Tuesday, 1 February 2022

નવનીત સમર્પણ ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૯૧ શબ્દો)

પ્રસ્તુત અંકની વાર્તાઓમાંથી નોંધનીય કૃતિની વાત પહેલાં કરીએ.

બાપુજી મને...(ગિરિમા ઘારેખાન):

હ્રદયસ્પર્શી વાર્તા. જીવતેજીવ સદાય નડ્યા એ બાપુજીએ મૃત્યુ પછી દીકરાને પાણીમાં તણાઈ જતો બચાવ્યો. હકીકતમાં વરસાદનું તોફાન તો બાહ્ય પરિબળ છે, ખરું તોફાન તો બાપુજીના મૃતદેહને જોયા પછી રોહિતના મનમાં મચ્યું છે. પિતાના શબને પકડી રાખવામાં જોખમ પણ હતું, વખતે એ શબ પોતાની જોડે રોહિતને પાણીના પ્રવાહમાં ઘસડી પણ ગયું હોત. પરંતુ ત્યાં સુધીમાં તો રોહિતના મનનો મેલ ધોવાઈ ગયો હતો, એને કદાચ એ રીતે ઘસડાઈ જવું પણ મંજૂર હોત.  વાર્તામાં તોફાન  એક પ્રતિક તરીકે સરસ યોજાયું છે. રોહિતમાં થતું ભાવપરિવર્તન અનન્ય વાર્તાક્ષણ છે. સરસ વાર્તા.

લાગણી (કેશુભાઈ દેસાઈ):

વિશ્વ આખું ચિત્ર-વિચિત્ર માણસોથી ઉભરાય છે. લીવ-ઇન રિલેશનશિપમાં રહેલી એક સ્ત્રી સંતાનેચ્છા ના સંતોષતા પાર્ટનરને છોડીને અન્ય પુરુષ પાસે જતી રહે છે. એ પછી પણ એ પાર્ટનરની ચિંતા કર્યા કરે છે. મોટી ઉંમરના વકીલ એવા એ પાર્ટનરની ખબર જાણવા એના જુનિયરને ફોન કર્યા કરે છે. આ સ્ત્રી કોઈને સમજાઈ નથી, ના પાર્ટનરને, ના એના જુનિયરને, ના એ સ્ત્રીને વકીલ પાસે મોકલનાર બાવાને. એક અગમ્ય સ્ત્રીનું રેખાચિત્ર. આ વરિષ્ઠ લેખક પાસેથી આનાથી વધુ સારી રચનાની અપેક્ષા રહે છે.  

ક્યારનુંય બાકી હતું તે...(કિરણ વી. મહેતા):

આ રચના ત્રિપરિમાણિય છે. એક: વાર્તાના સ્વરૂપમાં ગધખંડ. બે: મૃત્યુ પછી નાયકની જ જુબાનીએ પોતાની નિરર્થક જિંદગીનું બયાન. ત્રણ: જીવન-મૃત્યુની સેળભેળ કરતી પ્રયોગાત્મક વાર્તા.

આલેખનમાં લેખકે ખાસી આલંકારિક ભાષા પ્રયોજી છે. કેટલાંક ઉદાહરણો:

૧. વિચારોની વળગણીએ સૂકાઇ રહેલા વિરંજનથી હવે લાગણીઓનો તડકો ખમાતો ન હતો. ૨. દૂરથી આવતાં ધ્વનિઓની ધજાઓનું હવે ઓફિસમાં ફરફરવું સરળતાથી સાંભળી શકાય છે. ૩. સમયની ભીંત પરથી ક્ષણોના ચૂનાની કેટલીક પોપડીઓ ખરી, પણ પેલા યુવકની એકલતા હવામાં ભટકતી રહી. ૪. એ ફોટાઓ જોતો એટલે એમાં નંદનવનો ખીલી ઊઠતાં, મોરલાઓ ટહુકતા અને પૂર્વનો દરિયો લહેરાતો, ક્ષણોના પતંગિયા માથે, ખભે બેસતાં અને ઉડાઉડ કરતાં.  ૫. નયનતારાની નજર પડતાં જ કેટલીય વાર છાતીમાં ચટાપટાવાળા ઝીબ્રાઓનાં ટોળા પગ પછાડતાં, ધૂળ ઉડાડતા, દોડતાં અનુભવાતા.                   

બાપુ (અરવિંદ બારોટ):

આ લેખક આપણી લોકકથાઓને એકત્ર કરીને, મૂળ કથાબીજ સલામત રાખીને, કથાનો મર્મ સાચવીને આજની પેઢીને રુચે એવા નવા રંગરૂપમાં સજાવીને પ્રસ્તુત કરતા આવ્યા છે. એક રાજવીને ઘરેણાં પહેરવાનો શોખ નથી પણ છતાંય રાજ્યની એક દીકરીનું મન રાખવા સોનારૂપાના ઘરેણાં ધારણ કરે છે.  નાનકડી, સરસ રચના,  પ્રવાહી રજૂઆત.

--કિશોર પટેલ,  02-02-22; 09:13

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)

    

No comments: