Thursday, 3 February 2022

શબ્દસૃષ્ટિ ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

શબ્દસૃષ્ટિ ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૦૦ શબ્દો)

પ્રસ્તુત અંકની બંને વાર્તાઓ પઠનીય છે.

ગુલાબ, બારમાસી, મનીપ્લાન્ટ અને- (ગિરિમા ઘારેખાન):

બગીચો છે પણ માળી પાસે કળીનું સંગોપન કરવાની આવડત નથી. ફૂલો છે પણ આસપાસ ભમરાને પ્રવેશબંધી છે. એવો બગીચો ઉજ્જડ થઇ ન થઇ જાય તો જ નવાઇ લાગે. નાયકની દીકરી કુમળી વયે મૃત્યુ પામી છે. પાડોશની કન્યા જેમાં એ પોતાની દીકરીને તે પોતાના પિતાના ચુસ્ત પહેરા હેઠળ ગૂંગળામણ અનુભવે છે. એની ઈચ્છા-ઉમંગ જાણ્યા વિના એને કુપાત્રે પરણાવી દેવાય છે. નાયક અને પાડોશી કન્યા જોડે પિતા-પુત્રીનો સંબંધ વિકસે એ પહેલાં સમાપ્ત થઇ જાય છે. એક વાર્તા અધૂરી રહી જાય છે. આજે સમાજમાં અન્યોનાં મામલામાં દખલ ના દેવાની જે “સભ્યતા” વિકસી છે તેનું દુષ્પરિણામ આ વાર્તામાં પડઘાય છે. વાર્તામાં વાર્તા રજૂ કરવાની પ્રયુક્તિ પાછળ લેખકનો હેતુ કદાચ કારુણ્યની માત્રા સીમિત રાખવાનો હશે, પણ સીધી રજૂઆત કરી હોત તો પણ પરિણામ આનું આ જ રહેત. વાચનક્ષમ વાર્તા.             

લત (ભાઈલાલ ઠક્કર):

વ્યંજનાપૂર્ણ વાર્તા. એકાદી લત માણસને કેવી વિકટ પરિસ્થતિમાં મૂકી દે તેની સરસ વાર્તા. સંપતલાલને છાપાં જોડે આવતી ભેટકુપન ભેગી કરીને મહિનાના અંતે એજન્ટ પાસેથી ગિફ્ટ મેળવવાની લત પડી છે. ગિફ્ટ મેળવ્યા પછી ઘરમાં એનો ઉપયોગ થાય છે કે નહીં એની જોડે એમને લેવાદેવા નથી, ફક્ત ગિફ્ટ મેળવવી એટલો એક જ એમનો હેતુ હોય છે. એક મહિને અકસ્માતપણે ખૂટતી ત્રણેક કુપન મેળવવા એમણે જાહેર લાયબ્રેરીમાંથી ચોરી કરી અને અંતે ક્ષોભજનક પરિસ્થતિમાં મૂકાવું પડ્યું. બીજું કોઇ નહીં ને જે ભૂતપૂર્વ વિદ્યાર્થીને પ્રામાણિકતાના પાઠ ભણાવેલા એની સામે જ એમણે અપરાધી તરીકે ઊભા રહેવું પડ્યું. લેખકે સરસ વાર્તાક્ષણ પકડી છે. ભેટકુપનની લત તો એક પ્રતિક થયું, એની જગ્યાએ અન્ય કોઇ પણ લત માણસને હોઈ શકે. સંપતલાલના મનોવ્યાપારનું અચ્છું આલેખન. સારી વાર્તા.         

--કિશોર પટેલ, 04-02-22 08:32

(તા.ક. શબ્દસૃષ્ટિનો નવેમ્બર ૨૦૨૧ અંક સ્વાતંત્ર્યભૂમિ  વિશેષાંક હોવાથી એમાં એક પણ વાર્તા પ્રગટ થઇ નથી.)

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)

 

  

No comments: