Monday, 21 February 2022

બે વાર્તાઓ વચ્ચે આશ્ચર્યજનક સામ્ય ભાગ ૨

 

બે વાર્તાઓ વચ્ચે આશ્ચર્યજનક સામ્ય ભાગ

(૭૯૮ શબ્દો)

 



થોડાક સમય પહેલાં આપણી ભાષાની બે વાર્તાઓ વચ્ચે જણાયેલા આશ્ચર્યજનક સામ્ય વિષે વાત કરી હતી. હાલમાં આવો જ બીજો એક કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. 

મિત્રો, આપ સહુ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી હાલમાં આપણાં અગ્રણી સામયિકોમાં પ્રસિદ્ધ થતી ટૂંકી વાર્તાઓ વિષે આ લખનાર નિયમિતપણે નોંધ લખતા આવ્યા છે. “નવનીત સમર્પણ”ના  ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધમાં ગિરિમા ઘારેખાનની વાર્તા “બાપુજી મને...” વિશેની ટિપ્પણી વાંચ્યા બાદ એક ભાવકમિત્રએ આ લખનારને અનિલ વ્યાસની વાર્તા “તરાપો” વાંચવા માટે મોકલી. આ વાર્તા ભરત નાયક સંપાદિત “ગદ્યપર્વ”  માં ૧૯૯૬ માં પ્રગટ થઇ હતી જેનો પછીથી લેખકના વાર્તાસંગ્રહ “સવ્ય અપસવ્ય” માં સમાવેશ થયેલો છે. વાર્તા “તરાપો” વાંચતા જ આ લખનારને બે વાર્તાઓ વચ્ચે સામ્ય છે તેનો ખ્યાલ આવ્યો.     

 

અનિલ વ્યાસની “તરાપો” અને ગિરિમા ઘારેખાનની “બાપુજી મને...” વચ્ચેનું સામ્ય:

૧. બંને વાર્તાઓનો વિષય છે પિતા-પુત્રના વણસેલા સંબંધ.

૨. બંને વાર્તાઓમાં પિતાનું મૃત્યુ થાય છે.

૩. બંને વાર્તાઓમાં ભારે વરસાદના પરિણામે પૂર આવે છે.

૪. બંને વાર્તાઓમાં નાયક શહેરમાંથી વતનના ગામડે આવે છે.

૫. બંને વાર્તાઓમાં નાયક અનિચ્છાએ વતનના ગામડે આવે છે.

૬. બંને વાર્તાઓમાં પિતાના મૃતદેહને નિહાળ્યા બાદ નાયકના મનમાં પિતા માટે રહેલો અભાવ ઓગળવા માંડે છે.

૭. બંને વાર્તાઓમાં પિતાના મૃતદેહને વરસાદના પૂરમાં તણાતો અટકાવવા નાયક મરણિયો પ્રયાસ કરે છે.

૮. બંને વાર્તાઓમાં નાયકે પોતાની જાતને તોફાની વરસાદના પૂરમાં તણાઈ જતાં બચાવવા માટે મનેકમને પિતાના મૃતદેહનો સહારો લેવો પડે છે.

બંને વાર્તાઓ વચ્ચે રહેલો તફાવત:

૧. પિતા પ્રત્યે નાયકના મનમાં અભાવનું કારણ વાર્તા “તરાપો” માં પિતાએ માતા જોડે કરેલો દુર્વ્યવહાર જયારે વાર્તા “બાપુજી મને...” નાયકને એવી લાગણી છે કે એની પ્રગતિના માર્ગમાં પિતા કાયમ વિઘ્ન બન્યા છે. 

૨. વાર્તા “તરાપો” માં નાયક પિતાની છેલ્લી ઘડીઓ ગણાય છે એવા ખબર મળતાં ગામડે આવે છે જયારે  વાર્તા “બાપુજી મને...” માં પિતાના મૃત્યુની ખબર મળ્યા પછી નાયક ગામડે આવે છે.

૩. વાર્તા “તરાપો” માં  નાયક પોતાની પત્ની અને બે નાનાં છોકરાંને શહેરમાં મૂકીને ગામડે આવ્યો છે જયારે વાર્તા “બાપુજી મને...” માં નાયક પત્ની જોડે આવ્યો છે.

૪. વાર્તા “તરાપો” માં  નાયકની માતા હયાત છે જયારે વાર્તા “બાપુજી મને...” માં નાયકે પોતાના જન્મ પછી ટૂંક સમયમાં જ માતાને ગુમાવી દીધી છે.

૫. વાર્તા “તરાપો” માં રજૂઆતમાં નાયકની માતા અને ગામના અન્ય લોકો જે તે પ્રદેશની તળપદી બોલીનો પ્રયોગ કરે છે જયારે વાર્તા “બાપુજી મને...” માં આવો કોઈ પ્રયોગ થયો નથી.

આમ જોઈ શકાશે કે બે વાર્તાઓમાં જે કોઈ તફાવત છે એ રજૂઆતમાં છે પણ બંને વાર્તાઓના કેન્દ્રિય વિચાર અને એકંદર આલેખનમાં ભારોભાર સામ્ય છે.

આ વિષે ગિરિમાબેનનું શું કહેવું છે એ જાણવા આ લખનારે અનિલ વ્યાસની તરાપો વાર્તા એમને વાંચવા માટે મોકલી.

વાર્તા વાંચ્યા બાદ ગિરિમાબેને કહ્યું કે હાલમાં અઠવાડિયા પહેલાં જ એક મિત્ર તરફથી આ વાર્તા વિષે એમને જાણવા મળ્યું છે, એ પહેલાં એમણે  અનિલભાઈની આ કે બીજી કોઈ પણ વાર્તા એમણે ક્યારેય વાંચી નથી. એમણે જણાવ્યું  કે એમના પતિના નોકરી-વ્યવસાયના કારણે પોતે લાંબા સમયથી દેશની બહાર હતાં. છેક ૨૦૧૫ માં સ્વદેશ પાછાં ફર્યા બાદ ગુજરાતી સાહિત્યના વાંચન-લેખનની ઘણાં સમયથી અટકી ગયેલી પ્રવૃત્તિ ફરીથી શરુ થઇ છે.

ગિરિમાબેને કહ્યું કે બંને વાર્તાઓમાં સામ્ય જરૂર છે પણ સાથે સાથે તફાવત પણ ઘણો છે. એમણે કહ્યું કે સમાચારના દ્રશ્યમાધ્યમોમાં પૂરહોનારતનાં દ્રશ્યો જોયા બાદ આ વાર્તા લખવાની પ્રેરણા એમને મળી હતી. વાતચીતમાં એમણે તુલસીદાસના જીવનના એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો. પત્ની પિયર ગઈ એ પછી એમના વિરહમાં વ્યાકુળ થઇ ગયેલા તુલસીદાસ તોફાની વરસાદની પરવા કર્યા વિના સાસરે પહોંચી ગયા હતા. ત્યારે એમની પત્નીએ એમને ઠપકો આપતાં કહ્યું હતું કે  આટલી લગની તમને ઈશ્વર માટે હોત તો તમને સાક્ષાત ઈશ્વર મળી ગયા હોત. એ સમયે તુલસીદાસને ધ્યાનમાં આવે છે કે પોતે જેને દોરડું સમજીને ઝાલીને ઘરનાં ઉપરના માળે પહોંચી ગયા હતા એ તો સાપ હતો. એમને એ પણ ખ્યાલ આવે છે કે તોફાની નદી પાર કરવા જે વસ્તુનો પોતે તરાપો તરીકે ઉપયોગ કર્યો હતો એ તો કોઈકનું મડદું હતું. આ પ્રસંગનો હવાલો આપીને ગિરિમાબેને કહ્યું કે “બાપુજી મને...” વાર્તાના અંતમાં પૂરમાં તણાઈ જતાં બચવા નાયકને પિતાના મૃતદેહનો સહારો લેતો બતાવ્યો છે.

આમ જુઓ તો પિતા-પુત્ર વચ્ચે મતભેદ અને મનભેદ યુગોયુગોથી ચાલ્યો આવતો સનાતન વિષય છે. આ વિષય પર લખાયેલી આ સિવાય પણ બીજી પણ અનેક વાર્તાઓ મળી આવશે. ભવિષ્યમાં પણ આ વિષય પર વાર્તાઓ લખાતી રહેશે. દેશવિદેશમાં પણ આ વિષય પર વાર્તાઓ-નવલકથાઓ લખાતી રહી છે, ફિલ્મો-નાટકો બનતાં રહ્યાં છે. શેક્સપિયરના એક નાટકમાં તો મામલો પિતા-પુત્રમાંથી એકની હત્યા સુધી પહોંચી જાય છે. હમણાં મરાઠીમાંથી અનુવાદ કરવા આ લખનારે લીધેલી એક વાર્તામાં પણ પિતા-પુત્ર વચ્ચે પડી ગયેલા અંતરની વાત છે. અરે! આ લખનારની પોતાની ચાલીસ વર્ષ જૂની વાર્તા “પ્રસૂતિ” માં પણ પિતા-પુત્ર વચ્ચે પડેલી ખાઈનો જ વિષય હતો.

આ સંજોગોમાં ગિરિમાબેને આપેલો ખુલાસો આપણે સ્વીકારી લેવો રહ્યો. વર્ષ ૨૦૧૯ પછી અગ્રણી સામયિકોમાં ગિરિમાબેનની પ્રસિદ્ધ થયેલી કુલ ૧૩ (૨૦૧૯ માં ૧, ૨૦૨૦ માં ૬, ૨૦૨૧ માં ૬) વાર્તાઓમાંથી પસાર થતાં જણાય છે કે તેઓ અવનવા વિષયને હાથમાં લઇ આગળીવેગળી રજૂઆત કરવા પ્રયત્નશીલ રહ્યાં છે.  આ વાત અહીં મૂકવાનો ઉદ્દેશ કેવળ આ બે વાર્તાઓમાં રહેલાં આશ્ચર્યજનક સામ્ય અંગે ધ્યાન દોરવાનો છે.

--કિશોર પટેલ, 22-02-22; 10:12

તા.ક. પોસ્ટ સાથે બંને વાર્તાઓની ફોટો કોપી મૂકી છે.

###         

            

No comments: