃક્ષો પોતાની અંદર ખાસ પ્રકારનું રસાયણ તૈયાર કરે છે. જે કોઈ વૃક્ષ કાપવા આવે તેની આંખો ઉપર પેલા રસાયણનો સ્ત્રાવ થાય એટલે હુમલાખોરની દ્રષ્ટિ જતી રહે!  

કલ્પના સરસ છે પણ રજૂઆત અહેવાલાત્મક.

એક આડવાત. પ્રકૃતિ આપમેળે સ્વરક્ષણના ઉપાયો કરતી હોય છે એનું એક ઉદાહરણ અહીં ટાંકવાની ઈચ્છા થાય છે. આપણા સિલેબસ બહારની વાત છે પણ જાણવા જેવી છે.  એક સમયે વીરપ્પને હાથીદાંતની દાણચોરી કરવા માટે દક્ષિણ ભારતના જંગલોમાંના હાથીઓની આડેધડ કતલ ચલાવેલી. અંગ્રેજી અખબાર “હિંદુ”માં એક લેખ વાંચ્યાનું યાદ છે જેમાં કહેવાયું હતું કે પ્રકૃતિએ પછી બહાર દેખાતાં હાથીદાંત વિનાના હાથીઓની પ્રજાતિ જન્માવી!  ના રહેગા બાંસ, ના બજેગી બાંસુરી!

--કિશોર પટેલ, 09-05-22; 09:05

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

       


No comments: