વારેવા ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ
પેટા શીર્ષક: મારા “રમકડું” માં મારી છબી!
(૧૩૩૭ શબ્દો)
દેહાંતર (ફરીદ તડગામવાલા):
વૈજ્ઞાનિક કપોળકલ્પિત કથા+અપરાધકથા (સાયન્સ ફિક્શન+ક્રાઈમ
સ્ટોરી). ચાલીસ વર્ષ પછીના એટલે કે ઈ.સ.૨૦૬૦ ભવિષ્યના સમયની કલ્પના કરીને લખાયેલી
કથા. દેહની અદલાબદલીનો પ્રયોગ. અવશેષ શાહ નામનો ૬૨ વર્ષની ઉંમરનો એક ધનાઢ્ય આદમી
યુવાન દેહ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. વૈજ્ઞાનિક ડોક્ટર સાહિલને પોતાની બીમાર માતાના
મોંઘા ઓપરેશન માટે એક કરોડ રૂપિયાની જરૂર છે. ૨૮ વર્ષનો યુવાન સાહિલ પોતાના દેહનો
સોદો રૂપિયા એક અબજમાં નક્કી કરે છે. દેહાંતરના આ ઓપરેશન માટે સબમરીનને દરિયાના
પેટાળમાં ઓછા દબાણે લઇ જવાના જોખમી સાહસમાં એની પ્રેયસી ડોક્ટર ડાયેના સાથ આપવા
તૈયાર થાય છે.
આ પ્રયોગમાં અનેક વિઘ્નો છે. સહાયક નિષ્ણાતો ઢચુપચુ છે,
દરિયાઈ વિશ્વના જે સ્થળે આ ઓપરેશન કરવાનું છે ત્યાં અમેરિકન નૌકાદળની ચોકી છે,
એમની સબમરીનને રૂટિન ચેકિંગ માટે રોકવામાં પણ આવે છે, આ બધાં જ વિઘ્નો સાહિલ વાક્ચાતુરીના
જોરે વટાવે છે. સાહિલના બેન્ક ખાતામાં રૂપિયા સો કરોડ જમા થઇ જાય પછી સાહિલ જે કરે
છે તે કલ્પનાતીત છે.
વાર્તામાં એક સમસ્યા છે, અંતમાં સાહિલ જે ભયાનક અપરાધ કરે
છે તે એવું કરી શકે અથવા એવું કરવા માટે એની પાસે કોઇ ચોક્કસ કારણ હોય એવો એક પણ
સંકેત વાર્તામાં કે એના પાત્રાલેખનમાં ઈંગિત થયો નથી. વાર્તામાં ચમત્કૃતિ હોવી એક
વિશેષતા ગણાય છે પણ કુશળ વાર્તાકાર વાર્તામાં ક્યાંક સંકેત મૂકતો હોય છે. ખેર,
વાર્તામાં એક અજબગજબ કલ્પના થઇ છે એ એક મોટું જમા પાસું.
રોગચાળો (નીલેશ રૂપાપરા):
અતિવાસ્તવવાદી સૃષ્ટિની એક ઝલક આ વાર્તામાં જોવા મળે છે. એક
નવોદિત ગાયિકા પ્રતિષ્ઠિત સંગીતકાર માટે પોતાના પહેલા જ ગીતનું રેકોર્ડિંગ કરવા
નીકળી છે. આવી તક મળ્યા બદલ એ આનંદમાં છે. પણ સ્ટુડિયોમાં પહોંચતાં પહેલાં એને
કલ્પનાતીત અનુભવો થાય છે. જાહેર રસ્તા પર જંગલી જાનવરો આતંક મચાવે છે. લોહીની
ઊલટીઓ, મારકાપ, જીવતાં મનુષ્યોને ક્ષણમાત્રમાં લાશમાં પરિવર્તિત થતાં જોઇને નાયિકા
હેબતાઈ જાય છે. છેવટે જ્યારે એની ઉપર એક ખૂંખાર પ્રાણી હુમલો કરવા આવતું દેખાય
ત્યારે એ ભાગવા માંડે છે. સ્ટુડિયોના પરિચિત વાતાવરણમાં પહોંચ્યા બાદ બધું શાંત
થાય છે. પણ એટલામાં ટીવીના પરદા પર સમાચારની ચેનલ પર ચાલતી ઉગ્ર ચર્ચા જોઇને એને
ફરીથી પેલાં ભયાવહ દ્રશ્યો યાદ આવે છે.
આજકાલ ન્યુઝ ચેનલો પર સંચાલકના ચઢામણીથી વિવિધ રાજકીય પક્ષો
વચ્ચે થતી ઉગ્ર ચર્ચાઓને અને પરિણામે દૂષિત થતાં આપણા જાહેર જીવનને પેલાં
દહેશતભર્યા લોહિયાળ દ્રશ્યો સરખાવીને વાર્તાકારે મીડિયા વિષે એક અગત્યનું વિધાન
કર્યું છે. કોઇ પણ સંવેદનશીલ વ્યક્તિ માટે આપણા સહુનું વિશ્વ હદ બહારનું દૂષિત થઇ
ગયું છે. સરસ વાર્તા.
અજંપો (મીનાક્ષી દીક્ષિત):
નાનકડી ભૂલ પણ કોઇ સંવેદનશીલ સ્ત્રીને કેટલી અજંપ બનાવી
મૂકે એની રસપ્રદ વાર્તા. ઉપવાસ હોવાથી ગૃહિણીએ ચાખ્યા વિના પતિને રસોઈ પીરસી.
પતિને રસોઈ ભાવી નહીં એટલે બચેલી ખીચડી-કઢી ગૃહિણીએ એક ભિખારીને આપી દીધી. સાંજે
ખબર પડી કે કઢીમાં નાખેલા ચણાના લોટમાંથી ડામરની ગોળીની વાસ આવતી હતી જે ગૃહિણીને
શરદી થઇ હોવાથી પકડાઈ ન હતી. ગભરાઈ ગયેલી નાયિકા પેલા ભિખારીના ક્ષેમકુશળ જાણવા
બેબાકળી બને છે. પેલો ક્યાંય જડતો નથી એટલે નાયિકાનો અજંપો વધતો જ જાય છે. નાયિકાની
દોષભાવનાનું સરસ આલેખન. વરિષ્ઠ વાર્તાકારની અગાઉ પ્રગટ થઇ ચૂકેલી આ વાર્તા રસપ્રદ
રજૂઆતને કારણે આજે પણ હજી એટલી જ વાચનક્ષમ છે.
વેરાવળ-ઢસા (નિખિલ વસાણી):
હળવી શૈલીમાં રજૂ થયેલી આ વાર્તામાં કાઠીયાવાડ તરફની તળપદી
બોલીનો પ્રયોગ થયો છે. ટ્રેનની લાંબા
અંતરની મુસાફરીમાં નાયકને મળેલો એક વાતોડિયો સહપ્રવાસી બોલતો રહે છે અને રસ્તો
કપાઈ જાય છે. અંતમાં વક્તાને જાણ થાય કે શ્રોતા તો ક્યારનો નિદ્રાધીન થઇ ગયેલો ને પોતે
એકલો જ બબડાટ કરતો હતો. વક્તાના તકિયાકલામનો ઉપયોગ કરીને કહી શકાય કે “આવું તો એના
માટે આવું કાયમનું થયું.” હળવી શૈલીમાં કહેવાયેલી વાર્તા.
અનુવાદિત વાર્તાઓ:
૧. મા, મને ટાગોર બનાવી દે! (મૂળ પંજાબી વાર્તા,
લેખક: મોહન ભંડારી, અંગ્રેજી અનુવાદ: નિરૂપમા દત્ત, ગુજરાતી અનુવાદ: નરેન્દ્રસિંહ
રાણા): ગરીબીના કારણે આપણા દેશમાં કેટલીય પ્રતિભાઓ ઊગતાં પહેલાં જ આથમી જતી હશે! આ
વાર્તાનો નાયક એક તરુણ કિશોર છે જેની કાવ્યપ્રતિભા ગરીબીને કારણે વિકસી શકી નથી.
૨. રાક્ષસ અને પોપટ (મૂળ મરાઠી વાર્તા, લેખક:
શ્રીકાંત બોજેવાર, ગુજરાતી અનુવાદ: કિશોર પટેલ): મહારાષ્ટ્રના એક અંતરિયાળ ગામડા ખાતે નાયિકા લાંબા
સમયથી સતત દુર્વ્યવહાર કરતા પતિનો પ્રતિકાર કઇ રીતે કરે છે એની ચુસ્ત પ્લોટવાળી
રસપ્રદ વાર્તા.
૩. શ્રેયા ઘોષાલ (મૂળ અંગ્રેજી વાર્તા: ટેલર
સ્વિફ્ટ, લેખક: હ્યુજ સ્ટેઇનબર્ગ, અનુવાદ: વારેવા ટોળી): નાનકડી મઝાની ફેન્ટેસી વાર્તા. એવા ભવિષ્યની કલ્પના
થઇ છે જયારે જીવતાજાગતા માણસોનું ક્લોનિંગ પણ સહજ થઇ ગયું હશે.
૪. ઓનલાઈન (મૂળ અંગ્રેજી વાર્તા: A Skype
call, ઈન્ટરનેટ પરથી, અનુવાદ: વારેવા ટોળી): એક વધુ ફેન્ટસી વાર્તા. કોઈને અજબગજબ અનુભવ થાય એ હજી સમજી
શકાય, પણ લેખકની કલ્પના જુઓ: ચાર વર્ષથી જેની શ્રવણશક્તિ લુપ્ત થઇ ગઈ છે તેને અજાણ્યા
માણસો વિનાકારણ સ્મિત આપવા માંડે, એની સાથે સૌજન્યપૂર્ણ વાતો કરવા માંડે! ફક્ત એવે
સમયે તેને સાંભળવા માંડે, અન્યથા નહીં! કમાલની કલ્પના!
૫. છોકરી (મૂળ અંગ્રેજી વાર્તા: ગર્લ, લેખક: જમૈકા
એન્ટીગુઈયન, અનુવાદ: વારેવા ટોળી): સ્ત્રીઓની માનસિકતા કુંઠિત કરી દેવાની પ્રવૃત્તિ ઘરમાંથી જ
શરુ થાય છે એ વિશેની સરસ મઝાની નાનકડી કટાક્ષકથા.
સ્થાયી સ્તંભ:
૧. મુકામ પોસ્ટ વાર્તા વિભાગમાં રાજુ પટેલ કેટલીક સત્યઘટનાઓ વર્ણવે છે જેના પરથી સાબિત થાય
છે કે Fact is stranger than fiction.
૨. રસાસ્વાદ: (ક) કથાકારિકા વિભાગમાં કિશોર પટેલ જગદીપ
ઉપાધ્યાયની સાંપ્રત વાર્તા “જોગી” અને એનો રસાસ્વાદ રજૂ કરે છે. વાર્તામાં એક
પુરુષના સંયમ અને ડહાપણની વાત થઇ છે જેને માટે વિશેષણ “જોગી” સર્વથા યોગ્ય છે. (ખ)
લઘુકોણ વિભાગમાં રાજુલ ભાનુશાલી વરિષ્ઠ સાહિત્યકાર રતિલાલ બોરીસાગરની એક
લઘુકથા “આલંબન” અને તેનો રસાસ્વાદ રજૂ કરે છે. એક સ્ત્રીને જયારે મૃત પતિના મનપસંદ
પુસ્તકો ઘરમાંથી બહાર કાઢી નાખવાની ફરજ પડે છે ત્યારે એને એવી લાગણી થાય છે કે એણે
સાચા અર્થમાં પોતાના પતિને વળાવી દીધો. (ગ) જશ્ન-એ-વાર્તા વિભાગમાં સમીરા
પત્રાવાલા હીરાલાલ ફોફળીયાની એક ક્લાસિક વાર્તા “અમને શી ખબર?” અને તેનો
રસાસ્વાદ રજૂ કરે છે. આખી જિંદગી અન્યોના અંતિમસંસ્કારની વ્યવસ્થા જેણે કરી એના
પોતાના અંતિમસંસ્કારમાં કેવો છબરડો થાય છે એની વાત કરુણાની છાંટ સાથે હળવી શૈલીમાં
રજૂ થઇ છે.
૩. નવોદિત લેખકો માટે માર્ગદર્શન વિભાગમાં “ટૂંકી
વાર્તા: પ્રાથમિક પરિચય” લેખમાળામાં રમેશ ર. દવે આ પ્રકરણમાં વાર્તામાં
પાત્રસૃષ્ટિ અંગે મહત્વની વાત કરે છે.
વારેવામાં મીમ
વારેવા સામયિકે એક નવી પ્રથા શરુ કરી છે, મીમ (meme)
આપવાની. અંગ્રેજી શબ્દકોશમાં મીમની વ્યાખ્યા આ પ્રમાણે છે:
એક વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિને અપાતો રસપ્રદ, સાંસ્કૃતિક, હળવો, વિનોદી સંદેશો
કે અફવા. મીમનો જન્મ અને પ્રસાર સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટને કારણે થયો છે.
પોતાની વાત કહેવા ચિત્ર, છબી કે વિડીયો
ક્લિપને સ્વતંત્રપણે તૈયાર કરવાને બદલે ઉપલબ્ધ લોકપ્રિય ચિત્ર, છબી કે ઓડિયો
વિડીયો ક્લિપનો ઉપયોગ કરવો. પછી ભલે એ મૂળ ચિત્ર, છબી કે ક્લિપનો ઉદ્દેશ કંઇક જૂદો
હોય! (મીમ વિશેની પૂરક માહિતી સૌજન્ય:
રાજુ પટેલ)
વારેવામાં પ્રથમ અંકથી ગુજરાતી વાર્તા,
સાહિત્ય અને ભાષાને લગતી બાબતોના મીમ પ્રકાશિત થાય છે જે અન્ય કોઈ ગુજરાતી
સાહિત્યિક કે બિનસાહિત્યિક સામયિકમાં હજી સુધી જોવામાં આવ્યું નથી. કદાચ કોઈ પણ
ભારતીય ભાષામાં મીમને એક રજૂઆતના માધ્યમનો દરજ્જો હજી મળ્યો નથી. એ રીતે જોઈએ તો
વારેવાએ આ પહેલ કરી છે.
છેક ત્રીજા અંકની નોંધમાં આ પહેલનો ઉલ્લેખ? વારેવાએ
વાર્તા સંબંધિત વ્યંગચિત્રો અને મીમની શરૂઆત કરી છે એ વિષે પહેલાં અંકની નોંધમાં
લખવાનું સરતચૂકથી રહી ગયેલું. બીજા અંકની નોંધમાં મીમનો ઉલ્લેખ હેતુપૂર્વક ટાળ્યો
હતો. આવી નોંધને વાચકો કેટલી ગંભીરતાથી વાંચે છે એ ચકાસવું હતું. કોઈ આ વિષે ટકોર
કરે છે કે કેમ મીમ વિષે ઉલ્લેખ કર્યો નથી?
અફસોસ, ના તો પહેલા અંકની નોંધ વાંચ્યા બાદ
કોઈએ વ્યંગચિત્રો કે મીમનો ઉલ્લેખ ન કરવા
બદલ ટકોર કરી કે ના બીજા અંકની નોંધ વાંચ્યા પછી કોઈએ મીમ વિષે ના લખ્યું એ બદલ
ટીકા કરી.
લાગે છે કે સાહિત્યક્ષેત્રે ઓળખ ઊભી કરવા
માટે વ્યંગચિત્રો અને મીમે હજી ઘણી મહેનત કરવી પડશે.
વારેવા પોતાની રીતે પ્રયોગો કરે છે પણ આખરે
તો આ પ્રયોગો વાચકો માટે છે. વાચકો! સચેત રહો!
અગત્યની વાત છેલ્લે:
મારા “રમકડું” માં મારી છબી!
વારેવાની વાર્તાઓ વિષે નોંધ લખવા માટે આ લખનાર અનુચિત
વ્યક્તિ છે કારણ કે એ સ્વયં વારેવા સામયિકનો જવાબદાર સભ્ય છે. આ તો એવું થયું જાણે
મારા “રમકડું”માં મારી છબી!
આપણા સામયિકોમાં હાલમાં લખાતી વાર્તાઓ વિષે અન્ય કોઇ જ
લખતું નથી એટલે એણે પોતે લખવું પડે છે. એ નહીં લખે તો અન્ય સામયિકોની જેમ આ સામયિક
પણ છેવટે સમયના પ્રવાહમાં વહી જવાનું છે. કોઇ ક્યારે જાગે અને ક્યારે નોંધ લે એ
કોઇ જાણતું નથી. જે દિવસે અન્ય કોઇ વ્યક્તિ આ સામયિકની વાર્તાઓ વિષે નોંધ લેવાનું
શરુ કરશે એ જ દિવસે આ લખનાર વારેવાની વાર્તાઓ વિષે લખવાનું અટકાવી દેશે.
--કિશોર પટેલ, 15-02-22; 08:57
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી.)
### આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા
માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com
No comments:
Post a Comment